ન્યૂઝ18 ગુજરાતી : ગુજરાતના ખેડૂતો અને લોકો માટે સારા સમાચાર છે. ગુજરાતની જીવાદોરી ગણાતા નર્મદા ડેમની સપાટી સતત વધી રહી છે. ડેમના ઉપરવાસમાંથી 22,509 ક્યુસેક પાણીની આવક થઈ રહી હોવાથી હાલ ડેમની સપાટી 120.189 મીટરે પહોંચી છે. એક દિવસમાં ડેમની સપાટીમાં 15 સેન્ટીમીટરનો વધારો થયો છે. બીજી તરફ શુક્રવારે સુરત, નવસારી, પંચમહાલ જિલ્લામાં વરસાદ નોંધાયો છે.
અષાઢી બીજના દિવસથી ડેમની મુખ્ય કેનાલમાંથી 5,307 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં પાણીનો 1,180 MCM લાઇવ સ્ટોર જથ્થો છે. બે દિવસમાં ડેમમાં પાવર હાઉસ શરૂ કરવામાં આવશે.
સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
સુરતમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદની શરૂઆત થઈ છે. વરસાદને લઈને વાતાવરણમાં ઠંકડ પ્રસરી છે. બીજી તરફ સુરત જિલ્લામાં વરસાદી માહોલ બન્યો છે. જિલ્લાના કામરેજ, પલસાણા, માંડવી, મહુવા, ઉમરપાડા, માંગરોળ અને ચોર્યાસી તાલુકામાં વરસાદ નોંધાયો છે. વરસાદને પગલે ખેડૂતોમાં વર્ષની રેલી છવાઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન બારડોલીમાં 15 મિમી, કામરેજમાં 01 મિમી, માંડવીમાં 06 મિમી, મહુવામાં 03 મિમી, માંગરોળમાં 08 મિમી, પલસાણામાં 05 મિમી, ઉમરપાડામાં 09 મિમી અને સુરત શહેરમાં 07 મિમી વરસાદ નોંધાયો છે.
ગોધરામાં ધીમીધારે વરસાદ
પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ગોધરામાં સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગોધરામાં 8 ઇંચ, હાલોલમાં 9 ઇંચ, કાલોલમાં 3 ઇંચ, ઘોઘબામાં પોણા સાત ઇંચ, જાંબુઘોડામાં 15 ઇંચ, મોરવામાં 3.5 ઇંચ, અને શહેરામાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે.
ડાંગ જિલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં આહવામાં 09 મિમી, વઘઇમાં 30 મિમી, સુબિરમાં 19 મિમી, સાપુતારામાં 22 મિમી વરસાદ નોંધાયો છે.
નવસારી શહેરમાં શુક્રવારે સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
શુક્રવારે તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, ડોલવણ સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.