રાજ્યમાં પવનની દિશા બદલાતાં આજે કાળઝાળ ગરમીમાં વધુ વધારો નોંધાયો છે. આજે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે. સુરેન્દ્રનગરનું મહત્તમ તાપમાન 44 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી અને ગાંધીનગરનું 43 ડિગ્રી નોંધાયું છે. આવનારા દિવસોમાં હજી વધુ ગરમી પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. અમદાવાદમાં યલો એલર્ટ મૂકવામાં આવ્યું છે.
મળતી વધુ વિગત મુજબ, રાજ્યમાં પવનની દિશા એકાએક બદલાવાથી તાપમાનમાં એકથી ડોઢ ડિગ્રીનો વધારો નોંધાયો છે. સૌથી વધુ તાપમાન સુરેન્દ્નનગરમાં 44 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં 43.3 ડિગ્રી, ગાંધીનગરનું 43 ડિગ્રી, ઈડરનું 43.4 ડિગ્રી, અમરેલીનું 43.4 ડિગ્રી, ડીસાનું 42.2 ડિગ્રી, રાજકોટનું 42.2 ડિગ્રી, કંડલા એરપોર્ટનું 43.2 ડિગ્રી અને વડોદરાનું મહત્તમ તાપમાન 42.3 ડિગ્રી નોંધાયું છે.
જોવા જઈ તો સમગ્ર રાજ્યના તાપમાનમાં વધારો નોંધાયો છે. આજે મહત્તમ તાપમાનમાં એકાએક થયેલા વધારાથી લોકો ત્રાસી ગયા હતા. બીજી બાજુ, રોગચાળામાં પણ વધારો નોંધાયો હતો. અત્યારસુધીમાં આરોગ્ય વિભાગના રજિસ્ટરમાં નોંધાયેલા કેસોની વિગત અહીં આપવામાં આવી છે. શરદી, ઉધરસ અને તાવના 189 કેસ નોંધાયા છે. ઝાડા-ઊલટીના 112 કેસ નોંધાયા છે. ટાઇફોઇડના 3 કેસ નોંધાયા છે. કમળો અને તાવના 2 કેસ નોંધાયા છે તેમ જ અન્ય 26 કેસ નોંધાયા છે.