RTEને લઈ કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને પાસના નેતા હાર્દિક પટેલ તથા મુકેશ ભરવાડ અગામી સોમવારે શિક્ષણમંત્રી સમક્ષ હલ્લાબોલ કરશે. RTEનો કાયદો હોવા છતાં, દાદાગીરી કરી, પોતાની મનમાની ચલાવી ગરીબ બાળકોને પ્રવેશ ના આપતી શાળાઓ સામે મેદાને પડેલા પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, આ મામલે સોમવારે શિક્ષણમંત્રીને રજૂઆત કરવા જઈશું. તેના માટે શિક્ષણમંત્રીનો સમય માંગવામાં આવ્યો છે, પરંતુ જો સમય નહીં આપે તો પણ અમે સામે ચાલીને રજૂઆત કરવા જઈશું.
ઉલ્લેખનીય છે કે, ખુલ્લેઆમ ઉઘરાવાતી બેફામ ફી અને RTE અંતર્ગત બાળકોને પ્રવેશ ન આપવા જેવી શાળાઓની દાદાગીરી સામે હવે યુવા નેતાઓ પણ મેદાને આવ્યા છે. ગઇકાલે ઉદ્દગમ સ્કૂલની મુલાકાત બાદ આજે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરે મણિનગરની ડિવાઇન બર્ડ્સ સ્કૂલની મુલાકાત લીધી હતી, અને સાથે જ આ શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે ભેદભાવ થતો હોવાનો આક્ષેપ કર્યો હતો.
અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલને ડિવાઇન સ્કૂલમાં RTE અંતર્ગત પ્રવેશ મેળવેલા વિદ્યાર્થી અને અન્ય વિદ્યાર્થીની બેઠક વ્યવસ્થા અલગ હોવાની માહિતી મળી હતી. જેના આધારે બંને નેતાઓએ આ સ્કૂલની મુલાકાત લીધી હતી. જે બાદ બંને નેતાઓએ RTEના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતો હોવાની ફરિયાદ કરી છે, અને તમામ બાળકોને સારી ગુણવત્તા યુક્ત અને સમાન શિક્ષણ મળી રહે તે માટે આહ્વાન કર્યુ છે.
આ પહેલા ગઈકાલે એટલે કે શુક્રવારે આ ત્રણે નેતાઓએ અમદાવાદની ઉદગમ સ્કૂલ પહોંચીને વિરોધ કર્યો હતો. વિરોધને લઇને સંચાલકો દ્વારા પોલીસ બોલાવવામાં આવી હતી, પોલીસ દ્વારા અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલની અટકાયત કરવામાં આવી હતી.