અમદાવાદ: પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરનાર દંપતીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આઠ મહિનાનો ગર્ભ ધરાવતી પત્નીએ હાઇકોર્ટમાં અરજી કરી છે કે તેના પતિને દિલ્હી બોલાવીને સાસરિયાઓએ ગોંધી રાખ્યો છે. જેની સામે પત્નીએ પતિને પાછો બોલાવવાની માંગણી કરી છે. હાઇકોર્ટે પોલીસને નોટિસ પાઠવી કેસની વધુ સુનાવણી મુલત્વી રાખી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે મૂળ દિલ્હીનાં પૂનમબેન બગરીએ એડવોકેટ મિત્તલ પટેલ મારફતે હાઇકોર્ટમાં પિટિશન કરી જણાવ્યું છે કે, રાજસ્થાનમાં રહેતા અશોક બગરી સાથે તેણે પ્રેમ લગ્ન કર્યા હતા. અશોકનો પરિવાર આ લગ્નથી ખુશ ન હતો જેના કારણે બંને ભાગીને 5 જૂન 2018થી બોપલમાં રહેતા હતા. પૂનમબેન હાલ આઠ મહિનાની ગર્ભવતી છે. અશોકને તેના પરિવારજનોનો ફોન આવ્યો હતો કે અમે પરિણીતા અને તેના બાળકને સ્વીકારવા માંગતા નથી. બીજી તરફ પત્નીએ તબિયત સારી હોવાને કારણે છોડેલી નોકરી ફરીથી 1 ફેબ્રુઆરી 2019થી શરૂ કરી છે. એક દિવસ તે નોકરી પરથી પરત ઘરે આવી તો ખબર પડી કે પતિ ઘરે ન હતો. તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો.
યુવતીને ગર્ભવતી હોવાને કારણે રાજસ્થાન જઈ શકે તેમ નથી. તેથી તેણે પોતાના મિત્રોને ત્યાં મોકલ્યાં હતાં જોકે તેમને અશોકને મળવા દેવામાં આવ્યા ન હતા. તેણે બોપલ પોલીસ મથકે આ બાબતે ફરિયાદ કરી હોવા છતાં પણ કોઇ કાર્યવાહી થઇ ન હતી.
પતિએ કહ્યું, મારો પરિવાર મને ત્રાસ આપે છે. એક દિવસ પત્નીએ પતિને ફોન કર્યો તો તેના સસરાએ ફોન પર વાત કરવા દીધી ન હતી. પરિણીતાના સસરાએ ધમકી આપી કે તું ફોન કરીશ નહીં. ગત સપ્તાહે પણ પતિએ તેને ફોન કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે, તે પત્ની પાસે પરત આવવા માગે છે પણ તેના પિતા તેને આવતા અટકાવે છે અને પરિવાર ત્રાસ આપે છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર