Home /News /gujarat /

RTE મામલે સ્કૂલોની દાદાગીરી યથાવત્, હાર્દિકે શિક્ષણ મંત્રીને લખ્યો ખુલ્લો પત્ર

RTE મામલે સ્કૂલોની દાદાગીરી યથાવત્, હાર્દિકે શિક્ષણ મંત્રીને લખ્યો ખુલ્લો પત્ર

આનંદનિકેતન સ્કૂલ બહાર પ્રવેશ સ્થગિત હોવાનું બોર્ડ મારી દેવાયું છે

    RTE અંતર્ગત ગરીબ બાળકોને સ્કૂલમાં પ્રવેશ આપવા બાબતે ખાનગી સ્કૂલોની દાદાગીરી યથાવત રહી છે. આ મામલે સરકારે સ્કૂલની માન્યતા રદ કરવા સુધીના પગલા લેવાની ચીમકી ઉચ્ચાર્યા બાદ પણ સંચાલકો પર તેની કોઈ અસર નથી થઈ. અમદાવાદની વિવિધ સ્કૂલોએ આરટીઈ પ્રવેશની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હોવાના બોર્ડ સ્કૂલ બહાર મારી દીધા છે. આ મામલે પાસના આગેવાન હાર્દિક પટેલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને એક ખુલ્લા પત્ર લખીને ગરીબ બાળકોને સ્કૂલોમાં પ્રવેશ આપવાની માંગ કરી છે.

    સ્કૂલોની દાદાગીરી યથાવત

    અમદાવાદની ઉદગમ, આનંદનિકેતન, ઝેબર જેવી સ્કૂલોની દાદાગીરી યથાવત રહી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના એડમિશન આપવાના પત્રને પણ શાળાના સંચાલકો ઘોળીને પી ગયા છે. એક પણ શાળાએ આરટીઈ હેઠળ રજુઆત છતાં એડમિશન આપ્યું નથી. આ મામલે સંચાલકોએ સ્કૂલ બહાર આરટીઈની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હોવાના પાટિયા મારી દીધા છે. જે બાળકોની ઉંમર છ વર્ષથી વધારે હોય તેમને પણ આરટીઇ હેઠળ પ્રવેશ આપવાની સંચાલકોએ મનાઈ કરી દીધી છે. બીજી તરફ પોતાના બાળકો પ્રવેશથી વંચિત રહી જતાં વાલીઓએ સ્કૂલો બહાર જ ધરણા શરૂ કરી દીધા છે. આનંદનિકેતન સ્કૂલ બહાર ઉપવાસ પર બેસીને વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે.

    સ્કૂલ બહાર ધરણા પર બેઠેલા વાલીઓ


    હાર્દિક પટેલે લખ્યો પત્ર

    આરટીઈ કાયદા હેઠળ પ્રવેશ ન આપીને સ્કૂલો અન્યાય કરી રહી હોવા અંગે પાસના આગેવાન હાર્દિક પટેલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને એક પત્ર લખ્યો છે. હાર્દિકે પોતાના પત્રમાં ગરીબ બાળકોને અન્યાય થઈ રહ્યો હોવાની વાત લખી છે. હાર્દિક પત્રમાં લખ્યું છે કે શાળાના સંચાલકો ગરીબ અને અમીર બાળકો વચ્ચે ભેદ રાખે છે. હાર્દિકે પોતાના પત્રમાં પ્રવેશ ન આપતી સ્કૂલો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો શિક્ષણને લઇને આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. હાર્દિકે લખ્યું છે કે તે બાળકોના વાલીઓને સાથે લઈને આંદોલન કરશે.

    ગુજરાતમાં આરટીઈનો કડક અમલ થાય છેઃ શિક્ષણ મંત્રી

    હાર્દિક પટેલના પત્ર અંગે જવાબ આપતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે ગુજરાતમાં આરટીઈની કડક અમલ થઈ રહ્યો છે. કોઈ બાળક સાથે ભેદભાવ ન રહે તે માટે બાળકને રૂ. ત્રણ હજાર પણ આપવામાં આવે છે. અત્યાર સુધી આના પાછળ રૂ. 100 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. અમુક લોકો સસ્તી પ્રસિદ્ધિ માટે માધ્યમનો ઉપયોગ કરી રહ્યાં છે. આ સમગ્ર મામલે હાર્દિક કે અલ્પેશ ઠાકોરે અમને કોઈ રજુઆત કરી નથી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bhupendra Chudasama, Pass, Right to education, RTE, Schools, અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन