વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી ‘સાગરમાલા’ પ્રોજેક્ટના માધ્યમથી દેશના વિશાળ દરિયા કિનારાના બંદરોને એકબીજા સાથે જોડીને દરિયાઈ વેપાર-વાહન વ્યવહારને વધુ સમૃદ્ધ બનાવી સામુદ્રિક ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં ભારતને એક નવી ઓળખ આપી છે. સામુદ્રિક ક્ષેત્રે ગુજરાત અને ભારતે કરેલી યશસ્વી કામગીરી વિશે દેશ અને વિદેશના રોકાણકારો માહિતગાર થાય અને આ ક્ષેત્રે રોકાણ માટે પ્રેરિત થાય તે હેતુથી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં તારીખ 18 જાન્યુઆરી 2019 ના રોજ પોર્ટ લેડ ડેવલપમેન્ટ એન્ડ સ્ટ્રેટજીસ ટુ એસ્ટાબ્લિશ ઇન્ડિયા એઝ ધ ટ્રાન્સ-શિપમેન્ટ હબ ઓફ એશિયા” સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત સમગ્ર ભારતમાં 1600થી વધારે લાંબો દરિયાકિનોરા કિલોમીટર ધરાવતું રાજ્ય છે. દેશનું સૌથી મહત્વપૂર્ણ કંડલા પોર્ટ, મુંદ્રા પોર્ટ, દહેજ તેમજ સૌથી મોટું શીપબ્રેકિંગ યાર્ડ અલંગ-ભાવનગર જેવા અગત્યના દરિયાઈ વેપારના કેન્દ્રો ગુજરાત ધરાવે છે. જેના પરિણામે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સમગ્ર દેશમાં દરિયાઈ નિકાસમાં મહત્વનું યોગદાન આપી રહ્યું છે.
રાજ્યના પ્રસિદ્ધ બંદરો અને દરિયાઇ ઇકો-સિસ્ટમના માધ્યમ દ્વારા ઉદ્યોગોને વધુ પ્રેરક બળ મળે તથા રાજ્યમાં રોકાણ પર વધુ સારું વળતર મળે તેવા પ્રયાસોના ભાગરૂપે ગુજરાત મેરિટાઇમ બોર્ડ આ સેમિનારનું આયોજન હાથ ધરાયું છે.
સેમિનારમાં કેન્દ્રીય શિપીંગ મંત્રી નીતિન ગડકરી ઉપસ્થિત રહેશે. જેમાં દેશ-વિદેશના પોર્ટ અને મેરિટાઇમ ક્ષેત્રે સંકળાયેલા પ્રસિદ્ધ નિષ્ણાતો-ઉદ્યોગપતિઓ પોતાનું વક્તવ્ય આપશે. ઉપરાંત રાજ્યના મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંહ, બંદરો અને વાહનવ્યવહાર વિભાગના અગ્રસચિવ સુનયના તોમર, ગુજરાત મેરીટાઈમ બોર્ડના વાઈસ ચેરમેન અને સીઈઓ મુકેશ કુમાર ઉપસ્થિત રહેશે.
કેન્દ્ર સરકારના શિપિંગ મંત્રાલયના સચિવશ્રી ગોપાલ કૃષ્ણ, સચિવ (લોજિસ્ટિક્સ) ડૉ. અનુપ વાધવન, રોડ, ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રાલયના સચિવ યુધવીર સિંહ મલિક ઉપસ્થિત રહીને બંદરો અને દરિયાઈ શિપિંગનો વિકાસ, મલ્ટિ મોડલ લોજિસ્ટિક્સ દ્વારા હાઇટરલેન્ડ એકીકરણ અને સુધારેલ પોર્ટ કનેક્ટિવિટીને સક્ષમ બનાવવીને ભારતને એશિયામાં ટ્રાન્સશિપમેન્ટ હબ બનાવવા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પોતાનું વક્તવ્ય આપશે.
આ ઉપરાંત બંદરોના વિકાસ અને પ્લેસાઇડ પ્લાનિંગ, સીમલેસ ઓપરેશન્સ અને ઇન્ટિગ્રેશન જેવા પોર્ટ લેડ ડેવલપમેન્ટમાં પડકારો સહિતના વિવિધ વિષયો પર ચર્ચા-વિચારણા થશે. સાથે-સાથે બંદરો અને રસ્તા, રેલ કનેક્ટિવિટી, વિવિધ રાજ્યોમાં કર વ્યવસ્થાના અવરોધો, હાર્ડ અને સોફ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સંકલન, ડિઝાઇન અને ટેકનોલોજી દ્વારા ક્ષમતા વધારવી, ક્રોસ બોર્ડર પરિવહન અને કાર્ગો મુવમેન્ટ (ઈન્સ્યોરન્સ કવરેજ, કસ્ટમ, ક્રેડિટ લાઇન) અને પર્યાવરણનું જતન સહિતના વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચાઓ થશે નિષ્ણાતો દ્વારા પડકારો માટે યોગ્ય અને ટકાઉ ઉકેલો શોધવાનો પ્રયાસ કરાશે.
કોણ-કોણ ઉપસ્થિત રહેશે..
આ સેમિનારમાં વર્લ્ડ મેરીટાઈમ યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય વાઈસ પ્રેસિડેન્ટ પ્રોફેસર શુઓ મા (Shuo Ma), આઇઆઇએમ-બેંગલોરના ડિરેક્ટર-પ્રોફેસર જી. રઘુરામ સહભાગી થઈને પોતાનો શૈક્ષણિક દ્રષ્ટિકોણ રજૂ કરશે. આગામી સમયમાં ગુજરાત મેરિટાઇમ યુનિવર્સિટીને વૈશ્વિક કક્ષાની બનાવવા માટે વર્લ્ડ મેરિટાઇમ યુનિવર્સિટી સાથે સંભવિત જોડાણ કરાશે. પોર્ટ ઓફ રોર્ટરડમના બિઝનેસ મેનેજર શ્રી એલેક્ઝાન્ડર ફિલિપ્સન (Mr.Alexander Phillipsen), ઈન્ડિયન પોર્ટ અસોસિએશનના સલાહકારશ્રી અતુલ કુલકર્ણી, એપીએમ ટર્મિનલના એમડી શ્રી કેલ્ડ પેડેર્સન, ટ્રાન્સપોર્ટ એન્ડ આઇસીટી ગ્લોબલ પ્રેક્ટિસના સિનિયર પોર્ટ અને મેરિટાઇમ ટ્રાન્સપોર્ટ સ્પેશિયાલિસ્ટ શ્રી બિજુ નિનાન ઓમેન સહિત વર્લ્ડ બેન્કના વિવિધ મરિન ઉદ્યોગ સાથે સંકળાયેલ જાણીતા અને નામાંકિત વ્યક્તિઓ ઉપસ્થિત રહીને પરામર્શ કરશે.
પ્રિ-વાયબ્રન્ટ ગુજરાત રોડ-શો
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના બંદરો અને વાહનવ્યવહાર વિભાગના અગ્રસચિવશ્રી સુનયના તોમર અને મેરીટાઈમ બોર્ડના વાઈસ ચેરમેન અને સીઈઓ શ્રી મુકેશ કુમારની ઉપસ્થિતમાં ગત તારીખ 21 મી ડિસેમ્બર 2018 ના રોજ મુંબઈ ખાતે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા એક રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત મેરિટાઇમ બોર્ડેને અંદાજિત 19 રોકાણ ઇરાદાઓ અને ઇવેન્ટમાં વ્યૂહાત્મક ભાગીદારી માટે હિસ્સેદારોએ રસ દર્શાવ્યો હતો. ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા વિચારોનું આદાનપ્રદાન કરવા માટે આ ક્ષેત્રના રોકાણકારોને ખાસ આમંત્રણ આપ્યું હતું. જેમાં ગ્રીનફિલ્ડ પોર્ટ્સ, પ્રાઇવેટ જેટી, ફેસિલિટીઝ ફોર કન્ટેનર ઓન બર્જીસ, ફ્રી ટ્રેડ, વેરહાઉસિંગ ઝોન (લોજિસ્ટીક પાર્ક), એલપીજી ટર્મિનલ, ઇન્ડસ્ટ્રીયલ પોર્ટ સિટીઝ , મિકેનાઈઝેશન એન્ડ અપગ્રેડેશન ઓફ પોર્ટ ફેસિલિટીઝ, શિપ બિલ્ડીંગ એન્ડ રિપેર યાર્ડ્સ, મરિન ટુરિઝમ – ક્રુઝ ટુરિઝમ, મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, ટેક્નોલોજી અપગ્રેડેશન, રો-રો/રો-પેક્સ સર્વિસીસ, ગુજરાત મેરિટાઇમ ક્લસ્ટર એન્ડ ગુજરાત મેરિટાઇમ યુનિવર્સિટી વગેરે જેવા વિષયોનો સમાવેશ થયો હતો. અત્યાર સુધીમાં અંદાજિત રૂપિયા 38,000 કરોડ જેટલી માતબર રકમ પોર્ટ સેક્ટરના વિકાસ માટે ફાળવવામાં આવી છે. આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019માં 100 કરતા પણ વધુ રોકાણોના ઈરાદાઓ અને વ્યૂહાત્મક ભાગીદારી માટે કરાર થશે. નોંધનીય છે કે, ગુજરાતના જે બંદરો વર્તમાનમાં મુખ્ય બંદરોમાં સ્થાન નથી ધરાવતા તેઓ હવે ગુજરાતને ઈન્ડિયાની મેરિટાઇમ બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત કરશે.