અમદાવાદમાં આજે(શનિવાર, 28 જુલાઈ) આગામી 25મી ઓગસ્ટથી શરૂ કરવામાં આવનાર આમરણાંત ઉપવાસની રણનીતિ ઘડવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતની બેઠક મળશે. આ બેઠકમાં હાર્દિક પટેલ સહિતના પાસના આગેવાનો હાજર રહેશે. અમદાવાદના નિકોલ ખાતે આ બેઠક મળશે.
25 ઓગસ્ટથી હાર્દિકના આમરણાંત ઉપવાસ
હાલમાં મંદ પડી ગયેલા પાટીદાર અનામત આંદોલનમાં નવા પ્રાણ ફૂંકવા માટે હાર્દિક પટેલ સહિતના પાસના આગેવાનો આગામી 25મી ઓગસ્ટથી અમરણાંત ઉપવાસ આંદોલન કરશે. આ દરમિયાન વિવિધ માંગણીઓ કરવામાં આવશે. પાસની સૌથી મોટી માંગણી પાટીદારોને ઓબીસીની જેમ અનામત આપવાની રહેશે. આ ઉપરાંત શિક્ષણ અને આરટીઈ અંતર્ગત ગરીબ બાળકોને પ્રવેશનો લાભ ન મળવાના પ્રશ્નો પણ ઉઠાવવામાં આવશે.
સજા છતાં આમરણાંત ઉપવાસ કાર્યક્રમ ચાલુ રહેશે
નોંધનીય છે કે આ જ અઠવાડિયે હાર્દિક પટેલને વિસનગરના ધારાસભ્યની ઓફિસમાં કરવામાં આવેલી તોડફોડના કેસમાં કોર્ટે બે વર્ષની જેલની સજા ફટકારી છે. હાલ તે જામીન પર બહાર છે. વિસનગર કેસમાં સજા મળ્યા બાદ હાર્દિકે જણાવ્યું હતું કે 25મી ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ પર બેસવાનો તેનો કાર્યક્રમ રાબેતા મુજબ ચાલુ જ રહેશે, તેમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે.
25 ઓગસ્ટ જ કેમ?
પાટીદાર અનામત આંદોલનના મંડાણ ઉત્તર ગુજરાતમાંથી થયા હતા. બાદમાં 25મી ઓગસ્ટ, 2015ના રોજ પાસ અને એસપીજી દ્વારા અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વિશાળ રેલી કરવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા. રેલી દરમિયાન લોકોને સંબોધન કરીને હાર્દિક પટેલે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જ સીએમ મળવા ન આવે ત્યાં સુધી ધરણા પર બેસવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન લોકોને ખસેડવા માટે પોલીસે બળપ્રયોગ કર્યો હતો. જે બાદમાં રાજ્યભરમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. રાજ્યમાં ઠેરઠેર થયેલી હિંસામાં 14 જેટલા પાટીદાર યુવકો શહીદ થયા હતા. આ બનાવ બાદ પાટીદાર અનામત આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.