Home /News /gujarat /'બીજેપી પેપર ફોડવામાં નિપુણ, સરકાર તમામ પરિક્ષાર્થીના ખાતામાં રૂ. 10000 નાખે'

'બીજેપી પેપર ફોડવામાં નિપુણ, સરકાર તમામ પરિક્ષાર્થીના ખાતામાં રૂ. 10000 નાખે'

શંકરસિંહ વાઘેલા (ફાઈલ ફોટો)

પરિક્ષાનું પેપર નથી ફૂટ્યું, પરંતુ બેરોજગાર યુવાનોનું નશીબ ફૂટ્યું છે.

રાજ્યમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા યોજવામાં લોકરક્ષક દળની પરિક્ષાનું પેપર લીક થવાને લઈ અચાનક પરિક્ષા મોકુફ રાખવાના નિર્ણયથી વિદ્યાર્થીઓ રઝળી પડ્યા હતા. આ મુદ્દે રાજ્ય સરકાર પર વિપક્ષ દ્વારા જબરદસ્ત પ્રહાર કરવામાં આવી રહ્યા છે. પરિક્ષાર્થીઓ પણ ઠેર ઠેર વિરોધ કરી રહ્યા છે. તો આ બાજુ પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાએ પણ રાજ્ય સરકારને આ મુદ્દે આડે હાથ લઈ આકરા પ્રહાર કર્યા છે.

શંકરસિંહ વાઘેલાએ પરિક્ષા મોકુફ થવાને લઈ નિવેદન આપતા કહ્યું છે કે, પેપર ફોડવામાં 22 વર્ષમાં રાજ્યની બીજેપી સરકારે નિપુણતા પ્રાપ્ત કરી છે. લોકરક્ષક દળ માટેની પરિક્ષાનું પેપર નથી ફૂટ્યું, પરંતુ બેરોજગાર યુવાનોનું નશીબ ફૂટ્યું છે. તેમણે કહ્યું કે, લોક રક્ષકનું પેપર સુરતમાંથી ફૂટ્યું છે.

શંકરસિંહ વાઘેલાએ બેરોજગારી મુદ્દે પણ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, રાજ્યમાં 60થી 70 લાખ યુવાનો બેરોજગાર છે. આ પેપર ફૂટવાથી ખબર પડી જાય છે કે, આખુ સરકારી તંત્ર ફૂટેલું છે. સરકારના મળતીયાઓની એજન્સીઓને પેપર આપવાને કારણે પેપર ફૂટે છે. તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, બીજેપી સરકારના રાજમાં પેપર ફૂટવાની આ પહેલી ઘટના નથી ભૂતકાળમાં પણ ટેટ, તલાટી જેવી પરિક્ષાઓનો પેપર ફૂટ્યા છે.

આ પણ વાંચો - આટલા ખર્ચા કરીને આવે અને પરીક્ષા મોકુફ થાય તે સરકારની નિષ્ફળતા: પરેશ ધાનાણી

વિદ્યાર્થિઓનો પક્ષ લઈ શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, પરિક્ષાર્થી ઉમેદવારોને દસ હજારનો ખર્ચ થયો છે, આ સરકારે તેમના જનધન ખાતામાં આ રકમ જમા કરાવવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે, રાજસ્થામાં બીજેપી સરકારે બેરોજગારો માટે 5000 બેરોજગારી ભથ્થુ આપવાની જાહેરાત કરી છે. જો ગુજરાતમાં પણ એક અઠવાડીયામાં બીજેપી સરકાર બેરોજગારો માટે ભથ્થાની જાહેરાત નહી કરે તો આઠ દિવસ બાદ તેઓ જલદ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. બીજેપી સરકાર માટે પ્રજાને મૂર્ખ બનાવવાનું કામ કરે છે.
First published:

Tags: Case, Paper leak, Statement, શંકરસિંહ વાઘેલા

विज्ञापन