Home /News /gujarat /

'ભાજપના ટોચના બે નેતા અહંકારમાં રાચે છે,' સરકાર સામે પડ્યાં રેશ્મા પટેલ

'ભાજપના ટોચના બે નેતા અહંકારમાં રાચે છે,' સરકાર સામે પડ્યાં રેશ્મા પટેલ

રેશ્મા પટેલ (ફાઇલ તસવીર)

બીજેપી તેની માંગણીઓ સાથે સહમત નહીં થાય તો 2019ની ચૂંટણીમાં તેની વિરુદ્ધ ચૂંટણી પ્રચાર કરીશઃ રેશ્મા પટેલ

  ન્યૂઝ18 ગુજરાતીઃ પાંચ રાજ્યના ચૂંટણી પરિણામો પર ભાજપના કાર્યકર રેશ્મા પટેલ હવે સરકાર સામે પડ્યા છે. પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ)માંથી એક વર્ષ પહેલા ભાજપમાં જોડાયેલા રેશ્મા પટેલે એક ટ્વિટ કરીને કહ્યું છે કે, આત્મવિશ્વાસની નહીં પરંતુ આ અહંકારની હાર છે. ત્રણ રાજ્યમાં હાર થતાં જ રેશ્મા પટેલે કટાક્ષ કરતું ટ્વિટ પોતાની જ સરકાર વિરુદ્ધ કર્યું હતું. રેશ્મા પટેલે ટ્વિટમાં એવું પણ લખ્યું છે કે જનતાના એક એક આંસુ હુકુમત(સરકાર) માટે ખતરા સમાન છે. રેશ્મા પટેલે એવું પણ કહ્યું કે ભાજપના ટોચના બે નેતાઓ અહંકારમાં રાચી રહ્યા છે.

  પોતાના પક્ષ વિરુદ્ધમાં કરેલા ટ્વિટ અંગે ન્યૂઝ18 ગુજરાતી રેશ્મા પટેલ સાથે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન તેમણે પક્ષ વિરુદ્ધ શા માટે ટ્વિટ કરવું પડ્યું તેનાથી લઈને વિવિધ મુદ્દે ખુલ્લા મને વાત કરી હતી. સાથે તેમણે એવી ચીમકી પણ આપી કે જો બીજેપી તેમની માંગણીઓ સાથે સહમત નહીં થાય તો 2019ની ચૂંટણીમાં તેઓ ભાજપ સરકાર વિરુદ્ધ ચૂંટણી પ્રચાર કરશે.

  શા માટે આવું ટ્વિટ કરવું પડ્યું?

  "ગુજરાતની અને બહારના રાજ્યમાં ભાજપની પરિસ્થિતિ જોતાં મેં ભાજપના દિગ્ગજ નેતાઓ માટે આ ટ્વિટ કર્યું છે. આ નેતાઓ અહંકારમાં રાચી રહ્યા છે, જેઓ ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિથી વાકેફ થવા માંગતા નથી. હું ભાજપમાં જોડાઈ ત્યારે પાટીદાર સમુદાયની અમુક માંગો સરકાર સમક્ષ મૂકી હતી જે પુરી નથી કરવામાં આવી. 2019માં સત્તા ગુમાવવાનો વારો આવે તે પહેલા મેં તેમને આગાહ કર્યા છે."

  આ પણ વાંચોઃ રેશ્મા પટેલનો CMને પત્ર, 'ભાજપમાં જોડાયાને વર્ષ પૂરું થવા છતાં માંગણી નથી થઈ પૂરી'

  ભાજપના તમામ નેતાઓ અહંકારમાં રાચી રહ્યા છે?

  "તમામનું નહીં કહી શકું પરંતુ ઉપર બેઠેલા બે નેતાઓ અહંકારમાં રાચી રહ્યા છે. જેમની પાસે નેતૃત્વ છે તેવા આ નેતાઓને લોકો જાણે જ છે. આ નેતાઓ જ્યારે કાર્યકરોનું ન સાંભળે ત્યારે આવું પરિણામ આવતું હોય છે."

  શું પક્ષ પરથી તમારો વિશ્વાસ ઉઠી ગયો છે?

  "મને એવું લાગે છે કે અમારી વિશ્વાસની વાત ભૂલ ભરેલી છે. ભાજપ ગુજરાતમાં ક્યાંક ખરી ઉતરી નથી. મારા ખુદના અનુભવ પરથી હું કહી શકું છું. અમારે સકારાત્મક અભિગમ નથી જોઈતો પરંતુ પરિણામ જોઈએ છે. શહીદ પરિવારોને આજ દિવસ સુધી નોકરી કે કોઈ મદદ મળી નથી. આવું કરશે તો ભાજપે સત્તા ગુમાવવી પડશે."

  ભાજપના બે નેતાઓ કોણ છે?

  "પ્રથમ હું અમિત શાહનું નામ લઈશ. 2017ની ગુજરાતની ચૂંટણીમાં તેમની અગ્રેસર ભૂમિકા હતી પરંતુ ગુજરાતની માંગો પર તેઓ કંઈ જ નથી કરી રહ્યા. મહારાષ્ટ્રમાં અનામત આપી દેવામાં આવ્યું પરંતુ ગુજરાતના પાટીદારોની વાત તેઓ નંજરઅંદાજ કરી રહ્યા છે. આ તેમનો અહંકાર છે. તેનું જ પરિણામ ભાજપ આજે ભોગવી રહી છે."

  અમિત શાહ સિવાય બીજા નેતા કોણ?

  "એવું કહી શકાય કે આપણા વડાપ્રધાનને કોઈ આવી વાતો પહોંચાડતું નથી અથવા તેઓ આવી વાતો સમજવા માંગતા નથી. તેઓ ગુજરાતના સપૂત છે એટલે તેમણે થોડું ધ્યાન આપવું જોઈએ. હું તેમનાથી નારાજ છું."

  ભારતીય જનતા પાર્ટીમાં રહીને જ બળવો કરશો કે પક્ષમાંથી બહાર જશો?

  "હું બહાર જવાને બદલે ભારતીય જનતા પાર્ટીમાં જ રહીને મારી વાત મૂકીશ. મેં બળવો નથી કર્યો પરંતુ પક્ષ સામે મારી વાત મૂકી છે. સાચી વાત કડવી હોય છે, પરંતુ સ્વીકારવી પડે છે. જો વાત નહીં સ્વીકારે તો 2019માં હું ભાજપ વિરુદ્ધ પણ પ્રચાર કરી શકું છું."

  અન્ય પક્ષમાં જોડાશો?

  "વાયદા પુરા નહીં થાય તો ભાજપ માટે પ્રચાર કરવો કે નહીં તે અંગે ચોક્કસ વિચારીશ. કારણ કે સમાજને અમારી પાસેથી ખૂબ વધારે અપેક્ષા હોય છે. 2017ની ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કર્યો હતો. હવે એવું લાગે છે કે મેં ભાજપ પર ખોટો વિશ્વાસ મૂકી દીધો હતો."

  ગુજરાતમાં 2019માં શું થશે?

  "વાયદાઓ પૂરા કરવા પડશે નહીં તો પરિણામ વિપરિત આવશે. લોકોનાં આંસુઓ નહીં લૂછો તો માઠા પરિણામ આવશે. દર વખતે એવું ન કહી શકાય કે બધું વિપક્ષ કરી રહ્યું છે. ક્યારેક આપણી અંદર ઝાંકીને જોવું જોઈએ કે આપણો પણ વાંક હોઈ શકે."

  હાર્દિકનું આંદોલન સાચું છે?

  "હાર્દિકનું આંદોલન ખોટું નથી, પરંતુ વિપક્ષને ટેકો આપી દેવાની વાત ખોટી છે. આ માટે જ અમે પાસ છોડીને ભાજપમાં જોડાયા હતા."
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Assembly Election, Dinesh bambhaniya, Paas, Reshma patel, કોંગ્રેસ, ચૂંટણી`, ભાજપ, હાર્દિક પટેલ

  આગામી સમાચાર