અમદાવાદ: શહેરના પોષ વિસ્તાર એવા વસ્ત્રાપુરમાં (Vastrapur) એક ફ્લેટમાં રહેતા પાડોશીઓ વચ્ચે બબાલ થઈ હતી. બને પરિવારના સંતાનો રોજ રમવા ભેગા થતા અને એક બાળકે એક બાળકીને મારી હોવાના આક્ષેપ સાથે આ મામલો વણસ્યો હતો. સમગ્ર બાબતે બને પરિવારની ક્રોસ ફરિયાદ (police complain) લઈ પોલીસે તપાસ શરૂ કરી છે. જેમાં એક મહિલાની ફરિયાદ લેવામાં આવી અને તપાસ કરાઈ તો આરોપી અન્ય કોઈ નહિ પણ આ જ પોલીસ સ્ટેશનના (police station) જુના અગાઉના અધિકારીઓનો વહીવટદાર હતો તેનો જ એકદમ નજીકનો સંબંધી નીકળ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ સમગ્ર બાબતે ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસબેડાની (Ahmedabad police) ચર્ચા મુજબ એક ફરિયાદ જે યુવક સામે કરાઈ છે તેનો આ ફ્લેટમાં ત્રાસ હોવાથી લોકો ત્રાસી ગયા છે. આટલું જ નહીં, વહીવટદાર એવો પોલીસકર્મી જાણે કે તેનો મામા હોય તેમ તેના નામ પર કુદે છે અને લોકોના નાકે દમ લાવી દીધો છે.
બોડકદેવમાં આવેલા એક ફ્લેટમાં 35 વર્ષીય પરિણીતા રહે છે. તેઓને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. તેઓની નાની દીકરી શનિવારે ફ્લેટમાં નીચે રમીને આવી અને બાદમાં સુઈ ગઈ હતી. આ મહિલાએ જોયું તો તેને તાવ આવી ગયો હતો. જેથી તેને પૂછતાં તેણે કહ્યું કે, ફ્લેટમાં રહેતા એક 10 વર્ષીય બાળકે તેને માર માર્યો હતો. જેથી મહિલા આ બાળકના ઘરે ગયા અને તેની માતા સાથે વાત કરતા હતા ત્યારે બાળકનો પિતા આવેશમાં આવી ગયો અને તે આ મહિલા સાથે બબાલ કરવા લાગ્યો હતો. બાળકના પિતાએ મહિલાનો હાથ પકડી ચોથા માળેથી ખેંચી ફ્લેટમાં લાવ્યો અને થાપા પર હાથ ફેરવી ગાડીમાંથી લાકડી જેવું હથિયાર કાઢી મહિલાને મારી હતી.
બાદમાં મહિલાને નગ્ન કરી ઈજ્જત લૂંટી ફ્લેટમાં બધા સામે લઈ જઈશ તારા પતિને જ્યાં સંતાડવો હોય ત્યાં સંતાડી રાખજે તેવી ધમકી આપી હતી. જેથી મહિલાએ આ મામલે પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. એક ચર્ચા મુજબ, આ મહિલાએ નોંધાવેલી ફરિયાદના આરોપી આ જ વસ્ત્રાપુર પોલીસસ્ટેશનના અગાઉના વહીવટદાર કે જે તમામ કામોમાં "યશ" મેળવતા હતા તેઓનો નજીકનો સંબંધી થાય છે અને તે વહીવટદારના લીધે જ તે ફ્લેટમાં લોકો પર રોફ પણ જમાવે છે અને આરોપી કોઈ રોડ પર ઉભા રહી સામાન્ય ટીઆરબીની જેમ નોકરી કરતો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
છતાંય, તેના નજીકના સંબંધી એવા વહીવટદાર કે, જેણે અનેક લોકોને ડૂબાડયા છે અને અનેક લોકોની ઈજ્જત નિલામ કરી છે તેના નામે ચરી ખાય છે. અગાઉ આ જ વહીવટદારની એક તોડ કાંડમાં ઇન્કવાયરી થઈ હતી અને કડક પગલા પણ લેવાયા હતાં. જેથી તેની હિંમત હવે ઓછી થઈ જતા તેના સબંધીએ હિંમત વધારી મહિલાઓ પર અત્યાચાર શરૂ કરી દીધા હોય તેવો ઘાટ ઘડાયો છે.
તો પોલીસે આ અંગે બીજી પણ એક ફરિયાદ નોંધી છે. જેમાં પહેલી ફરિયાદ ના આરોપીની પત્નીએ તે ફરિયાદ નોંધાવનાર મહિલા ફરિયાદી સામે ફરીયાદ નોંધાવી છે. તેઓનો આક્ષેપ છે કે મહિલા તેમના ઘરમાં અપ પ્રવેશ કરી તેમના પુત્રએ પોતાની પુત્રીને મારી હોવાનું કહી ઝગડો કર્યો હતો અને બાદમાં લાફા મારી ચોથા માળેથી નીચે ફેંકી દેવાની ધમકી આપી હતી. સાથે જ પતિને ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી હતી. સમગ્ર બાબતે બને પક્ષના લોકોની પોલીસે સામસામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.