Home /News /gujarat /

ખોટકાયેલા EVM બાબતે RTIના જવાબમાં ચૂંટણીપંચે કહ્યું, માહિતી અમારી પાસે નથી!

ખોટકાયેલા EVM બાબતે RTIના જવાબમાં ચૂંટણીપંચે કહ્યું, માહિતી અમારી પાસે નથી!

    વિજયસિંહ પરમાર


    સિવીલ રાઇટ્સ એક્ટિવીસ્ટ ગૌતમ ઠાકરે વિધાનસભની ચૂંટણીમાં ખોટકાયેલા ઇવીએમ વિશે માહિતી માંગી હતી. ચૂંટણી પંચે કહયુ કે તેમની પાસે એ માહિતી નથી. એક તરફ દેશમાં ઇવીએમને લઇને શંકાઓ ઉભી થઇ છે ત્યારે મતદાન સમયે ખોટકાયેલા  ઇવીએમની માહિતી  જો રાજ્ય ચૂંટણી પંચ પાસે ન હોય તે આશ્ચર્યજનક છે. ન્યૂઝ18 ગુજરાતીનો એક્સ્લુઝિવ અહેવાલ. 

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વપરાયેલા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ) બાબતે માંગવામાં આવેલી એક માહિતી અધિકારની અરજીના જવાબમાં રાજ્ય ચૂંટણી પંચે એવું કહ્યું કે, આ માહિતી ચૂંટણી પંચ પાસે નથી. એટલુ જ નહિં, ચૂંટણી પંચે અરજદારને કહ્યુ કે, આ માહિતી મેળવવી હોય તો, તેમણે અલગથી અરજીઓ કરી દરેક જિલ્લા મથકેથી એ માહિતી મેળવી લેવી. રાજ્ય ચૂંટણી પંચના આ જવાબથી માહિતી અધિકારના કાયદા માટે લડતા અને લોકશાહીને વધુ લોકાભિમુખ બનાવવા માટે લડતા લોકોમાં આશ્ચર્ય  થયુ છે અને ચૂંટણીપંચના આ વલણથી નારાજરી વ્યક્ત કરી છે.
    જાણીતા સિવિલ રાઇટ્સ એક્ટિવીસ્ટ અને પિપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ (પીયુસીએલ-PUCL)ના ગૌતમ ઠાકરે ગુજરાત ચૂંટણી પંચ સમક્ષ માહિતી અધિકાર (2005)ના કાયદા મુજબ માહિતી માંગતી અરજી કરી હતી. તેમણે ગુજરાત વિધાનસભાથી ચૂંટણીમાં વપાયેલા ઇવીએમ બાબતે વિગતો માંગતી અરજી 5 ફેબ્રુઆરીના રોજ કરી હતી. સમય મર્યાદામાં માંગેલી માહિતી ન મળતા ગૌતમ ઠાકરે આ અંગે 2 એપ્રિલના રોજ અપીલ દાખલ કરી હતી. અપીલ અધિકારી દ્વારા 17 એપ્રિલના રોજ કેટલીક માહિતી આપવામાં આવી.નાગરિકોના અધિકારો માટે લડતા ગૌતમ ઠાકરે રાજ્ય ચૂંટણી પંચ પાસેથી મુખ્ય ત્રણ મુદ્દાની માહિતી માંગી હતી.

    પ્રથમ મુદ્દો: ડિસેમ્બર (2017)માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જે મતદાન મથક પરથી ખરેખરું થયેલું મતદાન અને EVMમાંથી નીકળેલા (ગણતરીમાં લેવાયેલા) મત એ બંને વચ્ચે તફાવત જણાઇ આવતો હોય  એવા મથકોના નામ અને  તફાવતના મતોના આંકડા આપશો.
    ચૂંટણી પંચનો જવાબ: અત્રેની કચેરીમાં આ પ્રકારનું રેકર્ડ અસ્તિત્વ ધરાવતું ન હોઇ માહિતી પુરી પાડી શકાય તેમ નથી.બીજો મુદ્દો: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બંને તબક્કાના મતદાનના દિવસે કુલ કેટલી જગ્યાએથી EVM મશીન ખોટકાઇ જવાની અથવા બગડી જવાની ફરિયાદો મળી ? વિધાનસભા બેઠક દીઠ આવી ફરિયાદોની સંખ્યા તેમજ EVM મસીન બંધ પડવાના કારણે ક્યા મતદાન મથક પર કેટલા કલાક સુધી મતદાન ખોરવાઇ ગયું અથવા મોડું શરૂ થયુ તેવા મતદાન મથકના નામ આપો.
    ચૂંટણી પંચનો જવાબ: આ બાબતે જિલ્લા કક્ષાએથી કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આથી, આ અંગેની માહિતી મેળવવા માટે આપે જિલ્લા ચૂંટણી અધિકારીને અલગથી અરજી કરીને માહિતી મેળવી શકશો.

    ત્રીજો મુદ્દો: એવા મતદાન મથકોની યાદી આપશો કે જેમાં EVMની  ખામીને કારણે મતદાનનો સમયગાળો લંબાવ્યો હોય
    ચૂંટણી પંચનો જવાબ: આ માહિતી જિલ્લા ચૂંટણી અધિકારીઓ પાસેથી માહિતી મેળવી શકશો.

    ચૂંટણી પંચના આ પ્રકારના જવાબ બાબતે RTI એક્ટિવીસ્ટ પંક્તિ જોગે કહ્યું કે, "રાજ્ય ચૂંટણી પંચના જવાબ પરથે સ્પષ્ટ જણાય છે કે તે કંઇક છુપાવવા માંગે છે. વખતો વખત મુખ્ય ચૂંટણી અધિકારી મતદાનના દિવસે આખા રાજ્યના ઇવીએમ સહિતની વિગતો જાહેર કરતા હોય છે અને મિડીયાને માહિતી આપતા હોય છે. આજે સમગ્ર દેશમાં ઘણા બધા નાગરિકોને ઇવીએમ વિશે શંકાઓ પેદા થઇ રહી છે. ચૂંટણી એ લોકશાહીનું મહત્વનું અંગ છે. આથી ચૂંટણીને લગતી તમામ વિગતો પારદર્શક હોવી જોઇએ અને લોકો માંગે ત્યારે તેમને આપવી જોઇએ. રાજ્ય ચૂંટણી પંચ એ ભારતના ચૂંટણી પંચ વતી કામ કરે છે. સવાલ એ થાય છે કે, જે માહિતી જિલ્લા પાસે હોય તે માહિતી રાજ્ય ચૂંટણી પંચ પાસે કેવી રીતે ન હોય ? જો તેની પાસે આવી અગત્યની માહિતી ન હોય તો કેન્દ્રીય ચૂંટણીપંચને તે આ માહિતી કેવી રીતે આપે છે ? આવા અનેક સવાલો ઉભા થાય છે. ઇવીઅમને લગતા પ્રશ્નો બહોળી રીતે જનહિતના છે અને સિવીલ રાઇટ્સ એક્ટિવીસ્ટ્સ આ માટે માહિતી માંગે તે સ્વાભાવિક છે. આ અંગે ગુજરાત માહિતી આયોગમાં બીજી અપીલ  કરવામાં આવશે."

    Published by:kiran mehta
    First published:

    Tags: Asked, Details, State election commission, અરજદાર, આરટીઆઇ, ઇવીએમ

    આગામી સમાચાર