12 કરોડના બિટકોઈન્સ કેસમાં કિરીટ પાલડિયાની ધરપકડ બાદ આજે શુક્રવારે સીઆઈડી ક્રાઇમના જીઆઈજી દીપાંકર ત્રિવેદીએ પત્રકાર પરિષદ યોજીને આ મામલે વધારે ખુલાસા કર્યા હતા. સીઆઈડી ક્રાઇના જણાવ્યા પ્રમાણે આ કેસનો માસ્ટરમાઇન્ડ કિરીટ પાલડીયા જ હતો. ક્રાઇમ બ્રાંચના જણાવ્યા પ્રમાણે આ કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાના રોલની સ્પષ્ટતા થઈ નથી. હાલ પૂછપરછ માટે તેમના સમન્સ પાઠવવામાં આવ્યા છે, અને જો પૂછપરછમાં તેમની સંડોવણી બહાર આવશે તો તેની ધરપકડ કરવામાં આવશે.
શૈલેષ ભટ્ટ અને કિરીટ પાલડિયા ભાગીદાર હતા
ક્રાઇમ બ્રાંચે જણાવ્યું હતું કે 200 બિટકોઈન અને રૂ. 32 કરોડ પડાવી લેવાનો આક્ષેપ થયો હતો, પરંતુ રૂ. 32 કરોડનું ટ્રાન્ઝેક્શન થયું નથી. કિરીટ પાલડિયાની તપાસ બાદ આ કેસ સાવ સ્પષ્ટ થઈ ગયો છે. કિરીટ પાલડિયા અને આક્ષેપ કરનાર બિલ્ડર શૈલેષ ભટ્ટ ભાગીદારમાં કામ કરતા હતા. બંનેનું મુખ્ય કામ બિટકોઈનું ટ્રાન્ઝેક્શન અને જમીનનું હતું. કિરીટ પાલડિયા ટેક્નિકલ બાબતોમાં માસ્ટર હોવાથી તેની બિટકોઈન ટ્રાન્ઝેક્શનમાં માસ્ટરી હતી. આજ કારણે તેણે શૈલેષ ભટ્ટ સાથી પાર્ટનરશીપ કરી હતી.
શૈલેષ ભટ્ટના 176 બિટકોઇન્સ પાલડિયાના વોલેટમાં હતા
શૈલેષ ભટ્ટના 11 હજાર લાઇટ કોઇન્સ કિરીટ પાલડિયાના વોલેટમાં હતા. કિરીટ પાલડિયાએ આ લાઇટ કોઈન્સને 166 બિટકોઈનમાં કન્વર્ટ કર્યા હતા. થોડા સમય બાદ બીજા 10 બિટકોઈન કિરીટ પાલડિયાના વોલેટમાં આવ્યા હતા. કુલ 176 બિટકોઈન કિરીટ પાલડિયાના વોલેટમાં જ હતા, જે શૈલેષ ભટ્ટની માલિકીના હતા. આ બિટકોઈનનું કોઈ ટ્રાન્ઝેક્શન થયું નથી.
કિરીટ પાલડિયા
સતત ત્રણ દિવસ કિરીટ પાલડિયાની પૂછપરછ
ક્રાઇમ બ્રાંચ જણાવ્યું કે તારણ પર પહોંચ્યા પહેલા તેમણે સતત ત્રણ દિવસ સુધી કિરીટ પાલડિયાની પૂછપરછ કરી હતી. ત્રણ દિવસની પૂછપરછ બાદ આખું પ્રકરણ સ્પષ્ટ થયું હતું.
માસ્ટરમાઇન્ડ પાલડિયા
ક્રાઇમ બ્રાંચે જણાવ્યું કે કિરીટ પાલડિયાએ એવો પ્લાન બનાવ્યો હતો શૈલેષ ભટ્ટના 176 બિટકોઈન્સ તેની પાસે જ રાખી લેવા. આ માટે શૈલેષ ભટ્ટને એવું કહ્યું હતું કે તેણે તમામ બિટકોઈન્સ પોલીસને આપી દીધા છે. કિરીટ પાલડિયાએ જ્યારે આ પ્લાન ઘડવાનો હતો ત્યારે એક બિટકોઈનની કિંમત 5.37 લાખ હતી. કિરીટ પાલડિયાના પ્લાન પ્રમાણે 15 ટકા રકમ પોલીસને આપવાનું નક્કી થયું હતું. જ્યારે 15 ટકા રકમ સહઆરોપીઓને આપવાની હતી. બાકીની 70 ટકા રકમ કિરીટ પાલડિયા પોતાની પાસે રાખવાનો હતો.
કિરીટ પાલડિયાને લાફો મારવાનો પ્લાન
સીઆઈડ ક્રાઇના જણાવ્યા પ્રમાણે જ દિવસે શૈલેષ ભટ્ટનું અપહરણ કરવામાં આવ્યું હતું તેના પહેલા કેતન પટેલ, જતિન પટેલ, કિરીટ પાલડિયા અને અનંત પટેલ કોબા સર્કલ ખાતે ભેગા થયા હતા. પ્લાનના ભાગ રૂપે એવું નક્કી થયું હતું કે, અનંત પટેલ શૈલેષ ભટ્ટને ફાર્મહાઉસ પર લઈ જશે. બાદમાં તેને લાફા મારવામાં આવશે. પ્લાનના ભાગરૂપે જ પોલીસ કિરીટ પાલડિયાને પણ લાફા મારશે. આ આખા નાટક બાદ બાદમાં પોલીસે શૈલષ ભટ્ટને તેના ખાતામાંથી બિટકોઈન ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. શૈલેષ ભટ્ટના ખાતામાં કોઈ બિટકોઈન ન હોવાને કારણે તેણે કિરીટ પાલડિયાને તેના વોલેટમાં રહેલા 176 બિટકોઈન ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. આ સમયે કેતન પટેલે પોતાના વોલેટમાંથી બિટકોઈન ટ્રાન્સફર કરી દીધાનું નાટક કર્યું હતું.
અમરેલી પોલીસ આવી રીતે આવી ચિત્રમાં
બિટકોઈન મામલે અપહરણ ગાંધીનગરમાં થયું હતું, જ્યારે આ તમામ ટ્રાન્ઝેક્શન સુરતમાં થયા હતા, ત્યારે અમરેલી પોલીસ આ આખા પ્રકરણમાં ચિત્રમાં કેવી રીતે આવી? આ અંગે ખુલાસો કરતા ક્રાઇમ બ્રાંચે જણાવ્યું હતું કે, અમરેલી પોલીસ પોતાને એક અરજી મળ્યાનો દાવો કરીને તપાસનું નાટક કર્યું હતું. સીઆઈડી ક્રાઇમની તપાસ બાદ માલુમ પડ્યું હતું કે આવી કોઈ અરજી પોલીસને મળી ન હતી. કેતન પટેલ થકી આ ચિત્રમાં અમરેલી પોલીસ આવી હતી.
હવે વધારે ધરપકડ થશે
ક્રાઇમ બ્રાંચે વધુમાં જણાવ્યું હતું કે આ કેસમાં જતિન પટેલની સંડોવણી સ્પષ્ટ હોવાથી તેની ધરપકડ કરવામાં આવશે.
કિરીટ પાલડિયાએ નેક્સા કોઈન લોંચ કર્યું
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સીઆઇડી ક્રાઈમે જણાવ્યું હતું કે એવી આશંકા છે કે કિરીટ પાલડિયાએ પોતાનું નેક્સા કોઈન્સ કરન્સી લોંચ કર્યું હતું. આ એક પોન્ઝી સ્કિમ હતી. સાથે સીઆઈડી ક્રાઈમે એવી પણ અપીલ કરી હતી કે જો આ કરન્સીમાં કોઈએ રોકાણ કર્યું હોય અને તેમના પૈસા ડૂબી ગયા હોય તો તેઓ ફરિયાદ કરી શકે છે.
નલિન કોટડિયાના રોલ સ્પષ્ટ નથી થયો
સીઆઇડી ક્રાઇમે જણાવ્યું હતું કે આ આખા કેસમાં નલીન કોટડિયાનો રોલ સ્પષ્ટ નથી થયો. સીઆઈડી ક્રાઇમે તેમને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. તેમની પૂછપરછ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.