અમદાવાદઃ વર્ષ 1996માં થયેલા ધોતિકાંડમાં આજે વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવિણ તોગડિયા મેટ્રો કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટે તેમના સહિત 39 લોકો સામેનું બિન જામીનપાત્ર વોરંટ રદ કર્યું હતું. કોર્ટમાંથી બહાર આવ્યા બાદ પ્રવિણ તોગડિયાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, 'મારા પર ખોટો રાજકીય કેસ કરવામાં આવ્યો હતો. હું નિર્દોશ હતો. મને ખોટી રીતે આ કેસમાં સંડોવી દેવામાં આવ્યો હતો. આ ઘટના સાથે મને કોઈ લેવા-દેવા નથી. હિન્દુઓનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. મારી ધરપકડ કરીને મને જેલમાં નાખવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.'
કોર્ટમાં ભારે સુરક્ષા
તોગડિયા, બાબુ જમના સહિતના આગેવાનો મેટ્રો કોર્ટમાં હાજર રહેવાના હોવાથી કોર્ટેમાં ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કોર્ટેમાં ગયા પહેલા તોગડિયાએ કહ્યું હતું કે, 'આજે હું કોર્ટમાં હાજર રહીશ. હું કોર્ટનું સન્માન કરું છે. આ કેસમાં પોલીસે મને સમન્સ જ નથી આપ્યું.'
શું છે ધોતિકાંડ?
વર્ષ 1996માં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતા આત્મારામ પટેલનું ધોતિયું ખેંચીને તેમને માર મારીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભાજપ નેતા હોવા છતાં શંકરસિંહ વાઘેલાના બળવાના સમયે આત્મારામ પટેલ બાપુના સમર્થનમાં જતા રહ્યા હતા. જેના ગુસ્સામાં વર્ષ 1996માં એક જાહેર સંમેલનમાં આત્મારામ પટેલનું ધોતિયું ખેંચીને તેમને માર મારવામાં આવ્યો અને તેમની હત્યાનો પ્રયાસ પણ કરાયાની ફરિયાદ જગરુપ સિંહ રાજપુત દ્વારા કરાવામાં આવી હતી. આ કેસમાં 21 વર્ષ બાદ 39 આરોપીઓ સામે બિન જામીનપાત્ર વોરંટ ઇશ્યૂ કરવાનો આદેશ થયો હતો.