Home /News /gujarat /હવે BJP MLA રાકેશ શાહ પ્રજાલક્ષી પ્રશ્નોને લઈ મેદાનમાં, AMC સામે ઉઠાવ્યા સવાલ
હવે BJP MLA રાકેશ શાહ પ્રજાલક્ષી પ્રશ્નોને લઈ મેદાનમાં, AMC સામે ઉઠાવ્યા સવાલ
એલિસબ્રિજ ધારાસભ્ય રાકેશ શાહ (ફોટો - ટ્વીટર)
બી.આર.ટી.એસ. રૂટ વધી રહેલા અકસ્માતોને લઇ કોરિડોરના રૂટ પર બસની સ્પીડ કંટ્રોલ કરવા માટે સ્પીડ બ્રેકર લગાવવાની એ.એમ.સીમાં રજુઆત કરવા છતાં મહાનગર પાલિકાના સત્તાધિશોએ સ્પીડ બ્રેકર લગાવવાની તસ્દી લીધી નથી
હિતેન્દ્ર બારોટ, અમદાવાદ: ગુજરાત બીજેપીના સિનિયર નેતા અને અમદાવાદ બીજેપીના પ્રભારી આઈ. કે. જાડેજાએ અમદાવાદના એસપી રિંગ રોડ પર પડેલા ખાડાઓને લઇ ટવિટ કરતા જ ધોર નિંદ્રામાં ઊંઘી રહેલું ઔડાનું તંત્ર હરકતમાં આવી ગયું હતું. હવે બીજી તરફ આઈ. કે. જાડેજા બાદ બીજેપીના MLA રાકેશ શાહ પ્રજા લક્ષી પ્રશ્નોને લઇ મેદાનમાં આવ્યા છે. તેમણે બી.આર.ટી.એસ. રૂટ વધી રહેલા અકસ્માતોને લઇ કોરિડોરના રૂટ પર બસની સ્પીડ કંટ્રોલ કરવા માટે સ્પીડ બ્રેકર લગાવવાની એ.એમ.સીમાં રજુઆત કરવા છતાં મહાનગર પાલિકાના સત્તાધિશોએ સ્પીડ બ્રેકર લગાવવાની તસ્દી લીધી નથી. સામાન્ય રીતે બીજેપીના ધારાસભ્ય કે એમપી કે હોદ્દેદારો મીડિયામાં તેમના પ્રશ્નોને ઉઠાવવાનું ટાળતા હોય છે. ત્રણ વર્ષ કરતા વધુ સમયથી બીજેપીના ધારાસભ્ય તંત્રને પ્રજાના પ્રશ્નોની રજુઆત કરતા રહે છે, પણ તંત્રના બહેરા કાન સંભળાતા જ નથી. સત્તાધારી પક્ષના ધારાસભ્યોની આ હાલત છે તો પ્રજાની તંત્ર આગળ શું હાલત હશે તે સમજી શકાય છે.
બીજેપીના રાજમાં પ્રજાના પ્રતિનિધિઓ કરતા અધિકારીઓને વધુ મહત્વ આપવામાં આવે છે. તે બે દિવસ દરમ્યાન બનેલ ઘટના પરથી સમજી શકાય છે. પૂર્વ શહેરી વિકાસ પ્રધાન અને અમદાવાદના પ્રભારી આઈ. કે. જાડેજાએ એસ.પી. રિંગ રોડ પર આવેલ રસ્તાઓમાં પડેલ ખાડાઓને લઇ ટ્વિટ કરવું પડે તે કેટલી કમનસીબ બાબત છે. જોકે, આઈ. કે. જાડેજાની ટ્વિટ કર્યાના ગણતરીના કલાકો બાદ ઔડાનું તંત્ર દોડતું થઇ ગયું હતું. આઈ. કે. જાડેજા બાદ હવે એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહે પણ બીજેપીની લાઈનથી પર જઈને પ્રજા હીત માટે તંત્ર સામે તલવાર ખેંચી છે.
તેમણે ન્યુઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેમણે બીઆરટીએસ રૂટમાં વધી રહેલા અકસ્માતોને લઇને વર્ષ 2016માં અમદાવાદ મહાનગર પાલિકામાં સ્પીડ બ્રેકર કે બમ્પ લગાવવામાં આવે તેવી રજુઆત કરી છે. આ બાબતે અનેક વખતે રજુઆત કરવા છતાં તેનું કોઈ જ પરિણામ આવ્યું નથી.
મહત્વની વાત તો એ છે કે, મહાનગર પાલિકા, રાજય અને કેન્દ્ર સહીત તમામ જગ્યાએ બીજેપી સત્તાસ્થાને હોવા છતાં બીજેપીના હોદ્દેદારોને અધિકારીઓ ગણતા નથી. ત્યારે પ્રજાના મતોથી ચૂંટાયેલા પ્રતિનિધિઓની પ્રજાના હિત માટે લડતા સમયે આવી હાલત છે તો પ્રજાની શું સ્થિતિ હશે તે સમજી શકાય છે.
સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે જે પ્રકારે બીજેપીના સિનિયર નેતા આઈ કે જાડેજા અને સિનિયર ધારાસભ્ય રાકેશ શાહ તંત્રની કામગીરીને લઇ સવાલો ઉઠાવી રહ્યા છે એજ બતાવે છે જે ગુજરાત બીજેપીમાં અંદર ખાને અધિકારીઓના રાજ સામે ભારે અસંતોષ પ્રવતિ રહ્યો છે. આ અધિકારીઓ સામેનો રોષ છે કે પછી કોંગ્રેસમાંથી આવી રહેલા પક્ષ પલટુઓને બીજેપી સરકારમાં મળી રહેલા પ્રધાન પદનો રોષ છે કે, પછી રાજય સરકારના મુખિયા ગણાતા રૂપાણી સરકારની કાર્યનીતિ સામે અવાજ છે કે, પછી બળવાની ચિનગારી છે, તે તો આવનારો સમય જ બતાવશે.