અમદાવાદઃ સેટેલાઇટ પોલીસ મથકે એક મારપીટની ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ફરિયાદી કોલેજના પ્રોફેસરના પત્ની છે. પ્રોફેસરના પત્નીએ એક વિદ્યાર્થી સામે આ ફરિયાદ આપી છે. જેમાં મારપીટનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.
શરીર સુખનો ઇન્કાર કરતા મારપીટ
મળતી માહિતી પ્રમાણે સેટેલાઇટમાં રહેતા એક પ્રોફેસર થોડા સમય માટે બહારગામ ગયા હોવાથી તેની તકનો લાભ લઈને એક વિદ્યાર્થીએ તેમના પત્ની સાથે સારા સંબંધો કેળવી લીધા હતા. આ વિદ્યાર્થી જીપીએસસીની તૈયારી કરતો હોવાનું માલુમ પડ્યું છે. પ્રોફેસર અને તેની પત્નીને એક નાનો પુત્ર પણ હોવાનું જાણવા મળ્યું છે.
પ્રોફેસરની ગેરહાજરીમાં આ યુવક તેમના પત્ની અને દીકરાને પાંચ દિવસ માટે ફરવા લઈ ગયો હતો. આ દરમિયાન ચોટીલા ખાતે તેણે પ્રોફેસરની પત્ની પાસે શરીર સંબંધ બાંધવાની માંગણી કરી હતી. જોકે, યુવકના ઈરાદા પારખી ગયેલા પ્રોફેસર પત્નીએ શરીર સુખનો ઇન્કાર કરી દીધો હતો. જે બાદમાં યુવકે તેની સાથે મારપીટ કરી હતી તેમજ તેને બદનામ કરી દેવાની ધમકી આપી હતી.
ચોટીલાથી ઘરે પરત ફર્યા બાદ પણ યુવકે આવી માંગણીઓ ચાલુ રાખી હતી. એટલું જ નહીં વારેવારે પરેશાન કરતા આખરે કંટાળીને પ્રોફેસરની પત્નીએ પોલીસ ફરિયાદ કરી હતી. આ કેસમાં સેટેલાઇટ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
આ અંગે સેટેલાઇટ પોલીસે જણાવ્યું હતું કે, પ્રોફેસરના પત્ની જ્યારે યુવક સાથે બહાર ગયા હતા ત્યારે જ તેમના પતિ ઘરે આવી ગયા હતા. ઘરે પત્ની ન હોવાનું જાણીને તેમણે આ અંગેની જાણ પોલીસને કરી હતી. જોકે, બંને પાંચ દિવસમાં ઘરે આવી ગયા હતા.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર