Home /News /gujarat /

ફરી એકવાર માણસની મૂર્ખતાને કારણે સિંહને આજીવન કેદ થશે

ફરી એકવાર માણસની મૂર્ખતાને કારણે સિંહને આજીવન કેદ થશે

એશિયાટિક લાયન (ફાઇલ ફોટો)

જો આવી જ રીતે સિંહોને પકડીને ઝૂમાં પૂરીને મારી નાંખવાના હોય, તો શા માટે સરકાર સિંહોનાં સંરક્ષણની વાતો કરે છે ? ગીર અભ્યારણ્ય એશિયાટીક સિંહોનું છેલ્લુ ઘર છે. પણ સિંહોનું આ છેલ્લુ ઘર બળી રહ્યું છે અને ‘નિરો’ વાંસળી વગાડે છે! 

  વિજયસિંહ પરમાર

  ગીર જંગલ અને તેની આસપાસનાં વિસ્તારોમાં વિચરતા એશિયાટીક સિંહો કોઇ ગુનોખોરીથી નહીં પણ માણસની મૂર્ખતાને કારણે પિડાઇ રહ્યા છે. માસણની મૂર્ખતાને કારણે ગીરનાં સિંહોને આજીવન કેદની સજા ભોગવવાનો વારો આવે છે તેનો વધુ એક નમૂનો ગુરુવારે સામે આવ્યો છે.

  બુધવારે મોડી રાત્રે, ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકાનાં ગુજરડા ગામે સિંહે 35 વર્ષનાં એક વ્યક્તિ (રામાભાઇ ચુડાસમા) પર હુમલો કર્યો. આ હુમલમાં વ્યક્તિનું મોત થયું. સિંહે (અથવા સિંહોએ) વ્યક્તિનાં પોણા શરીરને ખાધુ હોય તેવું પણ જણાય છે. મહુવાનાં દરિયાકાંઠે આવેલા રિઝર્વ ફોરેસ્ટ અને બાવળની કાંટીઓમાં છેલ્લા ઘણા વર્ષોથી સિંહો વસવાટ કરે છે.

  આધારભૂત સુત્રો દ્વારા જાણવા મળે છે કે, બુધવારે રાત્રે જ, વન વિભાગનાં ટ્રેકરે રામાભાઇ ચુડાસમાને કાંઠા વિસ્તારમાં ન જવા માટે ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે, આ વિસ્તારમાં સિંહોનો વસવાટ છે એટલે એ વિસ્તારમાં જવુ નહીં પણ તેઓ આ સલાહને માન્યા નહીં હોય તેમ ઘટના પરથી લાગે છે.

  સામાન્ય રીતે સિંહોને છંછેડવામાં ન આવે ત્યાં સુંધી સિંહો માણસો પર હુમલો કરતા નથી એ વાત હવે જગજાહેર છે. પણ સિંહો હિંસક પ્રાણી છે એ વાત કેમ કરીને લોકો ભુલી રહ્યા છે (આ વાતમાં વન વિભાગનો મોટો ફાળો છે) અને અંતે માણસની મૂર્ખતાને કારણે સિંહોને આજીવન જેલની સજા થાય છે. આ કિસ્સામાં પણ હવે (નિયમ પ્રમાણે), વ્યક્તિનું મૃત્યુ થતા, સિંહને પાંજરે પુરવામાં આવશે અને તેને આજીવન કારાવાસ થશે.

  માણસોની ભૂલનાં કારણે નિર્દોષ સિંહોને સજા કેમ ?

  ગુજરાતમાં વન્યપ્રાણીઓ પર એક પછી એક ઘાત પડી રહી છે. વન્યપ્રાણીઓ માટે હાલ વિચિત્ર મેનેજમેન્ટ ચાલે છે. ભૂલ માણસ કરે અને સજા સિહો ભોગવે છે.
  થોડા દિવસો પહેલા જ (નવેમ્બર 29)નાં રોજ ગીર જંગલમાં દેવળીયા સફારી પાર્કમાં સિંહે હુમલો કરતા વન વિભાગનાં કર્મચારીનું (રજનીશ કેશાવાલા) મોત નિપજ્યુ હતું અને અન્ય એક કર્મચારીને ગંભીર ઇજા પહોંચી હતા. (હવે આ ઇજાગ્રસ્ત કર્મચારીની તબીયત સુધારા પર છે). સફારી પાર્ક (એક રીતે પ્રાણીસંગ્રહાલય કહી શકાય)માં કર્મચારીનું સિંહનાં હુમલામાં મોત થાય એ જ દર્શાવે છે કે, કેવી રીતે આપણે વન્યપ્રાણીઓનું મેનેજમેન્ટ કરીએ છીએ.

  આ કિસ્સાની તપાસ કરવા માટે મુખ્ય વન સંરક્ષક (વન્યપ્રાણી-જૂનાગઢ વર્તૃળ) ડી.ટી વસાવડાને સોંપવામાં આવી છે. આ એક સરકારી પ્રક્રિયા છે પણ સફારી પાર્કનાં પ્રોટોકોલ પાળવામાં કચાશ રાખી હોય તો જ આ ઘટના બની હોય તેમાં કોઇ શંકા નથી. માણસની જિંદગી અમૂલ્ય છે એમાં કોઇ બેમત નથી પણ વાઇલ્ડલાઇફ સાયન્સ નામની પણ કોઇ ચીજ હોય છે અને તેના કેટલાક નિયમો હોય છે. આ નિયમો તોડો એટલે સીધા જીવ જતો રહે. છેલ્લા કેટલાક વર્ષોથી વન વિભાગનાં અધિકારીઓનાં શબ્દો એ વાત સાક્ષી પુરે છે કે, સિંહો જોવીની દ્રષ્ટિ આપણી સાયન્સની નહી પણ અતાર્કિક બની ગઇ છે.

  વન વિભાગ દ્વારા “સિંહ એક સામાજીક પ્રાણી છે” આ શબ્દો વારંવાર ઉચ્ચારવામાં આવે છે. આ શબ્દોનું અર્થઘટન ખોટી રીતે થઇ રહ્યું છે અને આપણી આસપાસ રહેતા સિંહોની હાજરીને હિંસક પ્રાણી તરીકે નહીં પણ ‘સામાજીક પ્રાણી’ ની વ્યાખ્યામાં ગણીએ છીએ અને આથી, માણસ પણ જિંદગી ગુમાવે છે અને સિંહોને પણ કારણ વગર આજીવન જેલમાં વિતાવવી પડે છે.

  2015માં પણ નિર્દોષ સિંહને પકડ્યો, અંતે ઝૂમાં મરી ગયો

  2015ના ડિસેમ્બરમાં જૂનાગઢ પાસેનાં સામતપર ગામે પાંચ વર્ષનાં સિંહે હુમલો કરતાં એક મહિલાનું મૃત્ય નિપજ્યુ હતું. આ વિસ્તાર ગીરનાર વન્યપ્રાણી અભ્યારણ્યમાં આવતો હતો. મહિલોનો હુમલો થતા, સિંહને પકડી લેવામાં આવ્યો અને તેને સક્કરબાગ ઝૂમાં મોકલી દેવામાં આવ્યો આ ‘નિર્દોષ’ સિંહને આજીવન કેદની સજા થઇ.

  આ કિસ્સામાં વન વિભાગની તપાસમાં એ હકીકત પણ બહાર આવી હતી કે, મહિલાનું મોત સિંહના હુમલાથી નહીં પણ હ્રદયરોગનાં હુમલાથી થયો હતો. સિંહનાં સ્કેટનાં પૃથ્થક્કરણમાં પણ મહિલા પર હુમલાનાં કોઇ નિશાન મળ્યા નહોતા. આમ છતાં, વન વિભાગે સિંહને જંગલમાં છોડ્યો નહી અને આજીવન કેદની સજા યથાવત રાખી. અંતે, થોડા દિવસો પહેલા જ, આ સિંહનું સક્કરબાગ ઝૂમાં મોત નિપજ્યું.

  સમગ્ર વિશ્વમાં ગીર અભ્યારણ્ય એશિયાટીક સિંહોનું છેલ્લુ ઘર છે. પણ સિંહોનું આ છેલ્લુ ઘર બળી રહ્યું છે અને ‘નિરો’ વાંસળી વગાડે છે!
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Gir Forests, Lions, Wildlife

  આગામી સમાચાર