Home /News /gujarat /Power corridor: ભાજપ સંગઠનના નિર્ણયના કારણે રાજ્યના તમામ વિભાગના અધિકારીઓને દિવસ-રાતના ઉજાગરા
Power corridor: ભાજપ સંગઠનના નિર્ણયના કારણે રાજ્યના તમામ વિભાગના અધિકારીઓને દિવસ-રાતના ઉજાગરા
સચિવાલયની તસવીર
વિધાનસભાની ચૂંટણી (Assembly Election 2022) નિર્ધારિત સમયે થવાની હોવાના સંકેતના પગલે રાજ્ય સરકાર (Gujarat government) પરફોર્મન્સ બતાવવા તૈયાર થઇ છે. તાજેતરમાં પ્રભારી સાથે થયેલી મંત્રણાઓને ધ્યાને લઇને ભાજપ (BJP)ના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે (C.R. Patil) તમામ કેબિનેટ મંત્રીઓને, પ્રદેશના પદાધિકારીઓ તેમજ પાર્ટીના કાર્યકરોને છ મહિનાનું લેસન આપી દીધું છે.
વિધાનસભાની ચૂંટણી (Assembly Election 2022) નિર્ધારિત સમયે થવાની હોવાના સંકેતના પગલે રાજ્ય સરકાર (Gujarat government) પરફોર્મન્સ બતાવવા તૈયાર થઇ છે. તાજેતરમાં પ્રભારી સાથે થયેલી મંત્રણાઓને ધ્યાને લઇને ભાજપ (BJP)ના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે (C.R. Patil) તમામ કેબિનેટ મંત્રીઓને, પ્રદેશના પદાધિકારીઓ તેમજ પાર્ટીના કાર્યકરોને છ મહિનાનું લેસન આપી દીધું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ પ્રજાલક્ષી યોજનાઓની વિગતો તૈયાર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ વિગતો એકત્ર કરવાની જવાબદારી જે તે વિભાગના ઉચ્ચ અધિકારીને આપવામાં આવી છે.
આ સમયમાં CMOમાં કામ કરતા ઉચ્ચ અધિકારીઓની જવાબદારી વધી ગઇ છે. વિભાગવાર પ્રજાલક્ષી યોજનાઓની પ્રસિદ્ધિ કરવાની હોઇ અત્યારે સરકારના તમામ વિભાગોમાં માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. ખાસ કરીને પ્રજા સાથે જોડાયેલા વિભાગો જેવાં કે અન્ન અને નાગરિક પુરવઠા, આરોગ્ય, ગૃહ, શિક્ષણ, મહિલા અને બાળકલ્યાણ, શહેરી વિકાસ, સામાજીક ન્યાય અને અધિકારીતા, શ્રમ અને રોજગાર, કૃષિ અને સહકાર, ઉદ્યોગ, ઉર્જા, મહેસૂલ, આદિજાતિ વિભાગ, પાણી પુરવઠા અને નર્મંદા, સિંચાઇ તેમજ માર્ગ મકાન વિભાગના અધિકારીઓને સચિવાલયમાં 12 થી 14 કલાક મહેતન કરવી પડશે.
પંકજકુમાર અને રાજીવ ગુપ્તા આવતા મહિને નિવૃત્ત...
ગુજરાતની બ્યુરોક્રેસીમાં મે મહિનો વધારે મહત્વનો માનવામાં આવે છે, કેમ કે રાજ્યના વહીવટી વડા એવા ચીફ સેક્રેટરી પંકજકુમાર અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્યસચિવ રાજીવકુમાર ગુપ્તા મે મહિનામાં વયનિવૃત્ત થવાના છે. આ બન્ને ઓફિસરો 31મી મેના રોજ વયનિવૃત્ત થવાના છે.
બીજી એક એવી અટકળ છે કે ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ રાજકુમાર 1 જૂન 2022માં રાજ્યના ચીફ સેક્રેટરી બનશે. તેમનો કાર્યકાળ જાન્યુઆરી 2025 સુધીનો છે. જો પંકજકુમારને છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવે તો પણ તેઓ નવેમ્બર સુધી જ ચાલુ રહી શકે છે. પરંતુ વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં છે તેથી એક મહિના માટે આ સુપ્રીમ પોસ્ટ પર બીજા ઓફિસરને મૂકી શકાય નહીં. એવું શક્ય છે કે તેમને માત્ર ત્રણ મહિનાનું એક્સટેન્શન આપી શકાય તેમ છે કે જેથી તેઓ ઓગષ્ટ સુધી ચાલુ રહી શકે અને ત્યારપછી રાજકુમારની નિયુક્તિ કરી શકાય. તેમના ટેન્યોરમાં રાજ્ય સરકાર પ્રજાલક્ષી કાર્યક્રમો લોકો સુધી પહોંચાડી શકે છે.
બ્યુરોક્રેસીમાં કોંગ્રેસ માટે આઘાતજનક સમાચાર
ગુજરાત સરકારની બ્યુરોક્રેસીમાં આજકાલ એક જ ચર્ચા ચાલી રહી છે કે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને આઘાતજનક બેઠકો મળી શકે તેમ છે, કેમ કે વેરવિખેર થયેલી કોંગ્રેસને આ વખતે ત્રણ ડઝન બેઠકો પણ મળવી દોહ્યલી છે.
એક સિનિયર બ્યુરોક્રેટ્સ કહે છે કે ભાજપને આ વખતની ચૂંટણીમાં 150 પ્લસ બેઠકો મળવાની શક્યતા છે. પાર્ટીની તૈયારી જોતાં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સક્રિયતાને ધ્યાને રાખતાં ગુજરાતની જનતા તેમના પર ફરી એકવાર વિશ્વાસ મૂકી રહી છે.
મોંઘવારી અને ભાવવધારાની અસર આ ચૂંટણીમાં થવાની નથી. ગુજરાતમાં 2002 પછી 117, 121, 127 અને 99 બેઠકો મળી છે. ગુજરાતમાં જ્યારે માધવસિંહ સોલંકીનું શાસન હતું ત્યારે ગાંધી પરિવાર માટેની સહાનુભૂતિના કારણે કોંગ્રેસને 149 બેઠકો મળી હતી.
ભાજપ તેમનો આ રેકોર્ડ તોડી શક્યું નથી, પરંતુ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નક્કી કર્યું છે કે કોંગ્રેસનો આ રેકોર્ડ તૂટી શકે છે તેથી તેમણે ગુજરાતને મહત્વનું કેન્દ્ર બનાવ્યું છે.
એક સાથે 25 ગુજરાતી આઇપીએસ બન્યાં
ગુજરાતના હોમ ડિપાર્ટમેન્ટને એકસાથે 25 નવા આઇપીએસ અધિકારી મળ્યાં છે, જેમાં ડાયરેક્ટ યુપીએસસી ક્લિયર કરનારા અધિકારી બે છે અને જીપીએસસી ક્લિયર કરી પ્રમોશન લેનારા એક આઇપીએસ હોય છે. ગયા માર્ચ મહિનામાં રાજ્ય સરકારે નોમિનેશન માટે લિસ્ટ મોકલ્યા પછી તેમની નિમણૂક કરી દેવામાં આવી છે. ગુજરાતમાં આઇપીએસની નિયુક્તિ બે સામે એક રેશિયામાં હોય છે.
વર્ષ 2011ની બેચના અધિકારીઓને નોમિનેટ કરવામાં આવ્યા પછી નિમણૂક થતાં 25 ગુજરાતી ઓફિસરો આઇપીએસ બન્યા છે. નિમણૂક પામનારા અધિકારીઓમાં સાત પાટીદાર અને સાત ક્ષત્રિય છે. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આઇપીએસ કેડરમાં આવો આદેશ કરવામાં આવ્યો છે.
ગાંધીનગરમાં આધાર કાર્ડ કાઢવામાં ગેરરીતિ...
ગાંધીનગરની કલેક્ટર કચેરી ફરી એકવાર બદનામ થઇ છે. પહેલાં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા અને હવે સક્ષમ અધિકારીની ખોટી સહી અને સિક્કાના આધારે અરજદારોના આધાર કાર્ડ બનાવવામાં આવે છે.
કેન્દ્રની એક ટીમે ચેકીંગ કરતાં આ ગેરરીતિ બહાર આવી છે જેમાં સુપરવાઇઝર સહિત ત્રણ વ્યક્તિ સામે પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નાયબ મામલતદારે આ ફરિયાદ નોંધાવી છે.
આ લોકો પાસેથી નોંધણી ફોર્મમાં ખોટા સહી-સિક્કા કરેલા સાત કોરા ફોર્મ મળી આવ્યા હતા. ચેકીંગ કરવામાં આવ્યું ત્યારે સુપરવાઇઝર ધ્રુપેન પટેલ પણ આધાર કેન્દ્રમાં હાજર હતો. સાત પૈકી બે ફોર્મમાં સર્ટિફાઇડ તરીકે કલેક્ટરના પીઆરઓ જેનિલ શાહના સિક્કા માર્યા હતા. એક ફોર્મમાં કલેક્ટર કચેરીના ડિસ્ટ્રીક્ટ પ્લાનિંગ ઓફિસર એનજી પટેલની સહી હતી. એક ફોર્મમાં ડીપીઓ, કલેક્ટર કચેરીના એનજી પટેલની સહી હતી. આ બઘી સહી બનાવટી હોવાનું સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે.