પાસ કન્વીનર હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે બીજો દિવસ છે. અમદાવાદના વૈષ્ણવ દેવી સર્કલ પાસે સરદાર પટેલ રીંગ રોડ ઉપર આવેલા ગ્રીનવુડ રિસોર્ટમાં શનિવાર બપોર પછી હાર્દિકના આરણમાંત ઉપવાસ શરૂ થયા છે. રવિવારે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હોવના કારણે પાટીદાર બહેનો હાર્દિકને રાખડી બાંધવા માટે આવી રહી છે. તો પોતાની બહેન મોનિકા પણ હાર્દિકને રાખડી બાંધવા આવી હતી. બહેન મોનિકાએ હાર્દિકને રાખડી બાંધી હતી અને તેને અનામત અને ખેડૂતોના દેવા માફીમાં લડવાની તાકાત આપે એવી ભગવાનને પ્રાર્થના કરી હતી.
મળતી માહિતી પ્રમાણે હાર્દિક પટેલની બહેન મોનિકા સવારે 10 વાગ્યા બાદ ગ્રીનવુડ રિસોર્ટ પહોંચી હતી. જ્યા તેણે વીરા હાર્દિક પટેલને રાખડી બાંધી હતી. સાથે સાથે મોનિકાએ અન્ય પાટીદાર ભાઇઓને પણ રાખડી બાંધી હતી. મોનિકાએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી ખેડૂતોના દેવા માફી ન થાય અને પાટીદારોને અનામત ન મળે ત્યાં સુધી મારા ભાઇને લડવાની ભગવાન તાકાત આપે. આ ઉપરાંત તેણે જણાવ્યું હતું કે, પાટીદારની અન્ય દીકરીઓ ભાઇ હાર્દિકને રાખડી બાંધવા આવે તેને રોકવામાં ન આવે એવી અપીલ કરું છું. આજે લગ્ન પછીની મારી પહેલી રક્ષાબંધન છે. મને એ વાતનું દુઃખ છે કે, મારા ભાઇએ મોઢું મીઠું કર્યુ નથી. જોકે, ઉપવાસના કારણે મારા ભાઇએ મોંઢુ મીઠું કર્યું નથી.
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ ગુજરાતના ખેડૂતોના દેવા માફી અને પાટીદાર સમાજને અનામત મળે તેવી માંગ સાથે આજથી આમરણાંત ઉપવાસ શરૂ કરી દીધા છે. હાર્દિક પટેલ અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલા ગ્રીનવુડ રિસોર્ટમાં પોતાના નિવાસ સ્થાને ઉપવાસ પર બેઠો છે. તો નિવાસ સ્થાનની બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો. માત્ર રાજકીય નેતાઓ સિવાય ગ્રીનવુડ રિસોર્ટમાં કોઇને જવા દેવામાં ન્હોતા આવ્યા. હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને લઇને રાજકીય નેતાઓના આરોપ અને પ્રત્યારોપનો પણ સિલસિલો ચાલ્યો હતો.
બીજી તરફ હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસના સમર્થનમાં પાસના કાર્યકર્તાઓ સહિત પાટીદાર સમજાના અગ્રણીઓ પણ મેદાનમાં આવ્યા હતા. બીજી તરફ રાજકીય નેતાઓ પણ હાર્દિક પટેલના સમર્થનમાં આવ્યા હતા. દલિત નેતા અને ધારાસભ્ય એવા જીજ્ઞેશ મેવાણી હોય કે, કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો હોય આવા તમામ નેતાઓ હાર્દિકના ઉપવાસને લઇને પોતાનું સમર્થન આપ્યું હતું.
સાથે સાથે હાર્દિક પટેલના ખાસ એવા દિનેશ બાંભણિયાની પોલીસે અટકાયત કરી હતી. તો આંદલનને નબળું પાડવા માટે પોલીસ કાર્યકર્તાઓને અટકાવી રહી છે, રોકી રહી છે એવા પાસના કાર્યકર્તાઓના આરોપો પણ લાગ્યા હતા. હાર્દિકના આમરણાંત ઉપવાસ આંદોલન અંગે ટિપ્પણી કરતા ગુજરાત બીજેપી પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે અમુક અસામાજીક તત્વો સામાજીક નામે રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાર્દિકનું નામ લીધા વગર જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે અમુક લોકો કોંગ્રેસનો હાથ બનીને રાજ્યની શાંતિને ડહોળી રહ્યા છે.