ન્યૂઝ18 ગુજરાતી : ગુજરાતમાં મંગળવારે ફૂંકાયેલા પવન અને કમોસમી વરસાદને કારણે નવ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ભારે પવન સાથે પડેલા વરસાદ અને કરાને કારણે અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત મુલાકાત પહેલા ગુજરાતમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી રહી હતી. સાથે જ તેમણે ઘાયલ તેમજ મોતને ભેટેલા લોકો માટે સહાયની જાહેરાત કરી છે. ગુજરાત માટે સહાયની જાહેરાતના એક કલાક બાદ કેન્દ્ર તરફથી તમામ રાજ્ય માટે સહાયની જાહેરાત કરવામાં આવી હતી. (આ પણ વાંચો : મોદીજી, તમે દેશના વડાપ્રધાન છો, ગુજરાતના નહીં : મધ્ય પ્રદેશ CM કમલનાથ )
મૃતકોને રૂ. બે લાખની સહાય
વડાપ્રધાન કાર્યાલયના ટ્વિટર હેન્ડલ પર કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે, ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે ઘાયલ થયેલા લોકોને રૂ. 50 હજારની સહાય ચુકવવામાં આવશે. આ ઉપરાંત જે લોકોએ વરસાદ અને વાવાઝોડાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે તેમને વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડમાંથી રૂ. બે લાખની સહાય ચુકવવાની જાહેરાત કરવામાં આવી છે.
તમામ રાજ્ય માટે સહાયની જાહેરાત
ગુજરાત માટે સહાયની જાહેરાતના એક કલાક બાદ પીએમઓ તરફથી મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મણીપુર અને દેશના અન્ય ભાગોમાં વરસાદ અને તોફાનમાં મોતને ભેટેલા લોકો માટે વડાપ્રધાન રાહત ફંડમાંથી રૂ. બે લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ઘાયલ લોકોને રૂ. 50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ વડાપ્રધાન કાર્યાલય તરફથી ટ્વિટ કરવામાં આવ્યું છે કે, "મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મણીપુર અને દેશના અન્ય ભાગોમાં તોફાનને કારણે મોતને ભેટેલા લોકો પ્રત્યે વડાપ્રધાને સંવેદના પ્રગટ કરી છે. સાથે જ અસરગ્રસ્ત લોકોને જરૂરી તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે. તંત્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે."
Anguished by the loss of lives due to unseasonal rains and storms in various parts of Gujarat. My thoughts are with the bereaved families.
Authorities are monitoring the situation very closely. All possible assistance is being given to those affected.
— Chowkidar Narendra Modi (@narendramodi) April 17, 2019
મોદીએ ટ્વિટ કરીને વ્યક્ત કરી સંવેદના
ગુજરાત મુલાકાત પહેલા મોદીએ ગુજરાતમાં મંગળવારે વરસાદને કારણે જીવ ગુમાવનાર લોકોને પ્રત્યે પોતાની સંવેદના પ્રગટ કરી હતી. મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને લખ્યું કે, "ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ અને વાવાઝોડાને કારણે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાથી હું ખૂબ દુઃખી છું. જે લોકો મોતને ભેટ્યા છે તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના પ્રગટ કરું છું. હાલ તંત્ર આ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. જે લોકો અસરગ્રસ્ત થયા છે તેમને જરૂરી તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે."