Home /News /gujarat /

વડોદરા: 100 એકર જમીનમાં 743 કરોડના ખર્ચે બનશે યુનિવર્સિટી, જાણો વિશેષતાઓ, પીએમ મોદી કરશે શિલાન્યાસ

વડોદરા: 100 એકર જમીનમાં 743 કરોડના ખર્ચે બનશે યુનિવર્સિટી, જાણો વિશેષતાઓ, પીએમ મોદી કરશે શિલાન્યાસ

વડાપ્રધાન મોદી

PM Modi Gujarat Visit: અઢી હજાર વિદ્યાર્થીઓ વૈશ્વિક માપદંડો પ્રમાણેનું શિક્ષણ આ વિદ્યાધામમાં લઈ શકે તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે.

વડોદરા: રાજા સયાજીરાવે વડોદરાને (Vadodara news) વિદ્યા નગરી બનાવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ, વડોદરાની આજ ઇમેજને આંતરરાષ્ટ્રીય રીતે વ્યાપક બનાવવા શિક્ષણના આંતરરાષ્ટ્રિય માપદંડોને અનુસરીને જેનું નિર્માણ થવાનું છે તેવી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત (Central University in Gujarat) - ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય માટે વડોદરાની પસંદગી કરી છે.

પ્રધાનમંત્રી મોદી (PM Modi in Gujarat) તા.18મી જૂનના રોજ વડોદરાના લેપ્રસી મેદાન પર યોજાનાર ગુજરાત ગૌરવ અભિયાન પ્રસંગે ડભોઇ તાલુકાના કુંઢેલા નજીક આ નવીન વિશ્વવિદ્યાલયના સંકુલના નિર્માણ માટે શિલાન્યાસ કરશે.

આ દિવસે તેઓ વડોદરામાં જ આકાર લેનારી, દેશની તેના પ્રકારની સર્વ પ્રથમ ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના નિર્માણનો પણ પ્રારંભ કરાવવાના છે. આમ, એક જ દિવસમાં વિદ્યાના વારાણસી જેવા વડોદરાની શિક્ષણ સુવિધાઓમાં બે ઉચ્ચતમ શિક્ષણ સંસ્થાઓના ઉમેરાનો માર્ગ ખુલશે અને આ દિવસ વડોદરાના ઉજ્જવળ ઇતિહાસમાં અંકિત થઈ જશે.

આ પણ વાંચો: ભરુચમાં બિલ્ડર પોતાના પરિવાર સાથે કુળદેવીના દર્શને ગયો અને ઘરમાંથી થઇ એક કરોડની ચોરી

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રધાનમંડળના સદસ્યોની ઉપસ્થિતિમાં આ શિલાન્યાસ થશે. શિક્ષણ સુવિધાને વ્યાપક બનાવવાના સંકલ્પ હેઠળ ગુજરાત સરકારે આ નવા વિદ્યાધામના નિર્માણ માટે કુંઢેલા નજીક કરોડોમાં કિંમત અંકાય એવી 100 એકર જેટલી વિશાળ જમીન ફાળવી છે.

તો ભારત સરકારે આ નવીન વિશ્વવિદ્યાલય માટે સુવિધાસમ્પન્ન પરિસરના નિર્માણ માટે રૂ.743 કરોડ મંજૂર કર્યા છે. અઢી હજાર વિદ્યાર્થીઓ વૈશ્વિક માપદંડો પ્રમાણેનું શિક્ષણ આ વિદ્યાધામમાં લઈ શકે તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે.

અહીં પ્રવેશતા જ ગુજરાતની અસ્મિતા અને વૈવિધ્યથી ભરેલી સંસ્કૃતિનો આપોઆપ પરિચય મળી જાય એવું ભવ્ય પ્રવેશદ્વાર બનવાનું છે. હરિયાળા પરિસરમાં અદ્યતન સુવિધાઓ હેઠળ નિવાસી શિક્ષણની વ્યવસ્થાએ અહીંની આગવી વિશેષતા બનશે.

આ પણ વાંચો: આજે ગાજવીજ અને ભારે પવન સાથે આ વિસ્તારોમાં પડશે વરસાદ

આ વિશ્વવિદ્યાલયમાં સંખ્યાબંધ વિદ્યાશાખાઓનું ઉત્તમ શિક્ષણ ઉપલબ્ધ કરાવવાની રૂપરેખા ઘડવામાં આવી છે. તેના પ્રમાણે રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, નેનો સાયન્સ, પર્યાવરણ અને સમપોષક વિકાસ, પ્રયુક્ત સામગ્રી (એપ્લાઇડ મટીરીયલ)વિજ્ઞાન, માનવિકી (હ્યુમેનીટી) અને સામાજિક વિજ્ઞાન, ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ, રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય સંબંધો, પ્રવાસી અધ્યયન (ડાયાસ્પોરા સ્ટડીઝ) અને પુસ્તકાલય વિજ્ઞાન તેમજ શિક્ષણ શાસ્ત્ર વિદ્યાશાખાના બહુઆયામી શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે.

આ વિશ્વવિદ્યાલયના ભાગરૂપે પુસ્તકો, સામયિકો, ડિજિટલ અને ઈ-રિસોર્સિસથી સમૃદ્ધ પુસ્તકાલય અને વિશાળ વહીવટી ભવન અહી નિર્માણ પામશે.

તેની સાથે વિવિધ બહુહેતુક ભવનો, અતિથિ ગૃહ, છોકરા અને છોકરીઓ માટે સુવિધાસભર છાત્રાઆવાસો અને અતિ અદ્યતન સંશોધનો શક્ય બનાવતી આંતરરાષ્ટ્રીય કક્ષાની પ્રયોગશાળાઓ, મલ્ટી મીડિયા ફેસિલિટીઝ સાથેના વ્યાખ્યાન ખંડોનો નિર્માણ આયોજનમાં સમાવેશ થાય છે.

મોદી શનિવારે વડોદરામાં જેના નિર્માણનો શિલાન્યાસ કરવાના છે એ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત - ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય ગુજરાતની પહેલી સેન્ટ્રલ યુનિવર્સિટી બનશે. પ્રાપ્ત માહિતી મુજબ હાલમાં દેશમાં કુલ ૫૪ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયો શિક્ષણ પ્રદાન કરી રહ્યાં છે. દેશના ૧૫ રાજ્યોમાં આ વિશ્વવિદ્યાલયો કાર્યરત કરવામાં આવ્યા છે. કુંઢેલા સી.યુ.જી.નું ટ્રાન્જીટ હેડ ક્વાર્ટર પ્રથમ ગાંધીનગર રાખવામાં આવ્યું છે જે પરિસર નિર્માણ પછી આ સ્થળે ખસેડવામાં આવશે.દેશના તમામ રાજ્યોના વિદ્યાર્થીઓ હાલની સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવે છે. જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓનું પ્રમાણ અંદાજે 20 ટકા જેટલું હોવાનું અનુમાન છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગુજરાત, વડાપ્રધાન મોદી, વડોદરા સમાચાર

આગામી સમાચાર