અમદાવાદના દસક્રોઇ તાલુકાનાં કણભામાં સાવકી માતાએ પુત્રની હત્યા કરી હોવાની વાત સામે આવતા ચકચાર મચી ગઇ છે. રૂપિયાને લઈ બોલાચાલી થતા સાવકી માતાએ પુત્રની હત્યા (mother killed son for Rupees) કરી હોવાનું સામે આવ્યું છે. હત્યા બાદ પુત્રની લાશ નદીમાં ફેંકી દીધી હતી. સાવકી માતાએ 3 મિત્રો સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે મૃતદેહ કબજે કરી માતાને ઝડપી પાડી છે. જ્યારે હત્યામાં મદદ કરનાર માતાના મિત્રો ફરાર છે. ત્યારે પોલીસે આ ફરાર મિત્રોને શોધવાની કામગીરી શરૂ કરી છે.
મૃતદેહને નદીમાં ફેંકાવી દીધો
આ કેસની મળતી માહિતી પ્રમાણે, માતા અને પુત્ર વચ્ચે રૂપિયાને લઈને બોલાચાલી થઈ હતી. જે બોલાચાલી બાદ સાવકીએ માતાએ તેના ત્રણ મિત્રો સાથે પુત્રની જ હત્યાની યોજના બનાવી લીધી. 25 લાખ જેટલી મોટી રકમ માટે આ બોલાચાલી થઈ હોવાનું સામે આવી રહ્યું છે. આ કેસમાં બોલાચાલી બાદ આખો ખૂની ખેલ ખેલાયો હતો. સાવકી માતાએ હત્યા કરાવીને તેના પુત્રના મૃતદેહને નદીમાં ફેંકાવી દીધો હતો. જેથી કોઈને પણ આ હત્યા અંગે જાણ ન થાય. પરંતુ હત્યારાઓની પોલીસ આગળ કોઇપણ ચાલાકી કામ નથી લાગી અને માતાની ધરપકડ કરી લેવામાં આવી છે.
જ્યારે માતાને હત્યામાં સાથ આપનાર ત્રણ મિત્રો ફરાર છે. હાલ તેમને પણ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસ માતા તથા પરિવારની પૂછપરછ કરી વધુ માહિતી મેળવી રહી છે. ગામના લોકો પણ આ ચકચાકી ઘટના બાદ માતા પર ફિટકાર વરસાવી રહ્યા છે.
માતાએ જ પ્રેમીને પામવા માટે કરી હતી પુત્રની હત્યા
નોંધનીય છે કે, ગઇકાલે પણ અમદાવાદ શહેરમાં એક સગી માતાએ પ્રેમીને પામવા માટે દીકરાની હત્યા કરી હોવાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. માતા 3 વર્ષના દીકરાને લઈને પ્રેમીને મળવા ગેસ્ટ હાઉસમાં ગઇ હતી. જ્યાં અંગત પળો માણવામાં બાળક ખટકતો હોવાથી દૂધમાં ઝેર ભેળવીને સગી માતા અને તેનાં પ્રેમીએ બાળકને દૂધ પીવડાવી દીધું હતું. ત્યાર બાદ બાળકને ઘરે લાવી સુવડાવવાનું નાટક માતાએ કર્યું હતું. પણ દાદા જ્યારે બાળકને રમાડવા ગયા ત્યારે તે બેભાન હોવાથી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પરંતુ આ અનૈતિક સબંધ માટે રચાયેલા કાવતરમાં માસૂમ યુવી નામના બાળકનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર બાબતમાં બાળકની માતાની પૂછપરછ કરતા તેણે સમગ્ર કાવતરાની જાણ કરી હતી. આખરે પિતાએ પોતાના બાળકની હત્યા માટે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં પત્ની અને તેમાં પ્રેમી સામે ગુનો નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.