લોક રક્ષક દળ પેપર લીક મામલે પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. પેપર લીકના મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. ગાંધીનગર એસપી મયૂર ચાવડાએ આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી મીડિયાને જાણકારી આપી છે.
ગાંધીનગર એસપી મયૂર ચાવડાએ જણાવ્યું કે, પેપર લીક મામલે ગુજરાતની જે પોલીસની ટીમ મધ્યપ્રદેશ દિલ્હીમાં છે તેને મોટી સફળતા મળી છે. આ મામલાના બે મુખ્ય આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા છે. એકનું નામ છે વિનિત માથુર જે દિલ્હીનો રહેવાસી છે. બીજો છે અશોક સાહુ, જેને મધ્યપ્રદેશથી લાવવામાં આવી રહ્યો છે.
પોલીસે આ મામલે વિગત આપતા જણાવ્યું કે, પકડવામાં આવેલા આરોપીઓમાં વિનિત માથુરે જ્યાં પરિક્ષાર્થીઓને દિલ્હીમાં ક્યાં અને કેવી રીતે લઈને રાખવા તેની તમામ વ્યવસ્થા ગોઠવી હતી, જ્યારે અશોક સાહુ પણ પેપર લીક મામલે મુખ્ય આરોપી છે, તેવું સામે આવ્યું છે.
પોલીસે પૂરી વિગત આપતા જણાવ્યું કે, વિનિતની પૂછપરછ દ્વારા સામે આવ્યું છે કે, પેપર લીક કૌભાંડ માટે સૌપ્રથમ 28 તારીખે કૌભાંડીઓની મીટિંગ 28 તારીખે અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી હોટલ વાઈસ પ્રેસિડેન્ટમાં થઈ હતી. આ મીટિંગમાં ગુજરાતના ઈન્દર, નીલેશ દીલીપભાઈ ચૌહાણ (વડોદરા), સુરેશકુમાર ડાહ્યાલાલ પંડ્યા (નવા નરોડા), અશ્વિન પરમાર (દસક્રોઈ) અને દિલ્હી ગેંગના મનીષ સિંગ બલવંત સિંગ શર્મા (ઝઝર-હરિયાણા), અશોક સાહુ (મધ્ય પ્રદેશ), વિનિત માથુર (દિલ્હી) સહિત અન્ય ચાર પાંચ આવ્યા હતા. આ તમામ લોકોએ પેપર લીક માટેનું આખુ ષડયેત્ર અહીં રચ્યું, સાથે પેપરની કિંમત નક્કી કરી, અને કેવી રીતે પરિક્ષાર્થીઓને પેપર પહોંચાડવું તે બધુ જ આ મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું. ષડયંત્રના આયોજન મુજબ, પરિક્ષાર્થીઓને દિલ્હી લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને અલગ અલગ જગ્યા પર લઈ જઈ પેપર બતાવવામાં આવ્યા હતા.
અશોક સાહુ વિશે સ્પષ્ટતા કરતા પોલીસે જણાવ્યું કે, અશોક સાહુ આ મામલાનો રીઢો ગુનેગાર હોય તેમ લાગી રહ્યું છે. તેને આજ મોડી રાત સુધીમાં ગુજરાત લાવી દેવામાં આવશે. અશોક સાહુના ઘરની તપાસ કરતા જોવા મળ્યું કે, તેના ઘરે ભારતમાં યોજાનાર તમામ સ્પર્ધાત્મક પરિક્ષાઓની બુકો, પુસ્તકો અમને જોવા મળ્યા છે. સાથે હાલની પ્રાથમિક પુછપરછમાં બહાર આવ્યું છે કે, અશોક સાહુ આ પહેલા પણ એસસીઆઈના પેપર લીક કૌભાંડમાં ઝડપાયો હતો. જેમાં મનીષ સિંગ પણ ઝડપાયો હતો. પોલીસે જણાવ્યું કે, અશોક સાહુની હવે વધુ પુછપરછ કરતા પેપર લીક ક્યાંથી થઈ રહ્યું છે તેની વધુ વિગત સામે આવી શકે છે, સાથે અન્ય કોણ કોણ આ મામલે સંકળાયેલા છે તે પણ જાણી શકાશે.
પોલીસે જણાવ્યું કે આ મામલે અમે જ્યાં જ્યાં આ લોકો રોકાયા હતા તેનું લોકેશન, સીસીટીવી ફૂટેજ, એર ટિકિટ, વગેરે વિશે માહિતી મેળવી પૂરાવા ભેગા કર્યા છે. આ લોકો વિરુદ્ધ હાલમાં ભરતી બોર્ડના નિયમ આધારે ગુના દ્વારા કલમ લગાવવામાં, ત્યારબાદ આઈટી એક્ટ વગેરે જેવી કલમ લગાવી કેસ મજબૂત બનાવવામાં આવશે, જેથી તેમને જામીન ન મળે અને ભવિષ્યમાં આવા ષડયંત્ર ના રચી શકે.
પોલીસે જણાવ્યું કે, નીલેશ, અશ્વિન, મનીષ, સુરેશની ધરપકડ થઈ શકી નથી. આ તમામ લોકોના લોકેશન પર વોચ રાખવામાં આવી રહી છે. ટુંક સમયમાં આ આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવશે. હાલમાં અશોક સાહુને મધ્ય પ્રદેશથી લાવવામાં આવી રહ્યો છે, તેના રિમાન્ડ મેળવી તેની પૂછપરછ કરવાથી ઘણી વિગતો સામે આવશે. હજુ સુધી સ્પષ્ટ જાણવા નથી મળ્યું કે, પેપર ક્યાંથી લીક થયું. જોકે, આરોપીઓને ઝડપી પૂછપરછ કરવાથી ટુંક સમયમાં તમામ માહિતી સામે આવી જશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર