અમદાવાદ: મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ખેડા જિલ્લાના માતર તાલુકાની મામલતદાર કચેરીની આકસ્મિક મુલાકાત કરી બની બેઠેલા ખેડૂતોનો પર્દાફાશ કર્યો હતો. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાજ્યના ગરીબ પરિવારોની મહામૂલી જમીન ખોટી રીતે પચાવી પાડી ખેડૂત બનતા તત્વો ચેતી જાય, આવા તત્વોને રાજય સરકાર બક્ષસે નહી. આવી ખોટી રીતે ફર્જી દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડનાર તત્વો પાસેથી તમામ જમીન રાજય સરકાર પરત મેળવશે.
ખેડા જિલ્લાના માતર તાલુકાની મામલતદાર કચેરીની આકસ્મિક મુલાકાત કરી બની બેઠેલા ખેડૂતોનો પર્દાફાશ કર્યા બાદ મીડિયાને માહિતી આપતાં મહેસૂલ મંત્રીએ કહ્યું હતું કે, કોઈ એક ચોકકસ સમાજના લોકો દ્વારા ખોટી રીતે જમીનોના દસ્તાવેજો કરી આ કૌભાંડ આચરાયું છે. ફર્જી ખેડૂત બનવા માટે ફંડીંગ કરાતું હોય એવું પણ તંત્રના ધ્યાને આવ્યું છે અને આવા તત્વો દ્વારા મંદિર હસ્તકની જમીનો પણ પોતાના નામે કરી છે આવા તત્વોને રાજય સરકાર છોડશે નહીં.
તેમણે કહ્યું કે, રાજ્યમાં બનાવટી ખેડૂતો સાવધાન રહે,જે વ્યકિતઓ બનાવટી ખેડૂત બની ગયા છે. તેમના ઉપર રાજ્ય સરકાર કાયદાકીય રીતે કડકમાં કડક પગલાં લેશે તથા ગુજરાત સરકારની રાજ્યના તમામ ખેડૂત પર નજર છે. જે ખેડૂત બનાવટી ખેડૂત બની રાજ્ય સરકારની યોજનાઓના લાભ લેશે તેને રાજ્ય સરકાર આકરી સજા કરશે.બનાવટી ખેડૂત જે હશે તેની જમીન સરકાર હસ્તક લેવામાં આવશે. આજે સવારે કચેરી ખુલવાના સમયે જ મંત્રીએ માતર મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત લઇ ચકાસણી કરી હતી.
આ તપાસમાં કુલ 1730 ફેરફાર નોંધોની ચકાસણી કરેલ, જે પૈકી 628 નોંધો શંકાસ્પદ જણાતા 628 કેસમાં પ્રાથમિક તપાસ માટે નોટીસ આપી છે તથા કુલ 260 કેસ ગણોત ધારાની કલમ 84(સી) હેઠળ કાયદેસરની કાર્યવાહીને પાત્ર જણાતા તે અંગે નોટીસ આપી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને અગાઉના 5 વર્ષના કેસોની પણ ચકાસણી શરૂ કરાવી છે. આ 260 કેસ જેની સામે કાર્યવાહી શરૂ કરી છે તે જમીનો આશરે 1900 વીઘા જેટલી મોટી માત્રામાં છે અને તેની અંદાજીત બજાર કિંમત જોઇએ તો આશરે 200 કરોડ રૂપિયાની આસપાસ થાય છે.
મહેસુલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, ભગવાનના મંદીરને પણ આ લોકો છોડતા નથી. વણસર ગામના મહાદેવના મંદિરના નામે બોલાતી જમીન પણ વહીવટકર્તાએ જમીન વેચાણમાંથી પ્રાણનાથ મહાદેવનું નામ કમી કરી દીધું અને એ રીતે આ જમીન ખરીદી છે. શ્રાવણ માસનો પવિત્ર મહિનો ચાલે છે. ભગવાન મહાદેવનો મંદિર જે વ્યક્તિએ લીધો છે, એને છોડવામાં આવશે નહીં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર