Home /News /gujarat /

રોમિયો, ચોર, લૂંટારા સાવધાન! જાણો - કાંકરિયા કાર્નિવલમાં આ વર્ષે કેવી છે કડક સુરક્ષા

રોમિયો, ચોર, લૂંટારા સાવધાન! જાણો - કાંકરિયા કાર્નિવલમાં આ વર્ષે કેવી છે કડક સુરક્ષા

કાંકરિયા કાર્નિવલ (ફાઈલ ફોટો)

બીજી તરફ આ વર્ષે પોલીસે વ્યસન મુક્તિ અભિયાન ને અગ્રેસર કરી તમાકુ અને બીડી-સિગારેટ સહિત અન્ય નશીલા પદાર્થો ને ગેટ બહાર જ મુકાવી દેવામાં આવશે.

  હર્મેશ સુખડિયા - અમદાવાદ

  દર વર્ષની જેમ અમદાવાદમાં આ વર્ષે પણ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યુ છે. જેને લઇ સાત દિવસના અલગ અલગ કાર્યક્રમો માણવા લાખોની સંખ્યામાં શહેરીજનો કાંકરિયા કાર્નિવલની મુલાકાત લેતા હોય છે. જેમાં સુરક્ષા પુરી પાડવા બે હજારથી વધુ પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવશે. સાથે જ છેડતી અને મોબાઇલ ચોરી કરતા શખ્સને પકડવા ફેસ રિકગનાઇઝ કૅમેરા પણ લગાવાશે. જેથી આવા તત્વોને બહારથી જ અટકાવી શકાય. શું છે લોકોને સુરક્ષા પૂરી પાડવા માટે પોલીસનો એક્શન પ્લાન જોઇએ આ અહેવાલમાં.

  અમદાવાદમાં દર વર્ષે કોર્પોરેશન દ્વારા કાંકરીયા તળાવ ખાતે કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ કાંકરિયા કાર્નિવલમાં લાખોની સંખ્યામાં શહેરીજનો આવનાર છે જેને લઇ શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા ખાસ બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં 3 DCP, 7 ACP, 31 PI, 100 મહિલા PSI, 1296 એએસઆઇ, હો.કો., પો.કો., એલઆરડી, 190 મહિલા પો.કો., હે.કો., 260 SRP ના જવાનો, 200થી વધુ હોમગાર્ડ.

  મોબાઇલ ચોરી, ચેઇનસ્નેચિંગ અને પર્સ ચોરી અટકાવવા ખાસ આયોજન

  સેકટર 2 એડી સીપી અશોક કુમાર યાદવે માહિતી આપતા જણાવ્યું કે, આમ તો આ કાર્નિવલમાં અમદાવાદીઓ મોટી સંખ્યામાં કાંકરિયા ખાતે ઉમટી પડતા હોય છે. ત્યારે કેટલાક ઇસમો દ્વારા આ તકનો લાભ લઈ મોબાઇલ ચોરી ચેન સ્નેચિંગ અને વાહન ચોરી કરવાના ઇરાદે પણ કાર્નિવલમાં આવતા હોય છે. આવા ઇસમોને પોલીસ આ વર્ષે કાર્નિવલના ગેટ બહારથી જ ઝડપી પાડે તેવી સિસ્ટમ ગોઠવવામાં આવશે. મહત્વનું છે કે કાંકરિયાના અલગ અલગ ગેટના એન્ટ્રી પોઇન્ટ પર જ ફેસ રિકોગનાઇઝ કેમેરા લગાડાશે, અને આ કેમેરામા 30 હજારથી વધુ લિસ્ટેડ ગુનેગારોની વિંગતોનો ડેટા રાખવામાં આવશે. જેનાથી શકમંદ કે ગુનેગારને બહારથી જ પોલીસ પકડી લઈ કાર્યવાહી કરી શકે. તો નશીલા પદાર્થોનું સેવન કરી કાર્નિવલમાં હોબાળો કરતા ઈસમોને બ્રેથ એનેલાઇઝર વડે ચેક કરવામાં આવશે.

  મહિલાઓની સુરક્ષા માટે

  સેકટર 2 એડી સીપી અશોક કુમાર યાદવે જણાવ્યું કે, મહિલાઓની સુરક્ષા માટે અને અગાઉ સામે આવેલા છેડતીના કેસોને લઈ ખાસ મહિલા પોલીસ કર્મીઓની 15 એન્ટી રોમિયો સ્ક્વોડ અને સાથે સાથે પોલપીસ સેવા આપનાર યુવક યુવતીઓને પણ કાંકરિયામાં તેનાત કરવામાં આવશે. સાથે જ એન્ટી રોમીયો સ્ક્વોડ આવા લોકો પર બેઠા બેઠા વોચ રાખી કામગીરી કરશે. બીજીતરફ લાખોની સંખ્યામાં લોકો આવતા હોવાથી ખાસ વોચ ટાવર બનાવવામાં આવ્યા છે. આ 28 જેટલા વોચ ટાવર તમામ પોઇન્ટ પર બનાવાયા છે અને તે ટાવર પર ત્રણથી વધુ પોલીસકર્મીઓ રાખવામાં આવશે જેથી કરીને તમામ લોકો પર ટોપ એંગલથી પોલીસ વોચ રાખી શકે. તો સાથે સાથે કાંકરિયા ચોકી પર જ પોલીસે એક સીસીટીવી કંટ્રોલરૂમ પણ ઉબો કર્યો છે જેના પર સીધી ઉચ્ચ અધિકારીઓ નજર રાખશે. કાંકરિયાની આસપાસ ચાર નાકાબંધી પોઇન્ટ પણ રખાશે.

  બાળકોની સુરક્ષા માટે

  સેકટર 2 એડી સીપી અશોક કુમાર યાદવે કહ્યું કે, તો ભીડભાડમાં બાળકો ગુમ થઈ જવાના પણ અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. જેને લઇ કાંકરિયા પરિસરમાં અલગ-અલગ નાના-મોટા 28 વોચ ટાવર ઉપર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે. જેની મદદથી પોલીસની મદદ સરળતાથી મેળવી શકાશે. બીજી તરફ આ વર્ષે પોલીસે વ્યસન મુક્તિ અભિયાન ને અગ્રેસર કરી તમાકુ અને બીડી-સિગારેટ સહિત અન્ય નશીલા પદાર્થો ને ગેટ બહાર જ મુકાવી દેવામાં આવશે. ત્યારે કાંકરિયા પાસે લાખો લોકો આવતા હોવાથી પાર્કિંગ બનાવવામાં આવે છે ત્યાંથી વાહનો ચોરી થતાં હોવાથી ત્યાં પણ પોલીસ ગોઠવાશે, અને તે વિસ્તારના રોડ સાંકડા હોવાથી પોલીસ સતત ટ્રાફિક જામ ક્લીયર કરવાની કામગિરી કરશે, અને તે માટે કાંકરિયાની આસપાસ આઠ પોઇન્ટ ફાળવી જે તે પોઇન્ટ પર એક પીએસઆઇ અને 30 પોલીસ કર્મીઓ તહેનાત કરાશે.

  છેલ્લા ઘણા સમયથી પોલીસ આ રીતે એક અઠવાડિયા પહેલા એક્શન પ્લાન ઘડી દે છે અને આ વખતે તો અમદાવાદ આસપાસ એટલે કે ગાંધીનગર, ખેડા અને અમદાવાદ ગ્રામ્યમાંથી પણ પોલીસ અધિકારીઓને બોલાવી એક અઠવાડિયા સુધી ડ્યુટી પર ખાસ મૂકવામાં આવ્યા છે. રાત્રે એક બે વાગ્યા સુધી પોલીસ કાંકરિયા ખાતે બંદોબસ્ત કરી લોકોની સલામતી જાળવશે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Ahmedabad police, Declared, Kankaria carnival, Security, પોલીસ`

  આગામી સમાચાર