અમદાવાદ: શહેરમાં (Ahmedabad) રહેતી અને ભણેલી ગણેલી એક યુવતીને (married woman) લગ્ન બાદ સાસરિયાઓનો (inlaws) ત્રાસ સહન કરવાનો વારો આવ્યો હતો. પતિ સહિતના સાસરિયાઓ તેને ત્રાસ આપી દહેજ માંગતા હતા. ધનતેરસના દિવસે યુવતીને માસિક આવતા દીકરી સાથે પિયરમાં જતા રહેવાનું સાસુએ કહી પૂજામાં બેસવા દીધી નહોતી અને કાઢી મૂકી હતી. જ્યારે યુવતીને ગર્ભ રહ્યો ત્યારે ગર્ભપાત કરાવવા દબાણ કરી પુત્રી જ આવશે તેવી દહેશત ઉભી કરી ત્રાસ આપ્યો અને મારી હતી. આટલું જ નહીં પતિ અમેરિકા જવાનો હતો ત્યારે વિઝા પ્રોસેસ માટે પાસપોર્ટ લઈને જતો રહ્યો હતો. બાદમાં યુવતીને સાસરિયાઓ જ્યાં છે તેની જાણસુધ્ધા નહોતી. સોશ્યલ મીડિયા પર ફોટો જોયા ત્યારે વર્ષો બાદ બધા અમેરિકા ગયા હોવાનું તેને જાણવા મળ્યું હતું. હાલ સમગ્ર બાબતોને લઈને ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
શહેરના કાલુપુરમાં રહેતી 37 વર્ષીય યુવતી બેચલર ઓફ એન્જીનીયરીંગ સુધીનો અભ્યાસ કર્યો છે. વર્ષ 2012માં આ યુવતીના લગ્ન ઘાટલોડિયાના એક યુવક સાથે થયા હતા. લગ્નના એકાદ માસ બાદથી જ યુવતીના સાસરિયાઓ દહેજ બાબતે કકળાટ કરતા હતા. તેના પતિની નોકરી મુંબઈ લાગતા તેઓ ત્યાં રહેવા ગયા ત્યારે પિયરનું મકાન વેચી મુંબઈમાં ઘર લેવા યુવતીને દબાણ કરતા હતા.
વર્ષ 2013માં યુવતીને ગર્ભ રહેતા દીકરી જ આવશે તેવી દહેશત સાસરિયાઓ વ્યક્ત કરી તેને બોલવા લાગ્યા હતાં. યુવતીને તેના સાસરિયાઓ કઈ કમાતી નથી ને હવે તો દીકરી લાવી વધુ જવાબદારી ઉભી કરશે, તારે મરવું હોય તો મર તેવું ગર્ભપાત કરાવવા દબાણ કરતા હતા. વર્ષ 2013માં યુવતીએ દીકરીને જન્મ આપ્યો ત્યારે સાસરિયાઓ જોવા પણ આવ્યા નહિ અને યુવતીની નણંદની સગાઈ નક્કી થતા સમાજના ડરથી તેને બોલાવી હતી.
બાદમાં યુવતીનો પતિ મુંબઈ ખાતે એકલો જતો રહ્યો હતો. અનેક આજીજી કર્યા બાદ માંડ પત્નીને મુંબઈ લઈ ગયો હતો. બાળકીના એડમિશન માટે પૈસા માગતા યુવતીના પતિએ મનાઈ કરી દીધી હતી. આટલું જ નહીં, ધનતેરસના દિવસે આ યુવતીને માસિક આવતા તેને પૂજામાં ન બેસવાનું કહી દીકરી લઈને પીયરમા જતા રહેવા સાસરિયાઓએ કાઢી મૂકી હતી. થોડા સમય બાદ યુવતી પિયરમાંથી મુંબઈ પતિ પાસે ગઈ તો તેના પતિએ નોકરીમાંથી અમેરિકા જવાનું કહી પત્નીનો અને પુત્રીનો પાસપોર્ટ માંગી તેને પિયર મોકલી દીધી હતી.
વિઝા પ્રોસેસમાં હોવાનું કહી વાતો ટાળતો હતો અને ધીરે ધીરે યુવતી સાથે સાસરિયાઓએ સંબંધ કાપી નાખ્યો હતો. યુવતીને તેના સાસરિયાઓ ક્યાં છે, નંબર શું છે સુધ્ધાંની જાણ નહોતી. એકદિવસ સોશિયલ મીડિયા પર તમામ લોકોના અમેરિકા ખાતેના ફોટો વીડિયો તેણે જોયા હતા. પણ આ તમામ લોકોએ અનેક વર્ષો સુધી યુવતી સાથે કોઈ સંપર્ક ન રાખી અગાઉ ત્રાસ આપ્યો હતો. યુવતીનો પતિ ક્યાં છે, સાસરિયાઓ ક્યાં છે તેની તપાસ કરી છતાંય જાણવા ન મળતા આખરે તેણે પોલીસની મદદ લઇ કાલુપુરમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.