Home /News /gujarat /જ્યારે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, ગીતા વાંચવા કરતા ફૂટબોલ રમો!

જ્યારે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, ગીતા વાંચવા કરતા ફૂટબોલ રમો!

  સંજય શ્રીપાદ ભાવે દ્વારા

  ‘મારા યુવક મિત્રો! સુદૃઢ બનો, મારી તમને એ સલાહ છે કે ગીતાના અભ્યાસ કરતાં ફૂટબૉલ રમવાથી સ્વર્ગની વધુ નજીક જશો...’ – સ્વામી વિવેકાનંદ (સ્વામી વિવેકાનંદ શતાબ્દી ગ્રંથમાળા, ભાગ 4,પાનું 165,શ્રી રામકૃષ્ણ મિશન,રાજકોટ) અચંબો થાય ને પુરાવા આપવા પડે એવી આ વાત વિવેકાનંદે અમેરિકાના વિશ્વવિખ્યાત પ્રવાસ પછી ભારત પાછાં ફરતાં જુદાં જુદાં સ્થળે આપેલાં સત્તર વ્યાખ્યાનોમાંથી ‘વેદાંત ઍન્ડ ઇટ્સ ઍપ્લિકેશન ટુ ઇન્ડિયન લાઇફ’ નામના વ્યાખ્યાનમાં કરી હતી. આ વ્યાખ્યાન ઘણું કરીને શ્રીલંકાના જાફનાની ‘હિંદુ કૉલેજ’ના વિદ્યાર્થીઓ સમક્ષ 25 જાન્યુઆરી 1897 એ આપ્યું હતું.

  ‘લેક્ચર્સ ફ્રૉમ કોલમ્બો ટુ અલમોરા’ પુસ્તક ઉપરાંત સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળામાં પણ વાંચવા મળતાં વ્યાખ્યાનમાં ફુટબૉલના મહત્વને આગળ લઈ જતાં સ્વામી કહે છે : ‘આ શબ્દો આકરા છે પણ મારે તમને તે સંભળાવવા પડે છે. કારણ કે હું તમને ચાહું છું.પગરખું ક્યાં ડંખે છે તે મને ખબર છે. મેં થોડોએક અનુભવ લીધો છે. તમારાં બાવડા અને સ્નાયુઓ જરા વધુ મજબૂત હશે તો તમે ગીતા વધુ સારી રીતે સમજી શકશો. તમારામાં જરા તાકાતવાળું લોહી હશે, તો તમે ગીતા વધુ સારી રીતે સમજી શકશો. જ્યારે તમારું શરીર તમારા પગ પર ટટ્ટાર ઊભું રહેશે ત્યારે તમને લાગશે કે, તમે ઉપનિષદો અને આત્માનો મહિમા વધુ સારી રીતે સમજશો.’

  ફુટબૉલને શરીરસૌષ્ઠવ,ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મ સાથે જોડતા આ શબ્દો આ રમત સાથે આજે હરિફાઈ અને હેરત, કલદાર અને કામલીલા, સૂરા અને સુંદરી જોડાયેલા હોય ત્યારે વિશેષ ધ્યાન ખેંચે છે. વળી રસપ્રદ બાબત એ છે કે, વિવેકાનંદનાં જીવન અને લેખન પરની આધારભૂત સામગ્રીમાં ફુટબૉલનો આ એકમાત્ર ઉલ્લેખ છે.

  ઘડતરનાં વર્ષોમાં નરેન્દ્રનાથ બળની આરાધના માટે જાણીતા હતા. બાળપણમાં તેમનું હુલામણું નામ ‘બિલે’ હતું. મૂળ વીરેશ્વર અને પછી નરેન્દ્રનાથ નામ અઘરું કે લાંબું પડતું હોવાને કારણે આ વહાલભર્યું નામ આપવામાં આવ્યું હશે એમ ધારી શકાય. બિલે નામ વિવેકાનંદના જીવન પરના એક મોટા બંગાળી નાટકને પણ આપવામાં આવ્યું હતું. બિલે તંદુરસ્ત હતો. તે પુષ્કળ રમતો, ઝાડ પર ચડતો, ઇજાઓ સહન કરતો. તેણે પોતાના ઘરના ચોગાનમાં વ્યાયામશાળા શરૂ કરી હતી. પણ કસરત કરતી વખતે એક પિતરાઈ ભાઈનો હાથ ભાંગતાં કાકાએ વ્યાયામશાળા બંધ કરાવી.એટલે બિલે ઘર પાસે આવેલા નવગોપાલ મિત્રની વ્યાયામશાળામાં જતો. તે પટ્ટાબાજી,લાઠીના દાવ, કુસ્તી, હોડી ચલાવવી જેવી બાબતો પણ શીખ્યો. એક વખત બિલેને રમત-ગમતમાં પહેલું ઇનામ પણ મળ્યું હતું.

  કિશોરવય કે યુવાઅવસ્થામાં જ નહીં પણ આખી જિંદગી તાકાતવાળું પ્રવૃત્તિશીલ શરીર વિવેકાનંદ માટે મહત્વની બાબત રહી હતી. પહેલા વિદેશપ્રવાસથી પાછા ફર્યા પછી સ્વામીની તબિયત લથડતાં આરામ અને હવાફેર માટે તે દાર્જિલિંગ અને અલમોડા રહ્યા. એ વખતના તેમના પત્રોમાં પણ વ્યાયામ અને તંદુરસ્તીની વાત ઘણી વાર આવે છે. જેમ કે, તે મૅરિ હેલને દાર્જિલિંગથી 28 એપ્રિલ 1997એ લખે છે : ‘ હરણની જેમ એક ખડક પરથી બીજા ખડક પર કૂદતાં અથવા પહાડી કેડીઓ પરથી પુરજોશથી કૂદકા મારીને આગળ વધતો તમે મને જુઓ તો તમને નવાઈ જ લાગે.’ બ્રહ્માનંદ તરીકે જાણીતા બનેલા અનુયાયી રાખાલ ચંદ્ર બોસને એ જ વર્ષે 20 જૂને વિવેકાનંદ લખે છે : ‘ હવે હું સ્વસ્થ છું, ઘોડેસવારીમાં અસાધારણ નિપુણ થતો જાઉં છું,અને એકી વખતે વીસથી ત્રીસ માઇલનું ચક્કર લગાવતાં પણ જરાય દર્દ કે થાક જણાતાં નથી. જાડા થવાની બીકથી દૂધ તો સાવ છોડી દીધું છે.’

  અત્રેએ નોંધીએ કે, આ પત્રો એમણે એ તબક્કામાં લખ્યા છે કે જ્યારે તેમને નિદ્રાનાશ સહિત અનેક વ્યાધિઓ હતી. તે અંગે પશ્ચિમ બંગાળના બહુ જાણીતા લેખક શંકરના ‘મન્ક ઍઝ મૅન’ (2011) પુસ્તકમાં વાંચવા મળે છે. અનુયાયી તુર્યાનંદને પહેલી સપ્ટેમ્બરે 1900 પેરિસથી લખેલા પત્રમાં સ્વામી કહે છે : ‘મને ક્યારેક સારું હોય છે, ક્યારેક નહીં. પણ સવારે હું ઘણી કસરત કરું છું અને પછી ઠંડા પાણીએ નાહું છું.’

  જાફના-વ્યાખ્યાનમાં વિવેકાનંદ(1863-1902)ને ફુટબૉલનો ઝબકાર થવાનું એક કારણ એ હોઈ શકે કે તેમના જીવનકાળમાં ફુટબૉલ પશ્ચિમ બંગાળમાં , અને તેમાંય બ્રિટિશ સામ્રાજ્યની ભારતીય રાજધાની કોલકાતામાં ફૂલીફાલી રમત હતી. ઓગણીસમી સદીના આરંભથી અંગ્રેજોએ ભારતમાં પોતાની ભાષા અને સંસ્કૃતિ ફેલાવવાની શરૂઆત કરી. તેના ભાગરૂપે અંગ્રેજી શિક્ષણ, ક્લબ્સ, પોલો, ક્રિકેટ અને ફુટબૉલને પ્રોત્સાહન આપ્યું. ભારતની પહેલી ફુટબૉલ ક્લબ કલકત્તામાં નરેન્દ્રનાથના જન્મના ચાર વર્ષ પહેલાં શરૂ થઈ. લોકપ્રિયતાની પરાકાષ્ટારૂપે તેમ જ અંગ્રેજો થકી આવેલી આ રમતને રાષ્ટ્રવાદી જવાબ આપવા માટે વિશ્વવિખ્યાત મોહન બગાન 1889માં સ્થપાઈ ત્યારે વિવેકાનંદ ભર જુવાનીમાં હતા.તેમના માટે ‘શરીરમ્ આદ્યમ્ ખલુ ધર્મ સાધનમ્’ સિદ્ધાન્ત મહત્વનો હતો. અને એ શરીરને કેળવવાની એક પ્રતીકાત્મક રીત હતી ફુટબૉલ.

  (પ્રો. સંજય શ્રીપાદ ભાવે અમદાવાદની હ.કા. આર્ટસ કોલેજમાં અંગ્રેજી વિષયના અદ્યાપક છે)
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Swami Vivekananda, ફિફા, ફુટબોલ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन