Home /News /gujarat /DGPનો પરિપત્ર, હવે ઢીલા-અપરિપક્વ કર્મીને નહીં મુકી શકાય LCB સ્ટાફમાં

DGPનો પરિપત્ર, હવે ઢીલા-અપરિપક્વ કર્મીને નહીં મુકી શકાય LCB સ્ટાફમાં

શિવાનંદ ઝા, ગુજરાત ડીજીપી (ફાઈલ ફોટો)

બ્રાંચમાં જીલ્લાના કયા અધિકારી અને કર્મચારીને નિમણૂંક આપવી તે અંગેના પણ કોઇ નિયમો બનેલા ન હોવાથી મોટે ભાગે જીલ્લાના પોલીસ વડાની ગુડબુકમાં રહેતાં લોકોને જ આ બ્રાંચમાં પોસ્ટીંગ આપવામાં આવતું હતું

નવીન ઝા, અમદાવાદ: ડીજીપી દ્વારા એક પરિપત્ર જાહેર કરાઈ લોકલ ક્રાઈમ બ્રાંચની કામગીરી તથા તેમાં નિમણૂકને લઈ કેટલીક રૂપરેખા જાહેર કરવામાં આવી છે. આ પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ઢીલા-અપરિપક્વ અધિકારી કે કર્મચારીને જીલ્લા ક્રાઈમ બ્રાંચમાં નહીં મકી શકાય.

તમને જણાવી દઈએ કે, જીલ્લાના પોલીસ દળમાં લોકલ ક્રાઇમ બ્રાંચ ખૂબ મહત્વની એજેન્સી ગણાય છે. સૌથી વધુ મોભો ધરાવતી આ બ્રાંચની કામગીરી અંગે આજ સુધી કોઇ સ્પષ્ટ રૂપરેખા હતી નહીં. તેવી જ રીતે આ બ્રાંચમાં જીલ્લાના કયા અધિકારી અને કર્મચારીને નિમણૂંક આપવી તે અંગેના પણ કોઇ નિયમો બનેલા ન હોવાથી મોટે ભાગે જીલ્લાના પોલીસ વડાની ગુડબુકમાં રહેતાં લોકોને જ આ બ્રાંચમાં પોસ્ટીંગ આપવામાં આવતું હતું. પરંતુ આ બાબત ચલાવી ન લેવા માટે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા આજ રોજ એક ખાસ પરિપત્ર બહાર પાડીને જીલ્લાની એલ.સી.બી.ની કામગીરી તથા તેમાં આપવાની નિમણૂંક બાબતે વિસ્તૃત સુચનાઓ બહાર પાડવામાં આવી છે.

એલ.સી.બી. દ્વારા કરવાની રહેતી કામગીરી વિશે સુચના અપાઈ
ડી.જી.પી.ના આ પરિપત્રમાં એલ.સી.બી. દ્વારા કરવાની રહેતી કામગીરી વિશે સુચના અપાવામાં આવેલ છે. જેમાં. એલ.સી.બી.એ મુખ્યત્વે ગંભીર ગુનાઓની તપાસ અને અન-ડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. તે સિવાય ફરાર આરોપીઓ પકડવાની, અનડીટેક્ટ મર્ડર શોધવાની, વણઓળખાયેલી લાશોને ઓળખી કાઢવાની, ગુનેગારોની મોડસ ઓપરેન્ડી તથા હિસ્ટ્રીશીટરોનો ડેટાબેઝ તૈયાર કરવાની, ગુમ થયેલા સગીર વયના છોકરા-છોકરીને શોધવા જેવી કામગીરી પણ એલ.સી.બી.એ કરવાની રહેશે. પરિપત્રમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, ગંભીર ગુનાના બનાવોમાં એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટરે જાતે સ્થળ મુલાકાત લેવી. ઉપરાંત હથિયારો અંગેના, માદક પદાર્થો અંગેના, મહિલા અને બાળકો વિરુધ્ધના, સાયબર ક્રાઇમ, પાસપોર્ટ એક્ટ અંગેના ગંભીર ગુનાઓની તપાસ પણ આ બ્રાંચ દ્વારા જ કરવાની સુચના આપવામાં આવી છે.

કેવા અનુભવી અધિકારી કર્મચારીઓને એલ.સી.બી.માં નિમણૂક મળશે?
કેવા પ્રકારના પોલીસ અધિકારી કર્મચારીઓને એલ.સી.બી.માં નિમણૂક આપવી તે અંગે પણ પરિપત્રમાં વિસ્તૃત સુચનાઓ આપવામાં આવેલ છે. જેમાં ખાસ કરીને પી.એસ.આઇ માટે ૫ વર્ષથી વધુનો અને પી.આઇ. માટે ૭ વર્ષથી વધુનો અનુભવ ધરાવતાં અધિકારીને જ મૂકવા સૂચના કરવામાં આવી છે. ઉપરાંત જે બાતમીદારોનું નેટવર્ક ધરાવતાં હોય, વિસ્તારની ભૌગોલીક અને સમાજીક પરિસ્થિતિથી વાકેફ હોય, ગુનાઓની તપાસ અને કાયદાનું પૂરતું જ્ઞાન ધરાવાતાં હોય, મીડિયા કે સોશ્યલ મીડિયામાં છવાઇ જવાનીવૃત્તિ ન રાખે તથા સ્વચ્છ છાપ ધરાવતાં હોય તેવા જ અધિકારી-કર્મચારીઓને નિમણૂક અપવા માટે સુચના કરવામાં આવેલ છે. એલ.સી.બી. જેવી મહત્વની એજેન્સીના અધિકારી-કર્મચારી દારૂ-જુગારના કેસો કરવાની સાથે-સાથે, ગુપ્ત રીતે બાતમીદારો પાસેથી માહિતી લાવી શકે તથા તમામ પ્રકારના સર્વેલન્સ તથા વૈજ્ઞાનિક ઢબે ગુનાની તપાસ કરી શકે તે માટે કુશળતા કેળવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
First published:

Tags: Announced, Circular, Taking