વડોદરામાં આવાસ યોજનાના ફોર્મ લેવા માટે ભારે ધક્કામુક્કી, તારીખ લંબાવવામાં આવી

વડોદરામાં આવાસ યોજનાના ફોર્મ લેવા માટે ભારે ભીડ

Vadodara News: વડોદરા મેયરે લોકોને અપીલ કરતા જણાવ્યુ કે, 'આ ફોર્મ વહેલા તે પહેલાના ધોરણે નથી. આ સાથે ફોર્મ લેવાની તારીખ પણ લંબાવવામાં આવી છે'

 • Share this:
  વડોદરા: મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા શહેરમા આવાસ યોજના (Pradhan Mantri Awas Yojana) અંતર્ગત 2132 આવાસો માટે ફોર્મ વિતરણની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં રાવપુરામાં આવેલી આવાસ યોજાનની ઓફિસ બહાર ગઇકાલે મોડી રાતથી લાભાર્થીઓએ લાઇન લગાવી હતી. સવાર બાદ અહીં ફોર્મ લેવા માટે લોકોની પડાપડી થઇ હતી. ભારે ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસને પણ બોલાવવામાં આવી પડી હતી.

  ભીડે પોલીસને પણ ધક્કે ચઢાવ્યા હતા

  EWSના આવાસની નવી સ્કીમ મુકવામાં આવી છે. જેમા 5 લાખ 50 હજારમાં એક રૂમ રસોડાનું મકાન મેળવવા લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. લોકોએ ભારે ભીડ કરીને હોબાળો મચાવ્યા બાદ પોલીસને પણ ધક્કે ચઢાવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે આટલા મોટા શહેરમાં આવાસ યોજનાના ફોર્મ વિતરણ માટે માત્ર એક જ ઓફિસ ફાળવવામાં આવી છે. જેના કારણે પણ લોકોની ભીડ જામે છે.

  ફોર્મ વિતરણની તારીખ લંબાવવામાં આવી

  વડોદરા કોર્પોરેશનની રાવપુરા ખાતેની એફોર્ડેબલ હાઉસિંગ યોજનાની ઓફીસ બહાર છેલ્લા બે દિવસથી વહેલી સવારથી આવાસોના ફોર્મ મેળવવા માટે લાભાર્થીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. જેના કારણે માર્ગ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે. લોકોએ સવારના સાત વાગ્યાથી લાઈનો લગાવી હતી અને આ લાઈન દાંડિયા બજાર વિસ્તાર સુધી પહોંચી જતા અને લોકોનો ધસારો થતાં પોલીસને બોલાવવી પડી હતી. લાભાર્થીઓના ભારે ઘસારાના પગલે 31 ડિસેમ્બર સુધી ફોર્મનું વિતરણ કરવાનો નિર્ણય લેવાયો છે.

  'તંત્ર તો ફોર્મ આપવા માટે તૈયાર જ છે'

  આ અંગે ઓફિસના અધિકારીઓએ જણાવ્યુ કે, લોકો ફોર્મની લેવા માટે એકને બદલે ત્રણથી ચાર લાઇનો કરી રહ્યા છે. તંત્ર તો ફોર્મ આપવા માટે તૈયાર જ છે પરંતુ લોકોએ ભીડ કરી છે. આ ભીડમાં ફોર્મ આપીએ તો અવ્યવસ્થા સર્જાઇ છે.  'વહેલા તે પહેલાના આધારે આ નથી'

  વડોદરા મેયરે લોકોને અપીલ કરતા જણાવ્યુ કે, આ ફોર્મ વહેલા તે પહેલાના ધોરણે નથી. આ સાથે ફોર્મ લેવાની તારીખ પણ લંબાવવામાં આવી છે. આ એલોટમેન્ટ ડ્રો આધારિત પદ્ધતિથી ઘણી જ ટ્રાન્સપરન્સી સાથે થવાનું છે. જેથી ટોળાંમાં ઉભા રહીને ફોર્મ લેવાની કે ભરવાની જરૂર નથી.

  'પાલિકાનું અણધડ આયોજન સામે આવ્યું છે'

  આ અંગે કોંગ્રેસના નેતા અમી રાવત અને નરેન્દ્ર રાવતે કહ્યું કે, લોકો ઘર માટે પડાપડી કરી રહ્યા છે, પાલિકાનું અણધડ આયોજન સામે આવ્યું છે. મેયર અને મ્યુનિ કમિશનરે સ્થળ પર આવી લોકોની સમસ્યા દૂર કરવી જોઈએ. લોકોને ફોર્મ ભરવા માટે સમય વધારી આપવો જોઈએ. કોર્પોરેશનની વોર્ડ ઓફિસથી ફોર્મ વિતરણ કરવું જોઈએ, જેથી ભીડ નહિ થાય. વડોદરામાં 10 હજાર મકાનો હજી બન્યા નથી, જેથી લોકો ઘર વિહોણા બન્યા છે.
  Published by:Kaushal Pancholi
  First published: