અમદાવાદઃ પૂર્વ ધારાસભ્ય અને પોલીસકર્મી વચ્ચે બબાલનો એક વીડિયો સામે આવ્યો છે. અમદાવાદના પૂર્વ ધારાસભ્ય જીતુ વાઘેલા અને એક પોલીસકર્મી વચ્ચે પોલીસ સ્ટેશનમાં જ ઝઘડો થયો હતો. આ સમગ્ર બબાલનો વીડિયો કોઈએ પોતાના મોબાઇલ ફોનમાં ઉતારી લીધો હતો.
સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસકર્મી અને પૂર્વ ધારાસભ્ય વચ્ચે ગોમતીપુર પોલીસ મથકમાં જ ધક્કામૂકી અને ઝપાઝપી થાય છે. આ દરમિયાન પોલીસકર્મી પૂર્વ ધારાસભ્યને એવું કહેતો સાંભળવા મળી રહ્યો છે કે, "તું ધારાસભ્ય હોય તો શું થયું, ચાલ નીકળ અહીંથી." આ દરમિયાન અમુક પોલીસકર્મીઓ એવું પણ કહી રહ્યા છે કે આ વ્યક્તિને પોલીસ સ્ટેશન અંદર લઈ લો.
સામે પક્ષે પૂર્વ ધારાસભ્ય પોલીસને નીકળ...નીકળ નહીં કહેવાનું તેમજ ધક્કા નહીં મારવાનું કહેતા તેની સાથે રહેલા એક વ્યક્તિને આ ઘટનાનો વીડિયો ઉતારવાનું કહે છે. પૂર્વ ધારસભ્ય પોલીસકર્મીને એવું પણ કહી રહ્યા છે કે તું કોને નીકળવનું કહી રહ્યો છે. આ દરમિયાન પોલીસકર્મી એવું પણ કહી રહ્યો છે કે, 'તું એટ્રોસિટી કેવી રીતે દાખલ કરીશ. અમે સાચા જ છીએ.'
બબાલ દરમિયાન પોલીસકર્મી અને પૂર્વ ધારાસભ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે. બંને એકબીજા તરફ આંગળી ચીંધીને વાત કરી રહ્યા છે. એટલું જ નહીં બબાલ દરમિયાન કોઈના મોઢે એવી વાત પણ સાંભળવા મળે છે કે કોણ હપ્તા લે છે તે ખબર છે. અંતે પૂર્વ ધારાસભ્ય અને પોલીસકર્મીઓ પોલીસસ્ટેશન અંદર જાય છે. આ સમગ્ર બબાલ કયા કારણને લઈને થઈ હતી તે જાણવા મળ્યું નથી.