ડ્રાઈવિંગ લાયસન્સ રિન્યૂ કરાવવા હવે વાહનચાલકોએ એનઓસી નહીં આપવું પડે. માર્ગ પરિવહન મંત્રાલયે દેશના તમામ રાજ્યોના આરટીઓને આ અંગે લેખિતમાં સૂચના આપી દીધી હતી. તેમાં કહેવાયું છે કે, સારથિ સોફ્ટવેરના અપડેટ વર્ઝનમાં હવે બધી જ જાણકારી ઓનલાઈન મળી જશે.
રિન્યૂ કરાવવાના આવેદન પછી કમ્પ્યુટર જ તમામ માહિતી પ્રમાણિત થઈ જશે. નવા નિયમ અંતર્ગત લાયસન્સમાં ઘરનું સરનામું બદલનારાને પણ એનઓસીમાં રાહત આપવામાં આવી છે. હાલના નિયમ પ્રમાણે, 50 વર્ષની વય પછી દર પાંચ વર્ષે રિન્યૂઅલ કરાવવું ફરજિયાત છે. આ દરમિયાન તમામ વાહન ચાલકો પાસે પાછલા લાયસન્સની જાણકારી સહિત એનઓસી પણ જમા કરાવવું પડતું હતું.
દેશમાં આશરે 12 કરોડ લાયસન્સધારક છે, જેમાંથી સાતથી આઠ ટકા એટલે કે 90 લાખ લોકો લાઈસન્સ રિન્યૂ કરાવે છે. તો બીજી બાજુ મોટાભાગના લોકો RTOના ધક્કા ખાવાનું ટાળી લાયસન્સ રિન્યૂ કરાવવાની આળસ કરતાં હોય છે. ત્યારે RTOના નવા નિયમથી વાહનધારકોને ફાયદો થશે.