Ahmedabad News: મહિલાએ બે દિવસ પહેલા જ અસારવા સિવિલ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. હજી પણ ગોમતીપુર પોલીસ બાળકીની કસ્ટડી અરજદાર માતાપિતાને આપવા દેતી નથી.
અમદાવાદ: શહેરમાં (Ahmedabad) સરોગસીથી (surrogacy mother) જન્મેલી બાળકીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં બે દિવસ પહેલા જ જન્મેલી બાળકીની કસ્ટડી મેળવવા માટે જૈવિક માતાપિતાએ ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat Highcourt) હેબીયર્સ કોપર્સ અરજી કરી છે.
આ મામલે ચીફ જસ્ટીસ અરવિંદકુમારની વડપણ હેઠળની બેંચે અરજન્ટ સુનાવણીની મંજૂરી આપી છે. જે બાદ કોર્ટે સરકારપક્ષ અને ગોમતીપુર પોલીસ સામે નોટિસ ઇસ્યુ કરી છે. આ સાથે પોલીસને સોગંદનામું રજૂ કરવાનો પણ નિર્દેશ કર્યો છે. આ જેવિક માતાપિતા મૂળ રાજસ્થાન અજમેરના વતની છે.
અરજદાર એક વર્ષ પહેલા અમદાવાદ આવ્યા હતા
અરજદાર એવા જેનેટિક પિતા એક વર્ષ પહેલા સરોગેસીના માધ્યમથી સંતાન પ્રાપ્તિ માટે એક મહિલાના સંપર્કમાં આવ્યા હતા. ત્યાર બાદ ડોક્ટરના માર્ગદર્શન હેઠળ સરોગેસી માટેની પ્રક્રિયા હાથ ધરી હતી. આ દરમિયાન માતા બનેલી મહિલા સામે જુવેનાઈલ એક્ટ મુજબ ફેબ્રુઆરી 2022માં અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ હતી. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. આ મહિલા પર બાળકને કિડનેપ કરવાનો આરોપ લાગ્યો હતો. જે બાદ મહિલાને જેલમાં રાખવામાં આવી હતી.
આરોપી મહિલાએ બે દિવસ પહેલા જ અસારવા સિવિલ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. હજી પણ ગોમતીપુર પોલીસ બાળકીની કસ્ટડી અરજદાર માતાપિતાને આપવા દેતી નથી. સરોગેટ મહિલા પણ બાળકને અરજદારને આપવા તૈયાર છે. આ મામલે હવે સરોગેટ મધરને ડિસ્ચાર્જ કરાશે તો તેને ફરીથી જેલમાં જવું પડશે. તેની સાથે નવજાત બાળકીને પણ જેલમાં જ જવુ પડે.
આ અંગે અરજદારના વકીલે હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે, સરોગેસી કરાર દરમિયાન બાળકીના જન્મ બાદ તરત જ તેની કસ્ટડી પિતાને સોંપવા માટેની શરત મૂકી હતી. જેથી જો માતાને કસ્ટડી સોંપાય અને તેને જેલમાં મોકલાશે. તો આ સ્થિતિમાં શા માટે નવજાત બાળકી કોઇપણ ગુના વગર સજા ભોગવવા જેલમાં જાય? આ અંગે ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ સેન્ટ્રલ જેલ પ્રશાસનને અરજન્ટ નોટિસ ઇશ્યુ કરી છે.
આ સાથે માતા તેની દીકરીની કસ્ટડી સોંપવા માટે તૈયાર છે તે અંગેનું સોગંદનામું રજૂ કરવા માટે પણ નિર્દેશ આપ્યા છે. અરજદાર પોતે રાજસ્થાનમાંથી આવે છે અને પરિણીત છે. કોર્ટે ગોમતીપુર પોલીસને પણ સોગંઘનામું રજૂ કરીને જવાબ આપવા કહ્યું છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર