Home /News /gujarat /

'ખાખી'નો બદલો! અમદાવાદમાં દારૂના અડ્ડાઓ પર પોલીસ ત્રાટકી

'ખાખી'નો બદલો! અમદાવાદમાં દારૂના અડ્ડાઓ પર પોલીસ ત્રાટકી

    અમદાવાદના કુબેરનગર અને છારાનાગર વિસ્તારના કેકાડીવાસ અને અન્ય વિસ્તારોમાં પોલીસે દારૂના અડ્ડાઓ પર દરોડા પાડ્યા છે. આ દરોડામાં અઢી હજાર લીટરથી વધુ વોશનો નાશ કરવામાં આવ્યો. પોલીસની 7 ટુકડીઓએ આ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે કે મહિલા દિવસ નિમિત્તે પોલીસ દ્વારા છારાનગરમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અહીંના લોકોને દારૂનું વેચાણ ન કરતા અન્ય પ્રવૃત્તિ તરફ વળવા માટે સમજાવવામાં આવ્યા હતા. પરંતુ કાર્યક્રમ દરમિયાન પોલીસને કડવો અનુભવ થયો હતો. અહીં મહિલાઓને પોલીસને એવું કહેતા સાંભળવામાં આવી હતી કે તમારે જે કરવું હોય તે કરી લો, દારૂ તો વેચીશું જ!

    ગુજરાતમાં દારૂબંધી છે એવું કહેવું આજકાલ હાસ્યસ્પદ બની ગયું છે. અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા છારાનગરમાં અગાઉ પણ અનેક વખત દરોડા પાડવામાં આવી ચુક્યા છે. જોકે, પોલીસનો કોઈ ડર ન હોય તેમ છારાનગરમાં વાંરવાર દેશી દારૂની હાટડીઓ યથાવત સ્થિતિમાં જ હોય છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી કે પોસ્ટિંગ થતાંની સાથે જ આવા પ્રકારની પ્રોહિબિશન ડ્ર્રાઈવના નામે દરોડા કરવામાં આવે છે. આ વખતે પોલીસની 7 ટુકડીઓ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં એક ટુકડીમાં 35થી 40 પોલીસ કર્મી સામેલ હતા. 

    પોલીસ દ્વારા આ વિસ્તારમાં આ પહેલા પણ ત્રણ વખત દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ગત દરોડામાં 50 જેટલા કેસ કરવામાં આવ્યા છે. વારંવાર પોલીસ દ્વારા આવા પ્રકારના દરોડા તો કરવામાં આવે છે પરંતુ પોલીસને જોઈએ એટલી સફળતા કે વાહવાહી મળતી નથી તે વાત પણ બંધ બારણે પોલીસના મોઢે ચર્ચાઈ રહી છે.

    આ અંગે એફ ડિવિઝનના એડિશનલ ડીસીપી રાજેશ ગઢીયાએ જણાવ્યું હતું કે, દરોડા માટે સાત ટુકડીઓ બનવાઈ હતી અને 300 જેટલા પોલીસકર્મીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન 15 જેટલા કેસ કરાયા છે અને છ લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા છારાનગરના લોકોમાં સુધારો આવે તે અંગેના પ્રયાસો હાથ ધરાયા છે. જે મહિલાઓ પકડાઈ છે તેઓ સિવણ જેવી પ્રવૃત્તિમાં જોડાય તેવા પ્રયાસ કરાશે

    નોંધનીય છે કે ગુજરાત રાજ્યના પોલીસ વડાની નિયુક્તિ થતાની સાથે જ રાજ્ય તેમણે દારૂ, જુગાર જેવી પ્રવૃત્તિઓ પર રોક લગાડવા તેમના તાબાના અધિકારીઓને કડક આદેશ આપ્યા હતા. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં આ વિસ્તારમાં ચાલતી દારૂની ભઠ્ઠીઓ ચલાવનારાઓની માનસિકતાને બદલવાનો પ્રયાસ પણ કરવામાં આવશે. શા માટે તેઓ આ જ ગુનાખોરીનો રસ્તો અપનાવે છે એ મુદ્દે પણ પોલીસ કામ કરશે.

    સ્ટોરીઃ ભાવિક આચાર્ય, અમદાવાદ

    વાંચોઃ 'મર ભી જાયેંગે તો દારૂ બેચેંગે, બેચેંગે, બેચેંગે, બેચેંગે'
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Chharanagar, Police raid, અમદાવાદ

    આગામી સમાચાર