Home /News /gujarat /દિવ્યાંગોને તાલિમ આપતી સંસ્થાઓ સાથે રાજ્ય સરકાર અન્યાય કરી રહી હોવાનો મામલો હાઇકોર્ટમાં

દિવ્યાંગોને તાલિમ આપતી સંસ્થાઓ સાથે રાજ્ય સરકાર અન્યાય કરી રહી હોવાનો મામલો હાઇકોર્ટમાં

હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવીને કેસની વધુ સુનાવણી 18મી ડિસેમ્બરના રોજ મુકરર કરી

હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવીને કેસની વધુ સુનાવણી 18મી ડિસેમ્બરના રોજ મુકરર કરી

    અમદાવાદ : વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણીની મોટીમોટી જાહેરાતો અને ગુલબાંગો પોકારવામાં આવી રહી છે, ત્યારે તેનાથી તદ્દન વિપરીત વલણ અપનાવીને દિવ્યાંગોને શિક્ષણ સહિતની તાલિમ આપતી સંસ્થાઓ સાથે રાજ્ય સરકાર અન્યાય કરી રહી હોવાનો ચોંકાવનારો મામલો હાઇકોર્ટ સમક્ષ ઉપસ્થિત થયો છે. વસ્ત્રાપુર સ્થિત બ્લાઇન્ડ પીપલ્સ એસોસિયેશન સહિતની ચાર સંસ્થાઓએ હાઇકોર્ટ સમક્ષ રિટ કરીને એવો દાવો કર્યો છે કે તેઓ 100 ટકા ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓ છે. તેથી તેમાં સ્ટાફ સહિતની ભરતીઓ માટેની મંજૂરીઓ સરકાર આપે છે અને તે મુજબ સ્ટાફની ભરતી કરવામાં આવે છે. આવી અનેક ભરતી માટેની અરજીઓ સરકારે મંજૂર કરી નથી અને એટલું જ નહીં છઠ્ઠા અને સાતમાં પગારપંચનો અમલ થતાં વિવિધ ખાલી પોસ્ટ માટેની ભરતીઓ સાગમટે રદ કરવાનો હુકમ કર્યો છે. જેથી દિવ્યાંગોના હિતનું કાર્ય કરતી સંસ્થાઓને પોતાના પૈસે સ્ટાફ રોકવાની ફરજ પડી રહી છે.

    આ કેસમાં જસ્ટિસ કારિયાએ રાજ્ય સરકારને નોટિસ પાઠવીને કેસની વધુ સુનાવણી 18મી ડિસેમ્બરના રોજ મુકરર કરી છે. બ્લાઇન્ડ પીપલ્સ એસોસિયેશને એડવોકેટ મુંજાલ ભટ્ટ મારફતે હાઇકોર્ટ સમક્ષ રિટ પિટિશન કરી છે. જેમાં બ્લાઇન્ડ પિપલ્સ એસોસિયેશનના એક્ઝિક્યુટિવ સેક્રેટરી ભૂષણ પુનાણીએ એવી રજૂઆત કરી છે કે,‘બ્લાઇન્ડ પીપલ્સ એસો. સહિતની અરજદાર સંસ્થાઓ 100 ટકા ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓ છે. પરંતુ સરકારે આ સંસ્થાઓમાં ખાલી પોસ્ટ માટેની ભરતીઓનો સંપૂર્ણપણે છેદ જ ઉડાડી દીધો છે. દિવ્યાંગ બાળકો માટે વિવિધ પ્રોજેક્ટ્સ આવી શાળાઓમાં ચલાવવામાં આવે છે. જે માટે વિશિષ્ટ શિક્ષા પ્રાપ્ત શિક્ષકોથી માંડીને અન્ય સ્ટાફની જરૂર સમયાંતરે પડતી હોય છે. કોઇ સ્ટાફ નિવૃત થાય અથવા કોઇનું મૃત્યુ થાય તો નવી ભરતી માટે સરકાર સમક્ષ અરજી કરીને મંજૂરી માગવામાં આવે છે. જે મંજૂરી સરકાર તરફથી મળતા સરકારી ધારાધોરણ મુજબ ભરતી કરવામાં આવે છે. અરજદાર સંસ્થા દિવ્યાંગો માટે મેન્ટલ હાઇજિન ક્લિનિક, ડિસએબલ્ડ અને પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ માટે હોસ્ટેલ અને મલ્ટી ડિસેબલ્ડ છોકરીઓ માટેનું હોસ્ટેલ જેવા પ્રોજેક્ટ્સ ચલાવે છે. આ ત્રણેય પ્રોજેક્ટસ માટે શિક્ષક, પટાવાળા સહિતની વિવિધ પોસ્ટ્સ ખાલી છે અને તેમ છતાંય સરકારે તેની ભરતી માટેની મંજૂરી આપી નથી.’

    આ પણ વાંચો - 14 ડિસેમ્બરે રાજ્યની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય મેગા લોક અદાલત યોજાશે

    રિટમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે,‘1992થી આ સંસ્થા ગ્રાન્ટ ઇન એઇડ છે. જે મુજબ ગૃહમાતા, મદદનીશ શિક્ષણ, મનોસામાજિક વર્કલ, સ્વિપર, પ્યુન સહિતના સ્ટાફની ભરતી સરકારી ધારાધોરણ મુજબ કરવાની રહે છે. આવી વ્યક્તિઓ દિવ્યાંગો સાથે કામ કરવા વિશિષ્ટ તાલિમ પ્રાપ્ત હોય છે. પરંતુ તેમની ભરતી ન થતી હોવાથી દિવ્યાંગો માટેના પ્રોજેક્ટ્સનો કોઇ મતલબ જ રહેતો નથી. સમયાંતરે આ પોસ્ટ ભરવા માટેની અરજીઓ સંસ્થા તરફથી કરવામાં આવી હતી પરંતુ સરકારે તેનો કોઇ નિર્ણય કર્યો નથી. તેથી દિવ્યાંગોના ઉત્થાન, શિક્ષણ અને સામાજિક સ્વીકાર સાથેના આ પ્રોજેક્ટસ અસરગ્રસ્ત થયા છે. દરમિયાન સરકારે ખાલી પડેલી પોસ્ટ માટેની જે ભરતી મંજૂર કરી હતી તેને રદ કરી દીધી છે. સ્ટાફ વિના આવા પ્રોજેક્ટસનો અમલ ન થતાં તે દિવ્યાંગોને શિક્ષણ સહિતના મળેલા બંધારણીય અધિકારોનો ભંગ છે. તેથી સરકારનો ખાલી પડેલી પોસ્ટને રદ કરવાનો નિર્ણય રદ કરવામાં આવે અને ભરતીની મંજૂરી આપવામાં આવે.’
    First published: