સામાન્ય રીતે અત્યાર સુધી કોઇપણ પ્રકારની વિકલાંગતા ધરાવનાર વ્યક્તિને આરટીઓ દ્વારા લાઇસન્સ ઇસ્યૂ કરવામાં આવતું ન્હોતું પરંતુ હવે એક આંખ ધરાવતા દિવ્યાંગ વ્યક્તિઓ માટે સારા સમાચાર આવી ગયા છે. એક આંખવાળી વ્યક્તિ પણ હવે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકશે. આરટીઓના નવા નિયમ મુજબ એક આંખ ધરાવતી વ્યક્તિએ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે મેડિકલ બોર્ડ પાસેથી આંખનું વિઝન બરાબર છે તેવું સર્ટિફિકેટ મેળવવું પડશે. તદુપરાંત ડ્રાઇવિંગ ટેસ્ટમાંતી પસાર થવાનું રહેશે. આ વ્યક્તિઓને આરટીઓ દ્વારા માત્ર નોન ટ્રાન્સપોર્ટ વ્હીકલનું લાઇસન્સ આપવામાં આવશે.
વાહન વ્યવહાર વિભાગના નવા નિયમ મુજબ હવે સામાન્ય માણસ જેવી દ્રષ્ટિ ધરાવતી એક આંખવાળી વ્યક્તિ અન્ય વ્યક્તિની મદદ લીધા વિના જાતે વાહન હંકારી મુસાફરી કરી શકશે. અકસ્માત કે અન્ય કોઇ હોનારતમાં કેટલીક વ્યક્તિઓ એક આંખની દ્રષ્ટિ ગુમાવી બેસે છે. એટલું જ નહિં કેટલીક વ્યક્તિઓને જન્મજાત પણ આ પ્રકારની ખામી હોઇ શકે છે. પરંતુ જો તેનું વિઝન બરાબર હોય તો તે સામાન્ય માણસ જેવી જ કાર્યપદ્ધતિ કરી શક્તી હોય છે.
વાહન વ્યવહાર વિભાગ દ્વારા અત્યાર સુધીમાં એક આંખ ધરાવતી વ્યક્તિઓને ડ્રાઇવિંગ લાઇસન્સ ઇસ્યૂ કરવામાં આવતું ન હતું. પરંતુ તાજેતરમાં થયેલા સુધારા મુજબ હવે એક આંખ ધરાવતી વ્યક્તિનું વિઝન બરાબર હશે તો આરટીઓ દ્વારા તેને ડ્રાઇવિંગ લાઇસન્સ ઇસ્યૂ કરવામાં આવશે.
આ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે આ પ્રકારની વ્યક્તિએ મેડિકલ બોર્ડ પાસેથી વાહન ચલાવવા માટે તેની દ્રષ્ટિ બરાબર છે તેવું સર્ટિફિકેટ એકવાર મેળવી લે તે સાથે જ આરટીઓ વિભાગ તેને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે મંજૂરી આપશે. આ પ્રકારના નિર્ણયનથી હવે એક આંખની જ દ્રષ્ટિ હશે તો પણ તે વાહન ચલાવવા માટે સક્ષમ બની રહેશે તે કોઇની પર આધારિત નહીં રહે.