'પૈસા લેવા શું કામ આવો છો?' મહિલા બુટલેગર અને પોલીસનો વીડિયો વાયરલ
'પૈસા લેવા શું કામ આવો છો?' મહિલા બુટલેગર અને પોલીસનો વીડિયો વાયરલ
વાયરલ થયેલા વીડિયોનો સ્ક્રિનશોટ
મોડી રાત્રે પેટ્રોલિંગ પર પહોંચેલી પીસીઆર વાન (નંબર :GJ18G 9007)ને જોતા મહિલા બુટલેટરે 'પોલીસવાન પેટ્રોલિંગ કેમ કરે છે' તેવું કહીને પોલીસ સાથે બબાલ કરી હતી.
રૂત્વીજ સોની, અમદાવાદ : શહેરમાં દારૂના વેચાણ પર લગામની વાતોની હવા કાઢવો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં હપ્તા લેવા પહોંચેલી પોલીસ અને મહિલા બુટલેગર વચ્ચે બબાલ થઈ હતી. બબાલ દરમિયાન મહિલા બુટલેગર પોલીસ કર્મીને ગાળો પણ ભાંડે છે. અમદાવાદના રાયખડ વિસ્તારનો આ વીડિયો હોવાનું સામે આવ્યું છે. આ મામલે મહિલા બુટલેગર સામે ફરજમાં રુકાવટનો કેસ નોંધવામાં આવ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ પોલીસનું કહેવું છે કે તે પેટ્રોલિંગ માટે ત્યાં પહોંચી હતી. જોકે, વાયરલ વીડિયો જોયા બાદ સત્ય કંઈક બીજું જ હોવાનું લાગી રહ્યું છે.
સામે આવેલો વીડિયો 27મી એપ્રિલની મોડી રાતનો હોવાનું જાણવા મળ્યું છે. મોડી રાત્રે પેટ્રોલિંગ પર પહોંચેલી પીસીઆર વાન (નંબર :GJ18G 9007)ને જોતા મહિલા બુટલેટરે 'પોલીસવાન પેટ્રોલિંગ કેમ કરે છે' તેવું કહીને પોલીસ સાથે બબાલ કરી હતી. મહિલા બુટલેગરે બબાલ કરી હોવાની ફરિયાદ પણ પોલીસ ચોપડે નોંધાવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે મહિલા બુટલેગટર અને પોલીસ વચ્ચે હપ્તો લેવાની બાબતે માથાકૂટ થઈ હતી. કુલ 10 મિનિટ સુધી આ બબાલ ચાલી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે ગાયકવાડ હવેલી પોલીસ અને મહિલા બુટલેગર વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી માથાકૂટ ચાલી રહી છે.
મહિલા બુટલેગરે પોલીસને ભાંડી ગાળો
વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા બુટલેગર પોલીસને ગંદી ગાળો ભાંડી રહી છે. સાથે મહિલા પોલીસને હપ્તો લેવા શા માટે આવો છો? તેવું પણ જણાવી રહી છે. પોલીસ મહિલાને ધંધો બંધ રાખવાનું કહી રહી છે ત્યારે મહિલા એવું કહે છે કે અમે શા માટે ધંધો બંધ રાખીએ. તમે હપ્તા લેવા શા માટે આવો છો?
પોલીસની નજર હેઠળ જ દારૂનું વેચાણ?
વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા પોલીસને દારૂનો અડ્ડો બંધ કરાવવાનો ખુલ્લો પડકાર ફેંકી રહી છે. બીજી તરફ તે ગ્રાહકોને જોઈએ એટલો દારૂ મળશે તેવું પણ જણાવી રહી છે. બબાલની વચ્ચે એક વ્યક્તિ પોલીસને હપ્તો લઈ લેવાની પણ વાત કરે છે, પરંતુ પોલીસ તમારો હપ્તો નથી જોઈતો એવું કહીને ઉગ્ર ભાષાનો પ્રયોગ કરે છે. આ દરમિયાન પણ પોલીસ અને બીજી એક મહિલા બુટલેટર વચ્ચે ઉગ્ર ભાષામાં ચર્ચા થાય છે.
પોલીસ પેટ્રોલિંગ માટે ગઈ હતી : PI
આ મામલે વાતચીત કરતા ગાયકવાડ હવેલી પોલીસ મથકના પીઆઈ એન.એન. પરમારે જણાવ્યું કે, "પોલીસ આ વિસ્તારમાં પેટ્રોલિંગ માટે જ ગઈ હતી. આ દરમિયાન મહિલાએ પોલીસ સાથે માથાકૂટ કરી હતી. જે બાદથી વધારાની પોલીસ બોલાવવામાં આવી હતી. મહિલા સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર