ગુજરાતના ચર્ચાસ્પદ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસને પોલીસે ઉકેલી લીધો છે. હત્યા કરનાર શાર્પશૂટરોને પોલીસે દબોચી લીધા છે. CID DG આશિષ ભાટીયાએ કેસ મુદ્દે સમગ્ર ખુલાસો કરતા કહ્યું કે, ઝડપાયેલા શાર્પશૂટરો પાસેથી કેસ મુદ્દે કેટલીએ મહત્વની માહિતી બહાર આવી છે. તેમણે કહ્યું કે, આરોપીઓની કબુલાત અનુસાર, છબીલ પટેલે ભાનુશાળીની હત્યા માટે સોપારી આપી હતી, આની માટે 30 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા.
ડીજી ભાટીયાએ કહ્યું કે, છબીલ પટેલને પોતાના કેટલાક માણસો પુનામાં હતા તેમના દ્વારા શશીકાન્તનો સંપર્ક થયો હતો, હત્યાના બે મહિના પહેલા છબીલ પટેલે આ શાર્પશૂટરો સાથે મુંબઈમાં મીટિંગ કરી. શશીકાન્ત પુનાથી અમદાવાદ બસમાં ત્રણ વખત આવ્યો હતો. છબીલ પટેલે શશીકાન્તને પહેલા ભાનુશાળીનું ઘર બતાવ્યું, પરંતુ ઘર ગીચ વિસ્તારમાં હોવાથી અહીં હત્યા કરવી પોસીબલ ન હતી. ત્યારબાદ ટ્રેનમાં હત્યા કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો.
ડીજી આશિષ ભાટીયાએ વધુ માહિતી આપતા કહ્યું કે, છબીલ પટેલે આરોપીને રેલ્વે સ્ટેશન અને નારણ ફાર્મ બતાવ્યું, શાર્પશૂટર અહીં રેકી કર્યા બાદ પુના ગયો. પછી ત્રીજી વખત તે અમદાવાદ આવ્યો અને કામ ભુજથી સામખીયાળી સુધીમાં પુરૂ કરવાનું કહેવામાં આવ્યું. શશીકાન્તે આ ટ્રેનમાં બેસી પહેલા રેકી કરી, કોચના દરવાજા ક્યારે બંધ થાય છે, ક્યારે દરવાજા ખુલે છે, તેમ બધી રેકી કરી.
ડીજીએ કહ્યું કે, આખરે 27 ડિસેમ્બરે છબીલ પટેલે શાર્પ શૂટર શશિકાન્તને બોલાવ્યો, આની માટે અશરફે હથીયારની વ્યવસ્થા કરી આપી. 27 ડિસેમ્બરે શશીકાન્ત આવ્યો અને 7થી 8 દિવસ ભુજમાં રહ્યો. પહેલા 31 ડિસેમ્બરે કામ કરવાનું હતું, પરંતુ કોઈ માહિતી ન મળતા કામ ન કર્યું. આરોપી અનુસાર, એડવાન્સમાં છબીલ પટેલે 5 લાખ રૂપિયા હતા, જેમાંથી હથિયાર ખરીદવામાં આવ્યું. બાઈકની વ્યવસ્થા છબીલ પટેલે કરી હતી.
સમગ્ર પ્લાન બનાવ્યા બાદ હત્યા દિવસે બંને શાર્પશૂટર ટ્રેનમાં પહોંચી ગયા અહીં જયંતિ ભાનુશાળીની ઓળખ કર્યા બાદ ટ્રેનના ટોયલેટમાં ગન લોડ કરવામાં આવી. અને પ્રથમ ફાયરિંગ અશરફે કર્યું હતું. ત્યારબાદ બંને શાર્પશૂટર હત્યાને અંજામ આપ્યા બાદ ટ્રેનનું પૂલિંગ કર્યું હતું અને નિર્ધારિત રસ્તેથી ફરાર થઇ ગયા હતા.