Home /News /gujarat /

બધુ જ પ્લાંનિંગ પ્રમાણે : જોયું'ને હવે એકતા યાત્રા !

બધુ જ પ્લાંનિંગ પ્રમાણે : જોયું'ને હવે એકતા યાત્રા !

પ્રજાને મૂરખ બનાવવામાં ભાજપનો જોટો જડે તેમ નથી, તો સામે પક્ષે કોંગ્રેસ તેની ‘નબળાઈ’માંથી બહાર આવી શકે તેમ નથી ! બધું જ દીવા જેવું સ્પષ્ટ થઇ રહ્યું છે.

પ્રજાને મૂરખ બનાવવામાં ભાજપનો જોટો જડે તેમ નથી, તો સામે પક્ષે કોંગ્રેસ તેની ‘નબળાઈ’માંથી બહાર આવી શકે તેમ નથી ! બધું જ દીવા જેવું સ્પષ્ટ થઇ રહ્યું છે.

  ન્યૂઝ18 ગુજરાતી :

  પ્રજાને મૂરખ બનાવવામાં ભાજપનો જોટો જડે તેમ નથી, તો સામે પક્ષે કોંગ્રેસ તેની ‘નબળાઈ’માંથી બહાર આવી શકે તેમ નથી ! બધું જ દીવા જેવું સ્પષ્ટ થઇ રહ્યું છે. અત્યંત 'પ્લાનિંગ' પ્રમાણે થઇ રહ્યું છે- જેના ભાગરૂપે હવે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના લોકાર્પણ પહેલા ભાજપ 'એકતા યાત્રા' કાઢશે । આ અંગેની પુષ્ટિ આજે ગુજરાત ભાજપના પ્રવક્તા આઈ. કે. જાડેજાએ કરી.

  આ પણ વાંચો અલ્પેશ અને પરપ્રાંતિયોને માધ્યમ બનાવીને સ્ટેચ્યૂ ઓફ યુનિટીના મંચથી થશે લોકસભાના મંડાણ!

  'અખંડ ભારત' ના શિલ્પી તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રજવાડાંઓને જોડીને અખંડ ભારતના નિર્માણમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું હતું તે સૌ કોઈ જાણે છે. પરંતુ જેમ 'સૂંઠના ગાંગડે ગાંધી' થનારાઓની કમી નથી તેમ આ દેશમાં સરદાર, છોટે સરદાર અને બડે સરદાર થઇ જઈને સરદારના નામે ચરી ખાનારોની પણ ક્યાં કમી છે ?

  ‘સરદાર સરોવર નર્મદા ડેમ’નો આખો પ્રોજેક્ટ જેની સંકલ્પના અને ખાતમુહૂર્ત પંડિત નહેરુએ કરેલું તેની ‘ક્રેડિટ’ લેવામાં પહેલા જે-તે સમયના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ કૂદી પડેલા ! તે એટલે સુધી કે, તેઓ સ્વયંને 'છોટે સરદાર' માનવા લાગેલા। ત્યારબાદ, રાજ્યમાં જે-જે મુખ્યમંત્રી ચાહે તે ગમે તે પાર્ટીના હોય તેમણે 'નર્મદા ડેમ' મામલે જાણે બધું તેમણે જ કર્યું હોય તેવો ભ્રમ ફેલાવતા રહ્યાં. આ નરેન્દ્ર મોદી સુધી ચાલુ રહ્યું અને હજુય ચાલુ છે.

  હવે સરદાર પટેલના નામે નવી 'રમત' શરુ થઇ છે. 29 સપ્ટેમ્બર, 2018ની ઢેઢુરની દુષ્કર્મની ઘટના અને ત્યારબાદ બિનગુજરાતીઓ અને ખાસ કરીને યુપી-બિહારના લોકો ઉપર કથિતપણે થયેલા હુમલાની ઘટનાઓ ઉપજાવી કાઢવામાં આવી. બહારના લોકોમાં ડર ફેલાવી દેવામાં આવ્યો અને ગુજરાત વિષે બહાર એવી પરિસ્થિતિનું નિર્માણ કરી દેવામાં આવ્યું કે જાણે ગુજરાતીઓ હિંસક છે !

  આ સમગ્ર મામલે સાચું શું તે તો ભગવાન જાણે, કિન્તુ એટલું તો ચોક્કસ છે કે આ પુરા ઘટનાક્રમનો 'રાજકીય ફાયદો' સિફતપૂર્વક ઉઠાવી લીધો સતાધારી પક્ષ- “ભારતીય જનતા પાર્ટી” (ભાજપ)એ ! મોંઘવારીનો દર વધીને 5.13 % ઉપર પહોંચ્યો છે, પેટ્રોલ-ડીઝલના ભાવ લિટરે 80ની આસપાસ છે, યુરિયા-ખાતરના ભાવો નવી ઊંચાઈએ છે, દૂધ-શાકભાજીના ભાવો આસમાન આંબી રહ્યા છે, સોનુ તેની મહત્તમ સપાટીએ છે, રૂપિયો ગગડીને ડોલર સામે 74થી વધુનો થઇ ગયો છે, મોબ-લીન્ચઇંગ થઇ ગયા, ખેડૂતોના પ્રદર્શનો થઇ ગયા, રામમંદિરો ભુલાઈ ગયા, વિકાસની હવા નીકળી ગઈ છે- હવે બાકી શું રહયું ?

  ...એટલે સરદાર યાદ આવ્યા ! સરદારે દેશને એક કર્યો તેમ અમે પણ પહેલા પ્રાંત વાદનું ઝેર ઓકીશું, પછી એને સિફતપૂર્વક ચાટીશું અને કહીંશુ કે અમે ભારતને એક બનાવીશું ! મુદ્દે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' નો નારો લગાવીશું અને પ્રજાને મૂરખ બનાવી, ફરીથી મતો અંકે કરીશું.

  આ કામગીરીનો આરંભ થઇ ચુક્યો છે. નાયબ મુખ્યમંત્રી મુંબઈ ગયા અને ફડણવીસને આમંત્રણ આપી આવ્યા. મુખ્યમંત્રી સ્વયં ઉત્તરપ્રદેશ ગયા અને યોગીને તેડી લાવશે. હવે સૌરભ પટેલ બિહાર જશે અને નીતીશને મનાવશે ! આ પહેલા એટલે કે "સ્ટેચ્યુ ઓફ યુનિટી" ના લોકાર્પણ પહેલા 'પ્લાનિંગ' અનુસાર 'એકતા યાત્રા' થશે, જેનો આજે જાડેજાએ અંદાજ આપી દીધો ! તેમના કહેવા મુજબ રાજ્યમાં 4 ઝોનમાં 19મી તારીખથી એકતા યાત્રા નીકળશે, જે 20-29 તારીખ સુધી ચાલશે.

  મુદ્દે, તખ્તો મજબૂત રીતે ગોઠવાઈ ગયો છે; હવે કોંગ્રેસ તો જાગતી જાગશે, પ્રજાએ ચેતી જવાની જરૂર છે તે ચોક્કસ !! નહિ તો ફરીથી વિકાસ ગાંડો થઇ શકે છે....
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: Sardar Patel, Statue of unity, પીઅેમ નરેન્દ્ર મોદી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन