Home /News /gujarat /

એક ખાસ કારણથી ચર્ચામાં છે અમદાવાદનો દોઢ વર્ષનો પંકજ ખાન!

એક ખાસ કારણથી ચર્ચામાં છે અમદાવાદનો દોઢ વર્ષનો પંકજ ખાન!

પંકજ ખાન

ગંભીર બીમારીની સારવાર બાદ ડોક્ટર પંકજની સેવાથી ખૂશ થઇને ઝફરખાન અને તેમના પરિવારે તેમના બાળકનું નામ પંકજ ખાન રાખ્યું છે.

    અમદાવાદઃ શેક્સપિયરે કહ્યું છે કે નામમાં શું રાખ્યું છે, ત્યારે અમદાવાદમાં એક બાળકનું નામ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. બાળકનું નામ છે પંકજ ખાન! અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં રહેતા એક રીક્ષા ચાલક ઝફર ખાને પોતાના બાળકનું નામ રાખ્યું છે પંકજ ખાન. પંકજ ખાન નામ પાછળ એક ભાવાત્મક અને રસપ્રદ કહાણી જોડાયેલી છે.

    આજે દોઢ વર્ષનો પંકજ ખાન સમગ્ર અમદાવાદમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. વાત એમ છે કે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા કિડની વિભાગમાં સેવા આપતા ડોક્ટર પંકજ શાહના નામ પરથી આ બાળકનું નામ રાખવામાં આવ્યું છે. ગંભીર બીમારીની સારવાર બાદ ડોક્ટર પંકજની સેવાથી ખૂશ થઇને ઝફરખાન અને તેમના પરિવારે તેમના બાળકનું નામ પંકજ ખાન રાખ્યું છે.

    ડોક્ટર્સને ધરતી પરના ભગવાન ગણવામાં આવે છે. ડોક્ટર્સની સેવાથી ખુશ થઇ કોઈ દર્દીએ આ પ્રકારનું કામ કર્યું હોય તેવો આ કદાચ પહેલા બનાવ છે. જ્યાં એક મુસ્લિમ પરિવારે પોતાના બાળકનું નામ હિન્દુ અને તે પણ ડોક્ટરના નામ પરથી રાખ્યું હોય.

    શાહઆલમ વિસ્તારમાં રહેતા ઝફરખાનની પત્ની સમીમાબાનુ છેલ્લા આંઠ વર્ષથી વધુ સમયથી એસ.એલ.ડી. એટલે કે સિસ્ટમિક લૂપ્સ એરિયોમેરોસિસ નામની બીમારીથી પીડાતી હતી. જેમાં લૂપ્સ નેફરાઈટીઝને કારણે સમીમાબાનુના અંગોને નુકશાન થતું હતું. જેના કારણે તેના ત્રણ બાળકો જન્મજાત રોગના કારણે માત્ર ગણતરીના મહિનાઓ મૃત્યુ પામતા હતા. આખરે આ પરિવાર સિવિલ કિડની વિભાગમાં ડો.પંકજ શાહ પાસે ગયો અને પંકજ શાહ દ્વારા સમીમાબાનુની સારવાર કરવામાં આવી.

    ડોક્ટર પંકજ શાહ


    અંદાજે 10 હજાર લોકોએ એક વ્યક્તિને થતો આ રોગ પુરુષ કરતા સ્ત્રીઓને નવ ગણો વધારે થતો હોય છે. આ રોગ લુપ્સ નેફરાઈટીઝના લક્ષણો એકદમ સામાન્ય હોવાના કારણે જલ્દી ખબર પડતા નથી. અને જ્યારે ખબર પડે છે ત્યારે ઘણું મોડું થઇ જાય છે. લૂપ્સ નેફરાઈટીઝની જાણકારી માટે એ.એન.એ. એટલે કે એની ન્યૂક્લિયર એન્ટિબોડીઝ અથવા એન્ટી ડી.એસ.ડી.એન.એ. એટલે કે ડબલ સ્ટાન્ડર્ડ એન.એન.એ. રિપોર્ટ કાઢવો પડે છે.

    લૂપ્સ નેફરાઈટીઝની દર્દી સમીમાબાનુ કહે છે કે ડોક્ટરનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. પહેલા ત્રણ બાળકોનાં મોત થયા છે ત્યારે આ ચોથું બાળક ડોક્ટરની મહેરબાની અને સારવારના કારણે બચી ગયું છે.

    પરિવાર સાથે પંકજ ખાન


    પોતાની પત્નીની બીમારીને લઈને ઝફરખાને અનેક દવાખાનાઓ અને ડોક્ટર્સના ચક્કર લગાવ્યા હતા. જોકે, પરિસ્થિતિ ઠેરની ઠેર રહેતી હતી. આખરે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ કિડની વિભાગમાં ડો.પંકજ શાહ પાસે જતા તમામ સમસ્યાઓનું નિરાકરણ મળ્યું હતું.

    પંકજ ખાન




    કહેવાય છે કે દુનિયામા કોઈના ચહેરા પર ખુશી લાવીને જે આનંદ મળે છે તે બીજી કોઈ વસ્તુમાંથી નથી મળતો. ડો. પંકજ શાહે એક ગરીબ મહિલાની સારવાર કરી તેના પરિવારના ચહેરા પર ખુશી આપી છે તો બીજી તરફ પરિવારજનોએ પણ બાળકનું નામ પંકજ ખાન રાખી ડો. પંકજ શાહનો આભાર માન્યો છે.

    સ્ટોરીઃ હિમાંશુ વોરા, અમદાવાદ
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Muslim Family, અમદાવાદ સિવિલ હોસ્પિટલ

    આગામી સમાચાર