પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજે NCPના સુપ્રીમો શરદ પવારની હાજરીમાં અમદાવાદ ખાતે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી(એનસીપી)માં જોડાઇ ગયા છે. અમદાવાદમાં હોટલ ઉમેદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બાપુએ વિધિવત રીતે NCPનો ખેસ ધારણ કરી લીધો છે. આ કાર્યક્રમમાં શરદ પવાર ઉપરાંત એનસીપીના સાંસદ પ્રફુલ પટેલ, કુતિયાણા બેઠક પરથી એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા તેમજ એનસીપીના કાર્યકરો હાજર રહ્યાં હતા.
18 મહિના બાદ NCPમાં જોડાયેલા બાપુ સક્રિય રાજનીતિ શરૂ કરી છે. કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ શંકરસિંહ રાજકીય પક્ષોથી અળગા રહી ભાજપ વિરોધી નિવેદનો આપી રહ્યાં હતા. તો NCPમાં જોડાયા બાદ શંકરસિંહે જણાવ્યું કે દેશમાં ભાજપ દ્વારા ડેમોક્રેસીનું ગળનું દબાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. રાતો રાત કાયદાઓ બદલી રહ્યાં છે. સીબીઆઇ, સુપ્રીમ કોર્ટ અને સંસદના વિવાદ અંગે તમને તો ખબર જ છે.
તો એનસીપીમાં જોડાયા બાદ ગુજરાત NCP નેતા પ્રફુલ પટેલે જણાવ્યું કે બાપુનું અમારી પાર્ટીમાં સ્વાગત છે, સાથે મળીને નવી ઇનિંગ્સ શરૂ કરીશું. કાર્યક્રમ બાદ સાંજે ચાર વાગ્યે સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારકના ઓડિટોરિયમ હોલ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.