Home /News /gujarat /Vibrant Gujarat-2019: વેપાર અને નિકાસ વિષયક સેમિનાર યોજાશે; આ બાબતો હશે

Vibrant Gujarat-2019: વેપાર અને નિકાસ વિષયક સેમિનાર યોજાશે; આ બાબતો હશે

વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2019માં યોજાશે

વમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સહભાગીઓ માટે B 2 B બેઠકો, આફ્રિકા ડે, ગુજરાત સ્પ્રિન્ટ ટુ 2022 સહિત વિવિધ વિષય પર ભાર મૂકવામાં આવ્યો છે

વેપાર અને નિકાસને વેગ આપવા તેમજ સંભવિત વિવિધ ક્ષેત્રોમાં નિકાસની તકો વિશે વિગતવાર વિચાર-વિમર્શ કરી ભારતને ટ્રિલિયન ડોલરનું નિકાસ અથતંત્ર બનાવવાના લક્ષ્ય સાથે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ- 2019માં વેપાર અને નિકાસ વિષયક સેમિનાર યોજાશે.

દેશની કુલ રાષ્ટ્રીય નિકાસમાં ગુજરાત 22% જેટલો માતબર હિસ્સો ધરાવે છે. નિકાસ ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશને રાહ ચીંધવાની ક્ષમતા ધરાવે છે ત્યારે આ સેમિનાર દ્વારા રાજ્યમાં નિકાસની વધુ નવીન દિશાઓ ખુલશે.

નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – 2019ના માધ્યમથી ભારતના વેપાર અને નિકાસને વધુ પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી ‘ટ્રેડ એન્ડ એક્સપોર્ટ્સ – મેકીંગ ઈન્ડિયા અ ટ્રિલિયન ડોલર એક્સપોર્ટ્સ ઈકોનોમી’ વિષયક પર તારીખ 19 જાન્યુઆરીએ મહાત્મા મંદિર ખાતે સેમિનાર યોજાશે.

આ સેમિનારમાં ભારતીય અર્થતંત્રમાં વધુ ગતિશીલતા લાવવા અને નિકાસની વ્યૂહરચના વિશે ઉદ્યોગકારો તેમજ નીતિ નિર્ધારકોને કેન્દ્ર સરકારના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રીશ્રી સુરેશ પ્રભુ મુખ્ય વક્તવ્ય આપશે. ઉપરાંત ભારતની નિકાસ અને વૃદ્ધિ પામતા વૈશ્વિક અર્થતંત્રની જેમ ભારતનું અર્થતંત્ર પણ વધુ વૃદ્ધિ કરી શકે તે અંગે રોડ મેપ તૈયાર કરવા વિશે પણ માર્ગદર્શન આપશે.

આ સેમિનાર અંગે પત્રકાર પરિષદને સંબોધતાં રાજ્યના ઉદ્યોગ કમિશનર મમતા વર્માએ જણાવ્યું હતું કે "વર્તમાન સમયમાં ભારત વિશ્વનું સૌથી ઝડપથી વૃદ્ધિ પામતું મોટું અર્થતંત્ર છે જે ચીન –અમેરિકા તેમજ જાપાન અને જર્મની પછી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવશે. આ સેમિનારનો હેતુ બૌદ્ધિક ધન અને પ્રભાવશાળી વ્યક્તિઓને એકમંચ પર લાવીને વિવિધ ક્ષેત્રના વિકાસની સંભવના પર ધ્યાન આપવું અને વધુ વિકાસ માટે એક માર્ગદર્શક રોડ-મેપ તૈયાર કરવાનો છે. ઉપરાંત વેપાર અને નિકાસને પ્રોત્સાહન આપવા ઈન્ડસ્ટ્રી અને યુવા સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

વર્ષ - 2017-18 માં ભારતની કુલ નિકાસ 303.37 બિલિયન ડોલરની થઈ હતી, જેમાંથી માત્ર ગુજરાતમાંથી જ 66 અબજ ડોલરથી વધુ કોમોડિટીની નિકાસ કરવામાં આવી હતી, જે કુલ રાષ્ટ્રીય નિકાસમાં 22% જેટલો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. ગુજરાતમાંથી મુખ્યત્વે અમેરિકા, યુએઈ, સિંગાપોર, ચીન, હોંગકોંગ, તુર્કી, નેધરલેન્ડ્સ અને સાઉદી અરેબિયા સહિતનાં અનેક દેશોમાં રસાયણો, રત્નો, જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ, પ્લાસ્ટિક અને પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ કરવામાં આવે છે.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દેશની સૌથી મોટી રોકાણ માટેની સમિટ તરીકે પ્રસ્થાપિત થઈ છે. છેલ્લા અનેક વર્ષોથી રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં રોકાણ માટે રોકાણકારોને આકર્ષિત કરવા આ મેગા-ઇવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના પરિણામે દેશના અન્ય રાજ્યોને પણ રોકાણનો લાભ મળે છે.

અત્રે નોંધનીય છે કે નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સહભાગીઓ માટે B 2 B બેઠકો, આફ્રિકા ડે, ગુજરાત સ્પ્રિન્ટ ટુ 2022 સહિત વિવિધ વિષય પર ભાર મૂકવામાં આવ્યો છે જે વેપાર અને નિકાસ માટે ભારતને ટ્રીલિયન ડોલરની ઇકોનોમી બનાવવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા તરફ મહત્વનું કદમ સાબિત થશે.

ભારતીય નિકાસને વધુ બળ આપવા માટે રાઇઝિંગ પ્રોટેક્ટીઝમ વચ્ચે 'બહુપક્ષીય સંસ્થાઓની ભૂમિકા વિશે આ સેમિનારમાં ડબલ્યુટીઓના ભારતીય રાજદૂતશ્રી જે.એસ.દિપક ચાવીરૂપ વક્તવ્ય આપશે. ઉપરાંત સેમિનારમાં સાઉથ એશિયાના સપ્લાય ચેઈનના વડા શ્રી જુલિયસ બેરિયર (Mr Julius Barrier) અને એફઆઈઇઓના ડીજી-સીઈઓ શ્રી ડૉ. અજય સહાયની ઉપસ્થિતિમાં 'સપ્લાય સાઇડ કંટ્ર્રેંટ્સ ઈન એક્સપોર્ટ્સ બ્લન્ટીંગ કોમ્પિટિટિવ એજ' વિષયક પર પેનલ ચર્ચા યોજાશે. સેમિનારના બીજા ભાગમાં ‘સ્ટ્રેટજી ફોર એ ટ્રિલિયન ડોલર એક્સપોર્ટ્સ’ વિષય પર ચર્ચા યોજાશે જેમાં ડીજીએફટીના ડૉ. અલોક ચતુર્વેદી, આઈઆઈએમ બેંગલોરના પ્રોફેસર ડૉ રૂપા ચંદ્રા સહિતના નિષ્ણાતો વિચાર-વિમર્શ કરશે.
First published:

Tags: Global Investors' Summit

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો