મયૂર માંકડિયા, અમદાવાદ: ભાજપે લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ સીટ પરથી હસમુખ. એસ. પટેલને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. તેઓ અમરાઇવાડીનાં ધારાસભ્ય છે. આ પહેલા પરેશ રાવલ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ભાજપના સંસદ સભ્ય હતાં. તેઓ હવે આ બેઠક કે બીજી કોઇ બેઠક પરથી લડવાનાં નથી તેવું પરેશ રાવલે જ કહ્યું છે. પરેશ રાવલ એચ. એસ. પટેલને આજે ઉમેદવારી ફોર્મ ભરાવવા માટે આવ્યાં હતાં. ત્યારે તેમની સાથે થોડી વાતચીત થઇ હતી. ત્યારે તેમણે જણાવ્યું કે, 'હું એક્ટિવ પોલિટિક્સનો માણસ નથી.
'એચ. એસ. પટેલ સાહેબ જબરદસ્ત બહુમતીથી જીતશે.'
પરેશ રાવલે એચ.એસ. પટેલની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, 'તેઓ ઘણાં જ ઉમદા ઉમેદવાર છે. તેઓ ઘણાં જ કમિટેડ વ્યક્તિ છે. મને તેમના વ્યક્તિત્વ પર વિશ્વાસ છે અને બીજેપી પર વિશ્વાસ છે. મને મોદી સાહેબની નેતાગિરી પર પણ વિશ્વાસ છે. લોકો મોદી સાહેબનું મોઠું જોઇને મત આપતા હોય છે જેનો હું જીવતો જાગતો ઉદાહરણ છું. એચ. એસ. પટેલ સાહેબ જબરદસ્ત બહુમતીથી જીતશે.'
'હું કાર્યકર્તાઓનો ઋણી છું'
તેમને જ્યારે સાંસદ તરીકેનાં પાંચ વર્ષ તરીકે પૂછ્વામાં આવ્યું ત્યારે જણાવ્યું કે, 'બહું જ પોઝિટીવ રહ્યો છે. હું ઘણું જ શીખ્યો છું. હું પહેલા તો ઋણ સ્વીકાર કરવા માંગુ છું મારા કાર્યકર્તાઓનો જેમને કાળી ગરમીમાં ઘણી જ મહેનત કરીને મને જીતાડ્યો હતો, પાર્ટીનાં વડીલોનો પણ ઋણ સ્વીકારૂં છું અને મોદીજીનો ઋણ સ્વીકારૂં છું. '
'હું બહુ લિમિટેડ ઇનીંગ માટે આવ્યો હતો
તમને મઝા આવી તો શા માટે ફરીથી ચૂંટણી નથી લડી રહ્યાં? તેના જવાબમાં તેમણે કહ્યું કે, ' હું પહેલાથી કહેતો આવ્યો છું કે હું એક્ટિવ પોલિટિક્સનો માણસ નથી. હું બહુ લિમિટેડ ઇનીંગ માટે આવ્યો હતો.'
મહત્વનું છે કે ભાજપ અમદાવાદ પૂર્વ બેઠક પર ક્યારનુંએ અવઢવમાં મૂકાયું હતું. 25 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા બાદ આ એકમાત્ર બેઠક પર ભાજપ અસમંજસમાં મૂકાઈ હતી. આ બેઠક પર બે પાટીદાર નેતા સી.કે.પટેલ અને વલ્લભ કાકડિયા રેસમાં હતા. આ બંને નેતાઓએ ગાંધીનગર ખાતે પ્રભારી ઓમ માથુર સાથે બેઠક પણ કરી હતી. પરંતુ ભાજપે અચાનક અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખભાઈ એસ પટેલને ઉમેદવાર બનાવતા લોકો આશ્ચર્યમાં મુકાયા છે. આ બાજુ કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર તરીકે આ બેઠક પરથી ગીતા પટેલને મેદાને ઉતાર્યા છે. હવે અમદાવાદ પૂર્વ બેઠક પર ગીતાબેન પટેલ અને હસમુખભાઈ પટેલ વચ્ચે એટલે કે બે પાટીદાર નેતા વચ્ચે સીધો જંગ રહશે.