Home /News /gujarat /

રાજકીય ગરબા પુનઃ શરુ: 'વાઇબ્રન્ટ' પોસ્ટરમાંથી નીતિન પટેલ ગાયબ, રૂપાણી નૈતિકતાની એરણે!

રાજકીય ગરબા પુનઃ શરુ: 'વાઇબ્રન્ટ' પોસ્ટરમાંથી નીતિન પટેલ ગાયબ, રૂપાણી નૈતિકતાની એરણે!

વિજય રૂપાણી, નીતિન પટેલ

જોકે, 'વાઇબ્રન્ટ નવરાત્રિ' ના આમંત્રણ પત્રિકામાં નીતિનભાઈનું નામ મુખ્ય અતિથિ તરીકે છે એટલે એ વાતનો તેઓ આનંદ લઇ શકે છે!!!

  ન્યૂઝ18 ગુજરાતી: ગુજરાતનું રાજકારણ શાંત રહ્યું છે, ક્યારેય? રાજકીય કાવાદાવા, જ્ઞાતિ-જાતિ, હજૂરિયા-ખજુરિયા, ગોધરા-અનુગોધરા, અનામત-બિનઅનામત અને હવે ગુજરાતી-બિનગુજરાતીના મામલે ફરી એક વખત રાજ્યનું રાજકારણ ગરમાયુ છે.

  આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. 'ઉત્સવ પ્રિય જનાઃ' એ તો ખબર નથી પરંતુ "ઉત્સવ પ્રિય સરકાર" તો આપણા રાજયના મામલામાં નકારી શકાય તેમ નથી! 'વાઇબ્રન્ટ ગુજરાત' નવરાત્રિ મહોત્સવ આજથી શરુ થઇ રહ્યો છે ત્યારે ફરી એક વખત ગુજરાત સરકારની જાહેરખબરો અને હોર્ડિંગ્સમાંથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ફોટો ગાયબ હોઈ, રૂપાણી-નીતિન પટેલ વચ્ચેના 'શીત યુદ્ધ' જેવું કશુંક રંધાતુ હોવાનું લોકમુખે ચર્ચાય છે!

  હા, 'વાઇબ્રન્ટ નવરાત્રિ' ના આમંત્રણ પત્રિકામાં નીતિનભાઈનું નામ મુખ્ય અતિથિ તરીકે છે એટલે એ વાતનો તેઓ આનંદ લઇ શકે છે!!!

  વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવની જાહેરખબરમાં પીએમ મોદી અને સીએમ રૂપાણીનો ફોટો છે પરંતુ ગુજરાત સરકારના નંબર-2 પર ગણાતા નીતિન પટેલનો ફોટો નથી. અગાઉ પણ રૂપાણી સરકારમાં અનેક વખત નીતિન પટેલનો ફોટો ગાયબ કરી દેવામાં આવ્યો હતો.

  પોસ્ટરમાંથી નીતિન પટેલ ગાયબ


  સીએમ અને નીતિન પટેલ વચ્ચે આંતરિક મતભેદ વચ્ચે જાહેરખબરમાંથી નીતિન પટેલનો ફોટો ગાયબ થઈ જતા ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગુજરાતમાં આનંદીબેન પટેલના રાજીનામાં બાદ સીએમ પદે નીતિન પટેલને બેસાડવા માટેની તૈયારીઓ થઈ ગઈ હતી પરંતુ છેલ્લી ઘડીએ નીતિન પટેલને બાજૂ પર રાખી વિજય રૂપાણીને સીએમ બનાવી દેવામાં આવ્યા હતા ત્યારથી સીએમ રૂપાણી અને નીતિન પટેલ વચ્ચે ‘કોલ્ડ વૉર’ ચાલતી હોવાનો ભાજપના કાર્યકરો અને નેતાઓ માની રહ્યાં છે.

  આ ઓછું હોય તેમ ઠાકોર સેના અને અલ્પેશ ઠાકોર ઉપર પરપ્રાંતિયો ઉપરના હુમલાના મામલે નીતિનભાઈએ સીધા જ આક્ષેપો કરતા નીતિનભાઈની રાજકીય મહત્વાકાંક્ષાઓ ઉપર ફરી એક વખત ધ્યાન ગયું છે. એટલું જ નહિ, આજે 'ઓબીસી-ઠાકોર એકતા મંચ' દ્વારા પ્રેસ કોન્ફેરન્સ કરી નીતિન પટેલ ઉપર પ્રાંતવાદનું ઝેર ઓકવાનો વળતો આક્ષેપ કરવામાં આવ્યો. તેમણે મુખ્યમંત્રી બનવાના અભરખા હોવાના કારણે નીતિનભાઈ આમ કરી રહ્યા હોવાનું પણ સ્પષ્ટ કર્યું હતું.

  આ સાથે એક એવી ચર્ચા પણ ચાલી રહી છે કે, રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનના મુદ્દે ભાજપની છબી ખરડાતાં આનંદીબેન પટેલે નૈતિકતા દાખવીને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. હાલની પરિસ્થિતિમાં પરપ્રાંતીયોના મુદ્દે ભાજપની છબી અને ગુજરાતની પ્રતિષ્ઠા દેશભરમાં ખરાડાઇ છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીમાં પણ નૈતિકતાના ધોરણે રાજીનામુ આપશે?

  ના, કદાચ એવું થાય. નીતિનભાઈના ગ્રહો નબળા ચાલી રહ્યાં છે. થોડા સમય પહેલા ‘તખ્તો’ ગોઠવાઈ ગયો હતો ત્યારે હાર્દિક પટેલ બકવાસ કરીને રૂપાણીજીને બચાવી ગયો. હવે ખુદ નીતિનભાઈ બેફામ બોલીને વિજયભાઈને બચાવી લેશે. 'એડવાન્ટેજ રૂપાણી'!!
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Cold War, Deputy cm, Gujarat Government, Navratri, Vijay Rupani, ગુજરાત, નિતિન પટેલ, સીએમ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन