Home /News /gujarat /

ગામડામાં સરકારની વાડાની જમીન કબજેદારને કાયદેસર કરી સોંપાશે

ગામડામાં સરકારની વાડાની જમીન કબજેદારને કાયદેસર કરી સોંપાશે

સીએમ વિજય રૂપાણી (ફાઈલ ફોટો)

રાજ્યમાં સરકારી માલિકીની કે અન્ય કોઇની માલિકી પર વર્ષોથી ઊભી થઇ ગયેલી હાઉસિંગ સોસાયટીઓ અને રહેણાંકોને તોડી પાડી કે કોર્ટના ચુકાદાને માન્ય રાખીને તેને નેસ્તનાબૂદ કરી લાખો લોકોને છત વગરના કરી દેવા અનુચિત છે.

  રાજ્ય સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં પ્રો-એક્ટિવલી રેવન્યુ કાયદામાં ધરખમ ફેરફાર કર્યા છે. જેનો ફાયદો વર્ષોથી સરકારી માલિકીની જમીન વાપરતા લોકોને થયો છે. હવે સરકારી માલિકીની પરંતુ વર્ષોથી તેમાં ઘર, વાડો બનાવી રહેતા લોકોને કાયદેસર કરી સોંપવામાં આવશે.

  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી વિધાનગૃહના નેતા તરીકે વિધાનસભાના પ્રશ્નોત્તરીકાળ દરમ્યાન માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજાએ રાજ્યના વિવિધ જિલ્લાઓ, કોર્પોરેશન હસ્તકની જમીનો તથા ગ્રામીણ ક્ષેત્રોમાં વર્ષ-૧૯૭૧ પહેલાંનો કબજો ધરાવતા જમીન ધારકોને તે જમીન-જગ્યા કબજા ધારકને નામે કરી આપવાના પ્રશ્નના જવાબની ચર્ચામાં દરમ્યાન થયા હતા.

  મુખ્યમંત્રીએ વિધાનગૃહમાં આ અંગે સ્પષ્ટપણે જણાવ્યું કે, સરકારી માલિકીની પરંતુ વર્ષોથી ઘર, વાડાં અને અન્ય રહેણાંક પ્રવૃત્તિ માટે કબજે લેવાયેલી જમીન, સોસાયટી કે સૂચિત રહેણાંક સ્થળોને નિયમિત (રેગ્યુલરાઇઝ) કરવા માટે રેવન્યૂ કાયદામાં ધરમૂળથી ફેરફાર છેલ્લા ૩ વર્ષમાં કર્યો છે. આ પ્રકારની જમીનો પર થતી હૂંસાતૂસી અને કાયદેસરની પ્રક્રીયાને કારણે ઉદભવતા ઘર્ષણો ટાળવા માટે ગૃહમાં વિપક્ષી નેતા શ્રી પરેશભાઇ ધાનાણીએ પણ સરકારને સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું.

  તેમણે આ સંદર્ભમાં પણ વિસ્તૃત અને મહત્વપૂર્ણ જવાબ પાઠવતા જણાવ્યું કે, રાજ્યમાં સરકારી માલિકીની કે અન્ય કોઇની માલિકી પર વર્ષોથી ઊભી થઇ ગયેલી હાઉસિંગ સોસાયટીઓ અને રહેણાંકોને તોડી પાડી કે કોર્ટના ચુકાદાને માન્ય રાખીને તેને નેસ્તનાબૂદ કરી લાખો લોકોને છત વગરના કરી દેવા અનુચિત છે. અમારી સરકારે લાગણીસભર સંવેદના સાથે ઐતિહાસિક પરિવર્તન રેવન્યુ એકટમાં લાવીને યુ.એલ.સી.માં થયેલા મકાનોને કાયદેસર કર્યા. સૂચિત સોસાયટીમાં જે મકાનો છે તેને પણ કાયદેસર કર્યા છે.

  સીએમએ ઉમેર્યું કે, રાજ્ય સરકાર સમક્ષ ગામડાંના લોકોની પણ લાગણી આવી કે, વાડાની જમીનો વર્ષોથી બાપ દાદાના વખતથી લોકો વાપરે છે. ઘરની એડજોઇનીંગ જ આવી જમીન હોય તેમાં ઢોર-ઢાંખર, નીરણ તેઓ રાખતા હોય છે.
  આવી જમીનની માલિકી સરકારની છે અને કબજો વર્ષોથી જે-તે વ્યકિત પાસે છે. એવા સંજોગોમાં વાડાની જમીન કાયદેસર કરીને લોકોને આપવી તેવો નિર્ણય પણ સરકારે પ્રો-એકટીવ થઇને લીધો છે એમ તેમણે ગૃહને જણાવ્યું હતું.

  મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ બધા રેવન્યુના પ્રશ્નો, તકરારો, વાંધા-વિવાદોને કારણે લોકોને તકલીફ પડે છે. અનિશ્ચિતતાને કારણે ભયમાં જીવવું પડે છે. એમને ભયમુકત કરી આવાસ છત આપવા સરકારે આ બધા સુધારાઓ કર્યા છે. વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે એ જ રીતે જે ઝૂંપડપટ્ટીઓ સરકારી જમીનમાં, કોર્પોરેશનની જગ્યામાં બની ગઇ છે. તેને પણ રી-ડેવલપમેન્ટ સ્કીમમાં પાકા મકાનો બનાવીને ગરીબ-મધ્યમવર્ગીય લોકોને, વધુને વધુ લોકોને મકાનો મળે તથા ર૦રર સુધીમાં પ્રત્યેક વ્યકિત પાકા મકાનમાં રહે તે દિશામાં સરકાર આગળ વધી રહી છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: CM Vijay Rupani, ગામડા

  આગામી સમાચાર