અમદાવાદ: વર્ષ ૨૦૨૧-૨૨ મા સ્કૂલ ફીમાં ૨૫ ટકા (School fees) રાહત આપવાની માંગ કોંગ્રેસ (Gujarat Congress) પ્રવક્તા ડો મનીષ દોશીએ (Manish Doshi) કરી છે . ડો મનિષ દોશીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે . કોરોના વૈશ્વિક મહામારીમાં સૌથી વધુ કોઈ વ્યવસ્થા પર અસર થઈ હોય તો તે શિક્ષણ વ્યવસ્થા છે. ૧૪ મહિના કરતા વધુ સમયથી શૈક્ષણીક સંસ્થાઓનું કાર્ય સંપૂર્ણપણે બંધ હતું. શાળા સંકુલોમાં ધો.૧ થી ૫ના વર્ગોનો આજે પણ હજી શરૂ થયા નથી. શૈક્ષણીક સંકુલો / શાળાના સંચાલકોને વીજળી ખર્ચ, વહીવટી ખર્ચ, મેઈન્ટેનન્સ ખર્ચ, લેબોરેટરી ખર્ચ, સહિતના કોઈપણ પ્રકારના વધારાના ખર્ચ થયા નથી. સાથોસાથ વર્ષ ૨૦૨૧-૨૨નું શૈક્ષણીક સત્ર હજી યથાવત શરૂ થયું નથી ત્યારે, સામાન્ય - મધ્યમવર્ગના વાલીઓ પાસેથી સમગ્ર વર્ષની ફી વસૂલવાનો નિર્ણય કેટલે અંશે વ્યાજબી ?
વધુમા ડો મનિષ દોશીએ જણાવ્યુ હતું કે રાજ્યના તત્કાલીન શિક્ષણમંત્રી વારંવાર માધ્યમો સમક્ષ ૨૫ ટકા શાળા ફીમાં રાહત આપવાની જાહેરાત કરી ચૂક્યા છે પણ, આજદિન સુધી સરકાર તરફથી આ અંગે પરિપત્ર જાહેર થયો નથી અને પરિણામે શાળા સંચાલકો પૂરેપુરી ફી વસૂલવા માટે વાલીઓ પર દબાણ કરી રહ્યા છે. રાજ્ય સરકાર તરફથી ૨૫ ટકા ફીમાં રાહત અંગે પરિપત્રના અભાવે વાલીઓ અને સંચાલકો વચ્ચે સંઘર્ષ થઈ રહ્યો છે, શૈક્ષણીક વાતાવરણ પર અસર થઈ રહી છે અને ખાસ કરીને જે તે શાળામાં અભ્યાસ કરતા બાળકોની માનસિક સ્થિતિ પર ગંભિર અસર પડી રહી છે.
ફીમાં ૨૫ ટકા રાહત તો એક બાજુ પણ મોટા ભાગની શાળાઓએ એડહોક ફી ના નામે વર્ષ ૨૦૨૧-૨૨માં ઉંચી ફી વાલીઓ પાસે ઉઘરાવવાનું શરૂ કર્યું છે. હજુ સુધી ફી નિયમન સમિતિએ ફીના નવા ધોરણો જાહેર કર્યા નથી તે પણ ચિંતાનો વિષય છે.