પોલીસમાં લોક રક્ષક દળના જવાનો માટે યોજાયેલી પરીક્ષાનું પેપર રવિવારે લીક થયા બાદ પોલીસ તંત્રએ ચાર આરોપીની ધરપકડ કરી છે. પાંચમો આરોપી જે ફરાર થયો છે તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવતો હોવાની માહિતી બહાર આવી છે. જેમાં એક નવો ફણગો ફૂટ્યો છે. પરીક્ષા પહેલા ચિલોડાની અંજલિ હોટલમાં 50થી વધારે ઉમેદવારોની બેઠક થઇ હતી તેવા સમાચારો વહેતા થયા હતાં. પરંતુ આ હોટલનો ઉપયોગ એલઆરડી પેપર લીકમાં ક્યાંય નથી થયો.
પોલીસે આ મામલે ઝીણવટપૂર્કની તપાસ કરતા અનેક મુદ્દા તપાસ્યા છે. આ મામલામાં આજ સવારથી ચર્ચા ચાલી હતી કે પેપર લીક થયા પહેલા પણ આ જ 50થી વધારે ઉમેદવારની મિટિંગ આ હોટલમાં થઇ હતી. નોંધનીય છે કે ટાટનાં કૌભાંડમાં આ હોટલમાં મિટિંગ થઇ હતી પરંતુ લોક રક્ષક દળના પેપર લીકમાં આ હોટલનો કોઇ ભાગ નથી. ટાટ અને એલઆરડી કાંડમાં એક બાતત જ સરખી જોવા મળે તે છે મનહર પટેલ.
પેપર લીક માટે એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું હતું. યશપાલ સોલંકીના એક મોબાઇલ ફોન નંબર પર ચાલતા વોટ્સ એપનું લાસ્ટ સીન ગત તા.7 ઓક્ટોબરનું બતાવે છે. આ નંબરથી યશપાલ સોલંકીએ વોટ્સ એપનો ઉપયોગ કર્યો ન હોય તે વાતમાં કોઇ દમ નથી. યશપાલ સોલંકીએ પેપર લીક પ્રકરણમાં એકથી વધુ મોબાઇલ ફોન નંબર અથવા ડમી સીમ કાર્ડનો ઉપયોગ કર્યો હોવાની શક્યતા હોય શકે છે. હાલ તો આ પ્રકરણ બાદ સૂત્રધાર યશપાલ ભૂર્ગભમાં ઊતરી ગયો છે.
મહત્વનું છે કે પેપર લીક અંગે સીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવતા ચાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પેપર લીક કૌભાંડનો પાંચમો આરોપી ફરાર થઇ ગયો છે. જેની તપાસ કરવામાં આવતા આ આરોપી યશપાલ સોલંકી (ઠાકોર) વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ફાઇલેરિયા શાખામાં હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર