મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગરની આર.જી. કન્યા વિદ્યાલયથી શહેરી ક્ષેત્રના શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. ધોરણ-9માં 350 વિદ્યાર્થિનીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે RTE(રાઇટ ટૂ એજ્યુકેશન)ને લઈને પ્રતિક્રિયા આપી હતી. તો બીજી તરફ હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર આરટીઈ અને શાળા સંચાલકોની દાદાગીરી બાબતે અક મંચ પર આવવા બાબતે પૂછાયેલા સવાલનો જવાબ આપવાનું ટાળ્યું હતું.
90 ટકા શાળાઓમાં પ્રવેશ અપાયો
આ અંગે મીડિયા સાથે વાતચીત કરતા મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે રાઇટ ટૂ એજ્યુકેશન હેઠળ 90 ટકા શાળાઓમાં પ્રવેશ આપી દેવાયો છે. 10 ટકા એવી સ્કૂલો છે જેમાં કોઈ સમસ્યા કે પ્રશ્ન છે. બહુ ઝડપથી તેનું નિરાકરણ લાવી દેવામાં આવશે.
ઝીરો ડ્રોપ આઉટ સરકારનું લક્ષ્ય
રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, "શહેરી વિસ્તારોમાં 100 ટકા બાળકો શાળામાં પ્રવેશ મેળવે તે અમારી પ્રાથમિકતા છે. અગાઉ શહેરી વિસ્તારના 20થી 22 ટકા બાળકો સ્કૂલોમાં પ્રવેશ મેળવતા ન હતા. રાજ્ય સરકાર દર વર્ષે શિક્ષણ પાછળ 25 હજાર કરોડનો ખર્ચ કરે છે. સરકારનું લક્ષ્ય ઝીરો ડ્રોપ આઉટ છે. સરકાર ઇચ્છે છે કે રાજ્યનું દરેક બાળક ઓછામાં ઓછો ધોરણ-12 સુધી અભ્યાસ કરે. સરકારી શાળાઓમાં પણ ગુણવત્તાવાળું શિક્ષણ મળે તે માટે અમે કાર્યકત છીએ. આ મુદ્દે અમે ખૂબ ચિંતિત છીએ. અમારું લક્ષ્ય 100 સ્કૂલ પ્રવેશ અને ઝીરો ડ્રોપ આઉટ છે."
હાર્દિક-અલ્પેશ મામલે ચૂપ
આ અંગે મીડિયા સાથે વાતચીત કરતા રૂપાણીને હાર્દિક અને અલ્પેશ એક મંચ પર આવી રહ્યા છે તે અંગે સવાલ પૂછાયો હતો. જોકે, તેમણે આ અંગે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.