કેન્દ્ર સરકારે પાટિદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલની 'Y'કક્ષાની સુરક્ષા પરત ખેંચી લીધી છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતની ચૂંટણી વખતે તેને આ સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. એ વખતે કેન્દ્ર સરકારે ઇન્ટેલિજન્સ રિપોર્ટના આધારે હાર્દિકને જીવનું જોખમ હોવાનું ગણાવી વાય કક્ષાની સુરક્ષા આપી હતી. સુરક્ષા પરત ખેંચવામાં આવ્યા બાદ હાર્દિકે આ અંગે ટ્વિટર પર પોતાની પ્રતિક્રિયા આપતા લખ્યુ હતું કે, 'જોઈએ હત્યાનો પ્લાન છે કે પછી ફરી જેલમાં મોકલવાની તૈયારી છે. હું તો કર્મ કરું છું, સારું કે ખરાબ જે હોય તે ફળ મને જ મળે છે.'
રિપોર્ટ્સ પ્રમાણે સુરક્ષા કવચ અંગે ફેરવિચારણા દરમિયાન સરકારે હાર્દિક પટેલની સુરક્ષા હટાવી લેવાનો નિર્ણય કર્યો છે. હાર્દિકને નવેમ્બર 2017માં સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા અહેવાલ પ્રમાણે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા કવચ અંગે પુનર્વિચાર કર્યા બાદ ગૃહમંત્રાલયે સીઆઈએસએફને હાર્દિક પટેલની સુરક્ષા હટાવી લેવા અંગે એક પત્ર લખ્યો હતો. રિપોર્ટ પ્રમાણે અમદાવાદ શહેર અને ગ્રામ્ય પોલીસને એવી સૂચના આપવામાં આવી છે કે હાર્દિકને જોખમ અંગે સમિક્ષા કરવામાં આવે અને જરૂર પડે તો તેને સ્થાનિક સ્તરે પોલીસનું રક્ષણ પૂરું પાડવામાં આવે.
નોંધનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા 'Y'કક્ષાની સુરક્ષા આપવામાં આવ્યા બાદ હાર્દિક પટેલે શરૂઆતમાં સુરક્ષા લેવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ નવેમ્બરમાં તેના જીવને જોખમ હોવાના ઇન્ટેલિજન્સ રિપોર્ટ બાદ તેણે સુરક્ષા સ્વીકારી લીધી હતી. હાર્દિકે એ વખતે કહ્યું હતું કે ઉચ્ચ આઈપીએ અને આઇએએસ અધિકારીઓએ તેને જણાવ્યું હતું કે તેના જીવને ખરેખર જોખમ છે. આથી તેણે સુરક્ષાનો સ્વીકાર કર્યો હતો.
'Y' કક્ષાની સુરક્ષા પ્રમાણે હાર્દિકને હથિયારધારી સીઆઈએસએફના (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ) આઠ જવાનની સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી.