ન્યૂઝ18 ગુજરાતીઃ દેશની સર્વોચ્ચ તપાસ સંસ્થા સીબીઆઈમાં જ કૌભાંડ થયાના આક્ષેપો બાદ આખો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. આ કેસમાં સીબીઆઈના એક અધિકારી મનિષસિંહાએ આક્ષેપ લગાવ્યો કે ગુજરાતના વિપુલ ઠક્કર નામના એક વ્યક્તિ મારફતે ભાજપના વર્તમાન સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીને રૂ. બે કરોડની લાંચ પડોંચાડવામાં આવી હતી. અધિકારીએ સુપ્રીમ કોર્ટમાં ફાઇલ કરેલી પિટિશનમાં આ વાત કહી હતી. નવાઈની વાત એ છે કે હરિભાઈ ચૌધરી અને ત્યાર બાદ ગુજરાતના મતસ્યદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકીના અંગત મદદનીશનું નામ સામે આવવા છતાં ભાજપ તરફથી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આ મુદ્દે પીએમ મોદીથી લઈને ગુજરાતના સીએમ સુધી તમામ નેતાઓએ હાલ ભેદી મૌન સેવી લીધું છે.
બીજી તરફ એવી ચર્ચા જાગી છે કે નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી પહેલા પ્રચારમાં અનેક વખત ભાષણમાં કહ્યું હતું કે અમારી સરકાર આવતા જ અમે દાગી નેતાઓને હાંકી કાઢીશું. ચાર વર્ષ વીતી ગયા છે, હમણા પાંચ વર્ષ પૂરા થશે અને નવી ચૂંટણી પણ આવી જશે, પરંતુ આ દાગી નેતાઓ સામે ક્યારે કાર્યવાહી થશે તેની રાહ જોવાઈ રહી છે. જોકે, હરિભાઈ ચૌધરી પહેલા એવા ગુજરાત ભાજપના નેતા કે સાંસદ નથી જેમનું નામ કૌભાંડ, મારામારી કે ફાયરિંગ જેવા ગુનાઓમાં આવ્યું ન હોય. આ લિસ્ટ ખૂબ જ લાંબુ છે.
ગુજરાતના સાંસદોની જ વાત કરીએ તો, ગુજરાતના સાંસદ તેમજ કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી ગુજરાતીઓના નાણાં ડૂબાડનારી માધવપુરા બેંકના આરોપીઓની વકીલાત કરી ચુક્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું નામ ફાયરિંગ અને ધાકધમકી આપવાના કેસમાં આવી ચુક્યું છે. હાલના મંત્રી તેમજ સાંસદ પરસોત્તમ સોલંકીનું નામ 400 કરોડના મતસ્યકૌભાંડમાં આવી ચુક્યું છે. ચૂંટણી વખતે એક વીડિયો વાયરલ થયો હતો જેમાં વર્તમાન સાંસદ મોહન કુંડારિયા બાળકોની પીઢ પર ચાલતા જોવા મળ્યા હતા. હાલના કેન્દ્રીય મંત્રી તેમજ ગુજરાતમાંથી સાંસદ સ્મૃતિ ઈરાનીનું નામ બોગસ ડીગીકાંડમાં ચમકી ચુક્યું છે. પંચમહાલના સાંસદ પ્રભાતસિંહનું નામ માફિયાગીરી અને બુટલેગરો સાથે સંબંધ રાખવામાં ચમકી ચુક્યું છે. આ યાદી ખૂબ હજી પણ ખૂબ લાંબી છે.
લોકસભાની ચૂંટણી નજીકમાં જ આવી રહી છે ત્યારે ભાજપના નેતાઓના કૌભાંડો અને અસ્વચ્છ છબિનો ફાયદો કોંગ્રેસ ચૂંટણી પ્રચાર દરમિયાન ઉઠાવી શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગુજરાત કોંગ્રેસે ભાજપના કલંકિત સાંસદોની યાદી જાહેર કરી હતી, પંરતુ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું શું સ્ટેન્ડ રહેશે તો જોવાનું રહ્યું. કોંગ્રેસના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ભાજપના શાસનમાં જમીન વિકાસના નિગમમાં, તલાટીની ભરતી કરવામાં કૌભાંડ આચરવામાં આવ્યું છે. એટલું જ નહીં ચાર હજાર કરોડનું મગફળી કૌભાંડ પણ આચરવામાં આવ્યું છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર