Home /News /gujarat /

આ તો કેવો વિકાસ છે કે જેમાં બેકારી વધે છે ?

આ તો કેવો વિકાસ છે કે જેમાં બેકારી વધે છે ?

જે ટેક્નોલોજી આર્થિક રીતે ફાયદાકારક હોય તે સામાજિક રીતે નુકસાનકારક હોય તેમ બની શકે છે. આર્થિક રીતે જંગી નફો રળી આપનારી ટેક્નોલોજી ભારે બેકારી ઊભી કરે એમ પણ બને. એટલે બધો વિકાસ ટેકનોલોજીને ભરોસે છોડી શકાય તેમ નથી. અર્થશાત્રી હેંમતકુમાર શાહનો વિશેષ અહેવાલ

જે ટેક્નોલોજી આર્થિક રીતે ફાયદાકારક હોય તે સામાજિક રીતે નુકસાનકારક હોય તેમ બની શકે છે. આર્થિક રીતે જંગી નફો રળી આપનારી ટેક્નોલોજી ભારે બેકારી ઊભી કરે એમ પણ બને. એટલે બધો વિકાસ ટેકનોલોજીને ભરોસે છોડી શકાય તેમ નથી. અર્થશાત્રી હેંમતકુમાર શાહનો વિશેષ અહેવાલ

વધુ જુઓ ...
  પ્રો. હેમંતકુમાર શાહ

  ભારતમાં બેકારી એક મોટી સમસ્યા છે. ભારતના અર્થતંત્રનું સ્વરૂપ જુદું હોવાને લીધે ભારતમાં જે બેકારી છે તે વિકસિત દેશોમાં જે પ્રકારની બેકારી હોય છે તેવી બેકારી નથી. વળી, ભારતમાં આશરે 88 ટકા લોકો અસંગઠિત ક્ષેત્રે રોજગારી પ્રાપ્ત કરે છે તેથી રોજગારી અંગે બહુ આધારભૂત માહિતી મળવી અઘરી છે. પણ તેમ છતાં જે કોઈ માહિતી મળે છે તે અત્યંત બિહામણું ચિત્ર રજૂ કરે છે. ભારતના અર્થતંત્રમાં તાજેતરમાં જે પરિસ્થિતિ ઊભી થઇ છે તે ઘણી જ ચિંતાજનક છે અને દેશ વધુ રોજગારવિહીન આર્થિક વૃદ્ધિ તરફ ધકેલાઈ રહ્યો છે તેની સાક્ષી પૂરે છે.

  એક સર્વે એમ કહે છે કે શેર બજારમાં જે કંપનીઓ નોંધાયેલી છે તે કંપનીઓના ચોખ્ખા નફામાં 30 ટકા જેટલો જંગી ઘટાડો 2017-18માં થયો છે. વળી, ક્રેડિટ સુસી નામની એક જાણીતી સંસ્થાએ એમ કહ્યું છે કે 2014માં બેન્કોના ધિરાણમાં 14 ટકાનો વધારો થયો હતો અને તે 2018-19માં માત્ર 10 ટકા જેટલો જ થાય તેવી ધારણા છે. ધિરાણ મોટે ભાગે બે જ બાબતો માટે થાય છે: વપરાશ અને મૂડી રોકાણ. આ બંનેમાં ધીમો વધારો થાય તો સ્પષ્ટ છે કે રોજગારીમાં ધીમો વધારો જ થાય.

  સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી એમ જણાવે છે કે જુલાઈ-સપ્ટેમ્બર, 2018 દરમ્યાન નવા પ્રોજેક્ટ્સમાં મૂડી રોકાણ 15.8 લાખ કરોડ રૂ. હતું કે જે છેલ્લા એક વર્ષમાં સૌથી ઓછું છે. જો રોકાણ ઓછું થાય તો ઉત્પાદન ઓછું જ થાય એ સ્વાભાવિક છે. એનું પરિણામ એ છે કે જીડીપીનો વૃદ્ધિ દર પણ ઘટ્યો છે. 2011-12ને આધાર વર્ષ ગણીને તાજેતરમાં જ આંકડા બહાર પડયા છે તે એમ કહે છે કે 2004-14ના ગાળા દરમ્યાન સરેરાશ વૃદ્ધિ દર 8.1 ટકા જેટલો રહ્યો હતો અને 2014-18 દરમ્યાન તે 7.3 ટકા જેટલો રહ્યો છે. આમ, આ બધાની અસર રોજગારીના સર્જન પર પડે તે સ્વાભાવિક છે.

  અઝિમ પ્રેમજી યુનિવર્સિટી

  અઝિમ પ્રેમજી યુનિવર્સિટીના ચિરંતન રોજગાર કેન્દ્ર દ્વારા સપ્ટેમ્બર-2018માં એક અભ્યાસ ‘સ્ટેટ ઓફ વર્ક ઇન ઈન્ડિયા’ નામે બહાર પાડવામાં આવ્યો છે. તેણે એમ જણાવ્યું છે કે દેશમાં રોજગારવિહીન વૃદ્ધિ થઇ રહી છે. એનો અર્થ એ છે કે દેશમાં આર્થિક વૃદ્ધિ થઇ રહી છે, વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન વધી રહ્યું છે, માથાદીઠ આવક વધી રહી છે પણ દેશમાં રોજગારી એટલી ઝડપથી નથી વધતી કે જેટલી ઝડપથી આ બધું વધી રહ્યું છે. તેણે ભારતમાં 1972થી 2015 દરમ્યાન જુદા જુદા ગાળા દરમ્યાન જીડીપીનો વૃદ્ધિ દર કેટલો રહ્યો અને રોજગાર વૃદ્ધિ દર કેટલો રહ્યો તેની સરખામણી કરી છે. તે આ સાથે આપેલા કોઠામાં જણાવાયું છે.

  જીડીપી વૃદ્ધિદર દર્શાવતો કોઠો


  કોઠાની વિગતો એમ જણાવે છે કે રોજગાર વૃદ્ધિનો દર સૌથી ઓછો 2004-09ના ગાળા દરમ્યાન રહ્યો છે અને સૌથી વધુ 1999-2004ના ગાળા દરમ્યાન રહ્યો છે. 1972-93 દરમ્યાન રોજગાર વૃદ્ધિનો દર 2.2 ટકાનો રહ્યો હતો અને જીડીપીનો વૃદ્ધિ દર 4.૫૩ તાલકા રહ્યો હતો. બીજી તરફ, 1993થી 2015ના ગાળા દરમ્યાન રોજગાર વૃદ્ધિનો દર 1.18 ટકા રહ્યો છે પણ જીડીપીનો વૃદ્ધિ દર 7.08 યકા રહ્યો છે. આમ, બહુ સ્પષ્ટ છે કે આર્થિક વિકાસ ઝડપથી થાય છે, પણ રોજગારી એટલી ઝડપથી વધતી નથી. આ અહેવાલ એમ પણ કહે છે કે 2013થી 2015 દરમ્યાન રોજગારીમાં 70 લાખનો ઘટાડો થયો છે.

  સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી

  દેશની ખૂબ જ જાણીતી સંસ્થા સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (સીએમઆઈઈ) છે. તે રોજગાર અંગે સતત અહેવાલ બહાર પડે છે. તે શ્રમ દળમાં પ્રવેશતા લોકોની સંખ્યા અને જેમને રોજગારી મળે છે તે લોકોની સંખ્યાને આધારે તે દર મહિને રોજગાર સર્જન કેટલું થયું તેની વિગતો જાહેર કરે છે. તે કેટલા લોકોને રોજગારી મળી તેની વિગત તો ભારત સરકારના લેબર બ્યુરો પાસેથી જ લે છે. તે એમ જણાવે છે કે 30-07-૨૦૧૭ના રોજ 3 ટકા લોકો બેકાર હતા અને 23-09-2018ના રોજ 8 ટકા લોકો બેકાર હતા. અમમ, માત્ર 14 મહિનામાં બેકારીમાં જોરદાર વધારો થયો છે.

  કેર રેટિન્ગ્સ

  કેર રેટિન્ગ્સ નામની ખૂબ જાણીતી રેટિંગ એજન્સીએ તાજેતરમાં એક અહેવાલમાં જણાવ્યું છે કે 2016-17ની તુલનાએ 2017-18માં રોજગારીનો વૃદ્ધિ દર ઘટ્યો છે. તે 4.2 ટકા હતો અને 3.8 ટકા થયો છે. તેણે 1610 કંપનીઓનો અભ્યાસ કર્યો અને તેમાંથી 705 કંપનીઓમાં રોજગારનો વૃદ્ધિ દર નકારાત્મક હતો. નકારાત્મક વૃદ્ધિ દરનો અર્થ એ છે કે રોજગારી વધી નહોતી પણ ઘટી હતી. આ કંપનીઓમાં 2014-15માં 54 લાખ, 2015-16માં 55 લાખ, 2016-17માં 57 લાખ અને 2017-18માં 60 લાખ કાયમી કામદારો હતા.

  2015-16માં આગલા વર્ષની તુલનાએ રોજગારનો વૃદ્ધિ દર 2.5 ટકા હતો. એક નોંધનીય બાબત એ પણ હતી કે રૂ. 500 કરોડથી ઓછું વેચાણ ધરાવનારી કંપનીઓમાં રોજગારનો વૃદ્ધિ દર નકારાત્મક હતો અને તેથી વધુ વેચાણ ધરાવનારી કંપનીઓમાં તે હકારાત્મક હતો. એટલે કે મોટી કંપનીઓ વધુ રોજગારી આપે છે એમ એનાથી સાબિત થાય છે. 2017-18માં રાષ્ટ્રીય આવક એટલે કે જીડીપીનો વૃદ્ધિ દર 6.8 ટકા રહ્યો હોવાનો અંદાજ છે. એનો અર્થ એ પણ થાય છે કે દેશની આવક 6.8 ટકાના દરે વધી પણ રોજગારી માત્ર 3.8 ટકાના દરે વધી. આમ, સમગ્ર દેશમાં રોજગારવિહીન વૃદ્ધિ થઇ રહી છે એમ જ કહેવાય.

  સાતમો રોજગાર સર્વે

  ભારત સરકારના પોતાના સાતમા ત્રિમાસિક રોજગાર સર્વેમાં જણાવાયું છે કે 1.36 લાખ નવી રોજગારી ઊભી થઇ છે. જો કે, આ આંકડો ઈપીએફઓ એટલે કે એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ સંગઠનની આંકડાકીય વિગતોને આધારે અપાયો છે. આ આંકડો છેતરામણો એટલા માટે છે કે જે કારખાનાંમાં 20થી વધુ કામદારો કામ કરતાં હોય તેમની જ નોંધણી તેમાં થાય છે. એટલે જે જો કોઈ કારખાનામાં 18 માણસો કામ કરતાં હોય તો તે કારખાનાની નોંધણી તેમાં ના થઇ હોય અને હવે જો તેમાં 21 કામદારો કરતાં થયાં હોય તો તેની નોંધણી તેમાં થઇ જાય. હવે બધા 21 કામદારો નવા કામદારો નથી. નવા તો માત્ર ત્રણ જ છે પણ ૨૧ને રોજગારી મળી એમ ગણાવ્યું છે. હકીકતમાં તો નવા માત્ર ત્રણ જણને જ રોજગારી મળી છે એટલે કે વૃદ્ધિ તો માત્ર ત્રણની જ થઇ છે. પાંચમા વાર્ષિક રોજગારી-બેકારી સર્વેમાં એમ પણ જણાવાયું છે કે માત્ર 21.6 % લોકો જ સામાજિક સલામતીના લાભ મેળવી શકે છે. આમ, રોજગારી અને સામાજિક સલામતી બંને ક્ષત્રે પરિસ્થિતિ ગંભીર છે.

  ક્રેડિટ લાયોનીસ સિક્યુરિટીઝ એશિયા

  ક્રેડિટ લાયોનીસ સિક્યુરિટીઝ એશિયા એ એક મૂડી બજાર અને મૂડી રોકાણ જૂથ છે. તે કંપનીઓમાં કેટલા પ્રમાણમાં રોજગારી વધી તેના અહેવાલ પણ તૈયાર કરે છે. તેણે ઓક્ટોબર-2018માં જે અહેવાલ બહાર પાડ્યો છે તે એમ કહે છે કે 2017-18માં રોજગારીમાં વૃદ્ધિ દર 3.3 ટકાનો રહ્યો હતો અને તે છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી ઓછો રહ્યો છે. વળી, તે તેના અગાઉનાં બે વર્ષો દરમ્યાન અનુક્રમે 3.7 ટકા અને 4.2 ટકા રહ્યો હતો. આમ, રોજગારીનો વૃદ્ધિ દર ઘટ્યો છે. જો કે, રોજગારનો વૃદ્ધિ દર તેના અહેવાલ મુજબ 2005-06થી 2013-14ના ગાળા દરમ્યાન રોજગાર વૃદ્ધિ દર 4.4 ટકા રહ્યો છે અને 2014-15થી 2017-18 દરમ્યાન તે 3.2 ટકા રહ્યો છે. તે એમ કહે છે કે રોજગારી સૌથી વધારે 7.4 ટકા જેટલી 2011-12 દરમ્યાન વધી હતી અને સૌથી ઓછી 1.5 ટકા જેટલી 2014-15ના વર્ષ દરમ્યાન વધી હતી. તે એમ પણ કહે છે કે સ્થાવર મિલકત અને ઇન્ફોટેક ક્ષેત્રે ગયા વર્ષે રોજગારીમાં કોઈ જ વધારો થયો નથી અને જાહેર નાણાકીય સંસ્થાઓ, ઊર્જા, ટેલીકોમ અને જાહેર સેવાઓના ક્ષેત્રે રોજગારીમાં ઘટાડો થયો છે, જ્યારે આઉટસોર્સિંગ સેવાઓ, બિન-બેન્કિંગ નાણાં કંપનીઓ, ખાનગી નાણાં કંપનીઓ, આરોગ્ય સંભાળ, સામગ્રી અને વપરાશી ચીજો તથા ઔદ્યોગિક ચીજોના ક્ષેત્રે રોજગાર વૃદ્ધિ દર હકારાત્મક રહ્યો છે.

  ઉપસંહાર

  રોજગારવિહીન વૃદ્ધિ એવો શબ્દપ્રયોગ વિશ્વ બેંકે 1980ના દાયકામાં પ્રથમ વખત કર્યો હતો. એ પરિસ્થિતિ ભારતમાં તો હાજરાહજૂર છે એમ ઉપરોક્ત વિગતો જણાવે છે. આર્થિક વિકાસ રોજગારી ઊભી કરે અને એ રીતે ગરીબી ઘટાડે કે દૂર કરે એ જરૂરી નથી. ભારતમાં આજકાલ બહુ મોટા મૂડી રોકાણ ધરાવતા પ્રોજેક્ટ્સ ઊભા કરવાની ફેશન ચાલી છે. તેમાં જીડીપી વધે છે પણ રોજગારી બહુ ઓછી વધે છે. અર્થશાસ્ત્રમાં જેને માળખાગત બેકારી કહે છે તેનો શિકાર ભારત બની રહ્યું છે એમ લાગે છે. નવી ટેક્નોલોજીને કારણે જે બેકારી ઊભી થાય તેને માળખાગત બેકારી કહે છે કારણ કે તે આખા અર્થતંત્રનું માળખું બદલી નાખે છે.

  ભારતમાં 2018માં આશરે 135 કરોડની વસ્તી છે. આ સંજોગોમાં જે દેશોની વસ્તી ઓછી છે અને જેમની પાસે વધારે ભૌગોલિક વિસ્તાર છે તેમનું આંધળું અનુકરણ ભારતને કોઈ પણ રીતે ઉપયોગી થઇ શકે તેમ નથી એ એક હકીકત છે. દરેક દેશનું અને પ્રદેશનું વિકાસનું મોડેલ જુદું હોય એ સમજવાની આવશ્યકતા છે. વધુ લોકોને કામ આપે તેવી ટેક્નોલોજી જ ભારત માટે ઉપયોગી થાય તેમ છે. ટેકનોલોજીને સામાન્ય રીતે આર્થિક લાભ સાથે જ જોડવામાં આવે છે. પણ તેનું સામાજિક અને રાજકીય પાસું પણ છે. જે ટેક્નોલોજી આર્થિક રીતે ફાયદાકારક હોય તે સામાજિક રીતે નુકસાનકારક હોય તેમ બની શકે છે. આર્થિક રીતે જંગી નફો રળી આપનારી ટેક્નોલોજી ભારે બેકારી ઊભી કરે એમ પણ બને. એટલે બધો વિકાસ ટેકનોલોજીને ભરોસે છોડી શકાય તેમ નથી.

  (પ્રોફેસર હેંમતકુમાર શાહ અમદાવાદની હ.કા આર્ટ્સ કોલેજમાં અધ્યાપક છે)
  Published by:ankit patel
  First published:

  Tags: Development, Survey, Unemployment, ટેકનોલોજી, ભારત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन