દીપિકા ખુમાણ, અમદાવાદ: ડુંગળીને વીણી વીણીને સારી ડુંગળી અને ખરાબ ડુંગળીને અલગ કરતાં કારીગરો આજે અમદાવાદના ખેતી બજાર સમિતીમાં જોવા મળ્યા. આ એ કારીગરો હતો જેઓ આગામી સમયમાં વેપારીઓને આ ડુંગળી માર્કેટમાં વેચવા આપશે. અમદાવાદના વાસણા ખાતે આવેલાં APMCમાં બુધવારના દિવસે આમ તો 100થી 150 ટ્રક એક હરોળમાં જોવા મળતી હોય છે. પરંતુ આજે સવારે અહી ન તો ટ્રકોની લાઈન લાગેલી જોવા મળી, કે ન તો વેપારીઓની ભીડ.
હરાજી સમયે અહીં જાણે કે કાગડા ઉડી રહ્યા હોય તેવાં દ્દશ્યો સર્જાયા. કારણ હતું ડુંગળીનો ભાવ વધારો. હાલ ડુંગળીનો હોલસેલ ભાવ 35થી 40 રુપિયા છે છૂટક ભાવ ભાવ 80 રુપિયા છે. ગત વર્ષે આ સમયે હોલસેલ ભાવ 25 થી 30 રુપિયા જ્યારે છૂટક ભાવ 40 થી 50 રુપિયા હતો.
કમોસમી વરસાદના કારણે આવક 30 ટકા સુધી ઘટી છે. આ અંગે APMC માર્કેટનાં સેક્રેટરી દિપક પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, નાસિકથી આવતી ડુંગળી વરસાદને કારણે પહોંચી શકી નથી. આજે નાસિકથી 41 જ્યારે સૌરાષ્ટ્રની માત્ર 10 જ ટ્રક આવી હતી. પરિણામે આજે માલની આવકમાં મંદી જોવા મળી.
ડુંગળીને કારણે ગૃહિણીઓ ચિંતામાં માર્કેટમાં માલ આવે તો છે, પરંતુ પૈસા આપતા પણ કચરામાં નાંખી દેવાય તેવી ડુંગળી આવે છે. ગૃહિણીઓનું કહેવું છે કે, હવે તેઓ શાકના વઘારમાં ડુંગળી વગર ચલાવતી લે છે. જો કે આ સાથે તેઓ સામાન્ય વર્ગની ચિંતા કરીને સરકાર સામે અપીલ કરે છે કે હવે ભાવ ઘટે તો સારું, આ અંગે પાલડી વિસ્તારમાંથી શાકભાજી ખરીદતા સાધનાબેનનું કહેવું છે કે, ડુંગળીના વધેલા ભાવને કારણે તેમને ઓછી ડુંગળી ખરીદવી પડે છે.
સપ્ટેમ્બરમાં 50 રુપિયે વેચાતી ડુંગળીનો ભાવ અત્યારે 80 રૂપિયે કિલો હાલ ડુંગળીની આવક 35 ટકા એટલે કે 200થી 250 ટન છે. જે ગત વર્ષે આ સમયે ડુંગળીની આવક 400થી 450 ટન હતી. ડુંગળીના ભાવ એટલાં વધી ગયા છે કે, ગરીબોની કસ્તુરી હવે જાણે કે તેમની પાસેથી છીનવાઈ ગઈ છે. સપ્ટેમ્બર મહિનામાં 50 રૂપિયે કિલો વેચાતી ડુંગળી ઓકટોબર મહિનામાં 60 રૂપિયે વેચાતી હતી. પરંતુ હાલ શાકભાજી માર્કેટમાં ડુંગળીના ભાવ 80 રૂપિયે કિલો વેચાઈ રહી છે. જેની પર નિયંત્રણ લાવવા માટે હવે સરકાર તરફ આમ જનતાની નજર મંડાયેલી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર